• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

કોઠારાના વ્યાજ વિષચક્રમાં પોલીસની લાલઆંખ

ભુજ, તા. 26 : કોઠારામાં વ્યાજના વિષચક્રમાં ફસાવી કિંમતી જમીન પડાવી લેવાયાની ફરિયાદ બાદ બે ભાઇઓ સામે પોલીસે ઊંડી તપાસ હાથ ધરીને તેનાં ઠેકાણાંઓ પરથી સવા બે કરોડથી વધુનો બેનામી મુદ્દામાલ અને કોરા ચેક તથા અનેક દસ્તાવેજો જપ્ત કર્યાના ચર્ચાસ્પદ બનાવમાં પોલીસે આ કેસમાં વધુ લાલઆંખ કરીને આરોપી આમદના સાળા રજાક સોતા (રહે. ભુજ)ના ઘરેથી એલસીબીએ વધુ રૂા. એક કરોડની રોકડ તથા દાગીના અને વાહન વેચાણ કરાર તેમજ એરગન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સપાટો બોલાવ્યો છે. આ અંગે એલસીબીએ જાહેર કરેલી વિગતો મુજબ કોઠારામાં હેર કટિંગ કરતા જાવેદ હુસેન હજામને વ્યાજના વિષચક્રમાં ફસાવી આરોપી આમદ હાજી મામદ મંધરા અને ઓસમાણ હાજી મામદ મંધરા (રહે. બન્ને કોઠારા) ભાઇઓએ તેની કિંમતી જમીન પડાવી લીધી હતી. આ ફરિયાદ બાદ પોલીસે બન્ને આરોપી આમદ અને ઓસમાણની અટક કર્યા બાદ સર્ચ એન્ડ સીઝરની કાર્યવાહી  કરતાં સવા બે કરોડથી વધુના રોકડ-દાગીના અને અનેક  દસ્તાવેજો, ચેકો તથા વાહનોના સાટાકરારની બેનામી અશ્ક્યામત જપ્ત કરી હતી. આ ગુનામાં આરોપી આમદના સગા સાળા ભુજમાં સંજોગનગરમાં મુસ્તફા મસ્જિદની બાજુમાં રહેતા અને ભાડે ટેકસી ટ્રાવેલ્સના વ્યવસાયી રજાકભાઇ ઓસમાણભાઇ સોતાના મકાનમાં એલસીબીના પીઆઇ અશોક એમ. મકવાણા અને પોલીસ કર્મચારીઓએ તપાસ કરતાં ત્યાંથી રોકડા રૂા. 6,18,000 અને સોનાં-ચાંદીના 18 ઘરેણા જેમાં સોનું 636.34 ગ્રામ અને 100 ગ્રામ ચાંદી એમ કુલે રૂા. 94,40,832 તથા એક અસલ વાહન વેચાણ કરાર અને એક એરગન કિં. રૂા. 1000 એમ કુલે રૂા. 1,00,59,832નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઇ શ્રી મકવાણાની સાથે એએસઆઇ અનિરુદ્ધસિંહ રાઠોડ, શ્યામદાન શંભુદાન ગઢવી, સુનીલભાઇ પરમાર, હે.કો. ધર્મેન્દ્રભાઇ રાવલ, રણજિતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, શ્યામ વિશ્રામ ગઢવી, મહિલા પોલીસ કિરણબા જાડેજા જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd