રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : સ્વતંત્ર, પ્રજાસત્તાક ભારતમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ,
ત્યારથી વાદવિવાદ શરૂ થયા છે. અલબત્ત, લોકતંત્રમાં
તે સ્વાભાવિક છે અને ચૂંટણીના એક ભાગ તરીકે સ્વીકાર્ય પણ છે. શરૂઆતમાં મતદારોની આંગળી
ઉપર ઓળખની નિશાની માટે શાહીનું ટપકું મુકાતું હતું તેનો વિવાદ થયો. રશિયાથી આયાત થયેલી
શાહી તરત ભૂંસાઈ જતી હોવાની ફરિયાદ તત્કાલીન જનસંઘના નેતા બલરાજ મધોકે કરી હતી,
પણ રાજકીય વિપક્ષોનો ટેકો મળ્યો નહીં. આ પછી મતપેટીઓમાં મતપત્રકની ગોલમાલના
આક્ષેપ થયા. વોટિંગ મશીન આવ્યાં અને સુપ્રીમ કોર્ટમાં નિષ્ણાતો સમક્ષ તપાસ થયા પછી
તેમાં ગોલમાલ નહીં હોવાનું પ્રમાણપત્ર મળ્યું છતાં યાંત્રિક ગોલમાલની ફરિયાદ હજુ છે.
ચૂંટણીમાં મતદાન માટે મતદાતાઓની યાદીમાં નામાવલીમાં ગરબડ હોવાની અને વોટ બેન્ક વટાવવા
માટે નકલી - `અપાત્ર' મતદારોનાં નામ જોડી દેવાયાં હોવાની ફરિયાદ અને
શંકા હોવાથી સમગ્ર દેશમાં મતદારોની નામાવલીની ફેરતપાસ - ચકાસણી કરવાની શરૂ થઈ અને લાખો
નામ રદ થયાં. આ પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ થઈ, વિપક્ષી
નેતા અને નેતાઓએ જાહેરમાં ઊહાપોહ મચાવ્યો. જો કે, નામ રદ થયાં
હોય તેની ફરીથી તપાસ માગવાની જોગવાઈ છે, પણ તેમાં વર્ષો નીકળી
જાય. મતદારોની ફેરતપાસ - અને નકલી નામોની બાદબાકી સામે વિપક્ષોનો વિરોધ હતો - અને છે.
હવે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની કાર્યવાહી સામે વિરોધ અને એમને રુખસદ આપવાની,
ધરપકડ કરવાની માગણી ઊઠી છે તેના મૂળમાં મતદારયાદીની ફેરતપાસનો વિરોધ
છે, વિપક્ષો અને જેમનાં નામ કપાયાં હોય તેવા લોકોનો વિરોધ સમજી
શકાય છે, પણ ચૂંટણીપંચના ત્રણ સભ્ય - કમિશનરોમાંથી બે સભ્યએ પણ
મુખ્ય કમિશનરની `મનમાની'નો વિરોધ કર્યો છે તે ગંભીર બાબત છે. વિરોધ પક્ષોના
નેતાઓ બૂમાબૂમ કરતા હતા એમનાં મોઢામાં `પતાસાં' પડયાં
છે! એમની માગણીને બળ મળ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર ઉપર નજર દેખાય છે, પણ નિશાના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે ! ભૂતકાળમાં ચૂંટણીના `તમાશા'ના વિવાદ થયા છે, સંભળાયા પણ છે. 1977માં રાયબરેલી અને અમેઠીમાં
ઇન્દિરા ગાંધી અને સંજય ગાંધીનો પરાજય નિશ્ચિત હતો. મતગણતરી શરૂ થઈ, ત્યારે `કાર્યકરો'એ મથકો ઉપર હુમલા કર્યા અને તમામ મતપેટીઓ ઉઠાવી
જવાના - ચોરી કરવાના પ્રયાસ કર્યા પણ મતગણતરી કરનારા સામાન્ય સ્ટાફના કર્મચારીઓ મતપેટીઓને
વળગી રહ્યા. છાતી સરસી ચાંપીને માથાં ઉપર લાઠીઓના ઘા ઝીલ્યા, પણ મતપેટીઓની રક્ષા કરી. લોકતંત્રના સાચા રક્ષકો આ હતા. 1977માં ઇન્દિરા ગાંધી અને સંજય
ગાંધી હારી ગયા છે એવું પરિણામ જાહેર નહીં કરવા માટે તત્કાલીન કમિશનર સ્વામીનાથન ઉપર
દબાણ થયું. રાત આખી એમણે ફોન બંધ રાખ્યા, ત્યારે એમના દરવાજા ધણધણાવવામાં આવ્યા, પણ એમણે મચક આપી
નહીં - આખરે નિવૃત્ત થઈને ખોવાઈ ગયા ! આપણા લોકતંત્રની આ સફળતા છે. ચૂંટણી પ્રક્રિયા
જોવા, અભ્યાસ કરવા અન્ય લોકશાહી દેશોના અધિકારીઓ ભારત આવે છે.
