• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

ટોપણસર તળાવની કેનાલનું નવીનીકરણ કરાશે

માંડવી, તા. 26 : શહેરના હૃદયસમા  ટોપણસર તળાવની રાજાશાહી વખતની વરસાદી પાણીના નિકાલની કેનાલનું રૂપિયા 9.44 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે તેથી દાયકાઓ જૂની સમસ્યાનો સુખદ અંત આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો. હાલ આ કેનાલ તળાવના ઉત્તરાદી ભાગેથી નીકળી રાષ્ટ્રીય ધોરીમાર્ગને સ્પર્શી ઉગમણી બાજુ સીધી રૂકમાવતીમાં ભળી જાય છે પરંતુ આ કેનાલ સતત ખુલી રહેતી હોવાથી અનેકોની ગટરનું પાણી આ કેનાલમાં ઠલવાય છે આ કેનાલની પડખે રહેઠાણ, વ્યવસાયિક ધંધાર્થીઓ, બેંકો, હોસ્પિટલો સહિતના એકમો આવેલા છે તેઓ આ સમસ્યાથી તોબા પોકારી ઊઠ્યા છે, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યાનો અંત લાવવા માંડવી નગરપાલિકાના સત્તાધીશો દ્વારા અનેક પ્રયાસો થયા હતા, પરંતુ કોઈ કારણસર એ પ્રયાસો સફળતામાં પરિણમયા ન હતા અને સમસ્યા ઠેરની ઠેર રહી હતી.  થોડા સમય અગાઉ માંડવી નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવા પ્રયાસો હાથ ધરાતા `વરસાદી પાણીના નિકાલની યોજના' અંતર્ગત આખો પ્રોજેક્ટ તૈયાર કરી ગાંધીનગર કક્ષાએ મૂકવામાં આવ્યો હતો તેવી માહિતી આપતાં નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન જોશી, કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવી, હેડ ક્લાર્ક મનજીભાઈ પરમાર, એન્જિનિયર હરિભાઈ ગઢવી સહિતનાઓએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને જલ્દીથી પાસ કરાવવા અને માંડવીવાસીઓને આ સમસ્યામાંથી છુટકારો અપાવવા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કંપની (જીયુડીસી) ગાંધીનગર પાસે કરેલી રજૂઆત રંગ લાવી હતી અને તેમના પ્રયાસોથી માંડવીની આ વર્ષો જૂની સમસ્યાનો કાયમી ધોરણે અંત આવવાના દિવસો હવે નજીક જણાઈ રહ્યા છે. ટેકનિકલી માહિતી આપતાં એન્જિનિયર હરિભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, કેનાલના હયાત માળખાને ધ્વંસ કરી તે જ જગ્યાએ 12 ફૂટ પહોળાઈ ધરાવતી છ ફૂટ ઊંડાઈ અને 750 મીટર જેટલી લંબાઈ ધરાવતી આ કેનાલના કામ અંગેનું ટેન્ડર પણ મંજુર થઈ ગયું છે અને જુલાઈ 2027 સુધી આ કામ પૂર્ણ કરવાનું આયોજન છે નજીકના દિવસોમાં આ કામનો પ્રારંભ પણ કરાશે એવું કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવીએ જણાવ્યું હતું. આ પ્રોજેક્ટ જલ્દીથી સાકાર થાય તો સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને વ્યવસાયિક બાબતો સંબંધિત અનેક મુશ્કેલીઓમાંથી માંડવીની પ્રજાને સુખાકારી પ્રાપ્ત થશે તેવો આશાવાદ જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd