નવી દિલ્હી, તા. 26 : 46મા
ફિડે ચેસ ઓલિમ્પિયાડના 9મા રાઉન્ડમાં
ભારતીય મેન્સ ટીમે જર્મનીને 2.5-1.5થી
પરાજય આપ્યો છે. ભારત તરફથી યુવા ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે એલેક્ઝાન્ડર ડોનચેન્કોને
હરાવીને ટીમને નિર્ણાયક જીત અપાવી હતી. આ પરિણામ બાદ ભારતીય ટીમ 15 મેચ-પોઇન્ટ્સ સાથે પોઇન્ટ ટેબલમાં
બીજાં સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ ઉઝબેકિસ્તાન 16 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને અકબંધ છે. જર્મની સામેની આ મેચમાં એક સમયે ભારતીય ટીમ ભારે
દબાણ હેઠળ જોવા મળી રહી હતી. નિહાલ સરીનની બાજી ડ્રોમાં પરિણમી ચૂકી હતી જ્યારે આર.
પ્રજ્ઞાનાનંદ અને અર્જુન એરિગૈસીની મેચ પણ બરાબરી પર ચાલી રહી હતી. બોર્ડ પર ડી. ગુકેશની
સ્થિતિ પણ થોડી નબળી જણાતી હતી અને મેચ હાથમાંથી સરકી રહી હોય તેવું લાગી રહ્યું હતું.
આમ છતાં, ધીરજ ગુમાવ્યા વિના ગુકેશે રમત ચાલુ રાખી અને
જર્મન ખેલાડી ડોનચેન્કોની એક ભૂલનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો હતો. ગુકેશે પોતાની શાનદાર
ચાલથી બાજી પલટી નાખી અને ગણતરીની ચાલમાં જ બાજી પોતાના પક્ષમાં કરી લીધી. ગુકેશના
અદ્ભુત કમબેક સાથે ભારતે જર્મની સામે 2.5-1.5થી મેચ પોતાનાં નામે કરી લીધી. બીજી તરફ વિમેન્સ કેટેગરીમાં
પણ ભારતીય ટીમે પોતાનો દબદબો કાયમ રાખતા 9મા રાઉન્ડમાં ઉઝબેકિસ્તાનને 3-1થી હરાવ્યું છે. આ શાનદાર જીત બાદ ભારતીય મહિલા ટીમના પણ 15 મેચ-પોઇન્ટ્સ થઈ ગયા છે. જોકે, વિમેન્સ પોઇન્ટ ટેબલમાં ચીન 17 પોઇન્ટ્સ સાથે પ્રથમ સ્થાને
છે.