આપણા વોટિંગ મશીનોની માગ અને નિકાસ થાય છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ ભારતની ચૂંટણી સિસ્ટમ
વખાણી છે ! અને હવે મતદારયાદીની ફેરતપાસ સામે પંચમાં જ આંતરિક વિરોધ હોવાના ઢોલ પિટાયા
છે ! મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે બંને સાથી કમિશનરોને વિશ્વાસમાં લીધા વિના
નિર્ણય લીધા છે તેથી મતદારોને અન્યાય થયો છે. લાખો નામ રદ થયાં હોવાથી સંવિધાને આપેલા
મતાધિકારથી લોકો વંચિત થયા છે. મુખ્ય કમિશનર સામે બંને કમિશનરની ફરિયાદ છે તેમાં ત્રણ
મુખ્ય મુદ્દા છે. કાનૂની મુદ્દો નવા મતદારે ફોર્મ-6 ભરવાનું હોય છે તેમાં `ઉમેદવાર'ના પિતા, દાદા અગાઉની મતદાર ચકાસણીમાં ઉપસ્થિત હતા કે
નહીં તે લખવાનું છે. મતલબ કે મતદાર મૂળ ભારતીય છે - પાછળથી આવીને વસાહતી બની ગયા નથી
? આ શરત રાખવી હોય તે મતદાનના નિયમો - 1950માં નક્કી થયા તેમાં સુધારો
કરવો જોઈએ - એવી દલીલ સ્વીકારી નહીં. બીજો મુદ્દો ટેકનિકલ છે. દેશભરમાં જે અધિકારીઓ
ફેરતપાસનાં કામે લાગ્યા છે તેઓનું ટકનિકલ જ્ઞાન મર્યાદિત છે. સેન્ટ્રલ આઇટી ટીમ પાસે
વધુ સત્તા છે. આ ટીમને સત્તા કોણે આપી ? અમને પૂછયું નથી ! રજૂઆત કરી પણ વ્યર્થ, ત્રીજો મુદ્દો
કાર્યશૈલીનો છે. બે કમિશનરની રજૂઆત - 10 મહિનામાં 14 વખત થઈ હોવા
છતાં ધ્યાન પર લેવાય નહીં. મુખ્ય કમિશનર અન્ય કમિશનરોની હરોળના ગણાય - એમના ઉપરી નહીં.
આમાં મૂળ તો મતદારયાદીમાં સુધારા - નામ રદ કરવાનો મુદ્દો વિવાદનાં કેન્દ્રમાં છે. મુખ્ય
કમિશનરને વારંવાર ફરિયાદ - રજૂઆત થઈ હોવા છતાં એમણે સાંભળી, સ્વીકારી નહીં. ફરિયાદ ભારત સરકારના કેબિનેટ
સેક્રેટરીને પણ થઈ હોવાની વાત સાચી હોય તો ગંભીર છે. સરકારની જાણ - મંજૂરીથી જ્ઞાનેશકુમાર
નિર્ણય લઈ રહ્યા હોવાનું સાબિત થાય છે. એક પ્રશ્ન ઊઠે છે ! આ બંને કમિશનર લેખિત રજૂઆત
પછી આટલો સમય મૌન કેમ રહ્યા ? અખબારમાં ધડાકો થયો, પણ બંને કમિશનર રાજીનામાં આપીને જાહેરમાં આવ્યા હોત તો ? અધૂરામાં પૂરું - જે દિવસે મુખ્ય કમિશનર ઉપર ચારે બાજુથી પસ્તાળ પડી તે જ દિવસે
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણીપંચના મુખ્ય કમિશનર તથા અન્ય બે કમિશનરની નિમણૂકનો કેસ આવ્યો.
આ નિમણૂક માટે વિશેષ સમિતિ હોય છે, જેમાં વડાપ્રધાન, એક કેબિનેટ પ્રધાન અને ત્રીજા વિપક્ષના નેતા સભ્ય હોય છે. તેથી વડાપ્રધાન અને
કેબિનેટ પ્રધાન એક તરફ હોવાથી એમની બહુમતી નિશ્ચિત હોય છે અને કમિશનર નિષ્પક્ષ - તટસ્થ
- સ્વતંત્ર હોવાની શક્યતા નથી એવી દલીલ અરજદારની હતી. 2023માં સંબંધિત કાયદામાં ઉપરોક્ત
વ્યવસ્થા કરવામાં આવી. આ પહેલાં સમિતિમાં વડાપ્રધાન,
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને વિપક્ષી નેતા હતા. નવી વ્યવસ્થાને
પડકારવામાં આવી અને સુનાવણી વખતે એક ન્યાયમૂર્તિએ સ્પષ્ટ કહ્યું કે, આ વ્યવસ્થામાં વિપક્ષી નેતા માત્ર શોભાના ગાંઠિયા જેવા છે. જસ્ટિસ દીપાંકર
દત્તાએ કહ્યું કે, કારોબારી-સરકારના હાથમાં ઘણી સત્તા છે. આઝાદી
પછીના સાત દશકમાં જેઓ સત્તા ઉપર આવ્યા એમણે હાથ ઉપર રાખ્યો છે. જો આપણે મુક્ત અને પ્રમાણસર
ચૂંટણી કરાવવી હોય, તો ચૂંટણીપંચ સ્વતંત્ર હોય એટલું જ નહીં,
સ્વતંત્રપણે કાર્યવાહી થાય છે તે પણ બતાવવું જોઈએ. હવે આ મુદ્દો પાંચ
સભ્યની બંધારણીય બેંચ પાસે મોકલવામાં આવ્યો છે. હવે મુખ્ય કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામા
અને ધરપકડની માગણી થઈ છે. બિહાર, બંગાળ, મહારાષ્ટ્રમાં ફરીથી - નવેસરથી ચૂંટણીની માગણી વિરોધ પક્ષો કરી રહ્યા છે,
પણ તે શક્ય નથી. હવે `એસઆઇઆર' ફેરતપાસને
બ્રેક લાગશે ?, જે રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે, ત્યાં જૂની યાદીઓના આધારે મતદાન થઈ શકે ? જો યોગ્ય સમાધાન
નીકળે નહીં તો જબરદસ્ત ઉત્પાત - થશે અને ચૂંટણી ટાળવી - મુલતવી પણ રાખવી પડે. આ સંજોગોમાં
`એક રાષ્ટ્ર એક ચૂંટણી'નો નિર્ણય પણ મુલતવી રહેશે ? વિપક્ષો નવી યાદીના આધારે ચૂંટણી સ્વીકારે નહીં, બહિષ્કાર
કરે અથવા દેશભરમાં ભારે ઉત્પાત જાગે. ઇમર્જન્સી જેવી સ્થિતિની શંકા થાય. મુખ્ય ચૂંટણી
કમિશનર રાજીનામું આપશે ? આપે તો અત્યારના બે કમિશનર છે તેમનું
શું ? સમસ્ત પંચ - બરખાસ્ત કરીને - સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ
નવી નિમણૂક કરવી પડે. ચૂંટણીપંચના વિવાદની ગંભીર અસર રાજકારણ ઉપર પડી શકે છે. મુખ્ય
કમિશનર સામે મહાભિયોગ - ઈમ્પીચમેન્ટનો પ્રસ્તાવ સંસદમાં સરકારની બહુમતીથી નામંજૂર થઈ
શકે છે, પણ વિવાદ સર્વોચ્ચ અદાલતમાં અને જનતાની અદાલતમાં જશે
તે નક્કી છે. હવે આ રાજકીય મહાભારતમાં રાહુલ ગાંધી બરાબર પાસાં ફેંકી રહ્યાં છે. કપિલ
સિબ્બલ એમના `મામા'ની ભૂમિકામાં કાનૂની સલાહકાર છે. છેલ્લા ત્રણ
મહિનાથી રાહુલ ગાંધી `વોટ ચોરી'ના આક્ષેપ કરી રહ્યા હતા, ત્યારે ત્રણે કમિશનરે એક અવાજે આક્ષેપોને રદિયો આપ્યો હતો. હવે બે કમિશનરે
પણ મુખ્ય કમિશનર ઉપર આક્ષેપ કર્યા છે, ત્યારે રાહુલ ગાંધીએ એમને
વખાણ્યા, વધાવ્યા છે કે પરિણામ જાણીને તમે શાણપણ વાપર્યું છે.
ત્રણ મહિના પહેલાં રાહુલ ગાંધીને અંદરખાનેથી માહિતી આપનાર કોઈ હોય, તો ઓફિશિયલ સિક્રેટ એક્ટ લાગુ પડે ? બીજું, રાહુલ ગાંધીએ જ્ઞાનેશકુમારને સલાહ - અથવા ધમકી આપી છે કે, તાજના સાક્ષી બનો - વડાપ્રધાન અને ગૃહપ્રધાનનાં નામ આપો તો છૂટી જશો. જો કે,
આ શક્ય લાગતું નથી એટલે જ ઈમ્પીચમેન્ટની કાનૂની તૈયારી થઈ રહી છે. રાહુલ
ગાંધી કહે છે કે, એમની પાસે હજુ `ઘણી માહિતીનો મસાલો' છે !, પણ જ્ઞાનેશકુમાર
ઉપર આવી ગર્ભિત ધમકીની અસર થશે ? રાજીનામું આપવાની ઉતાવળ નથી.
સંસદમાં ઠરાવ મંજૂર થાય, તો વાત જુદી છે, પણ કાનૂની કાર્યવાહી - દેશદ્રોહના આરોપ હોય તો પણ નહીં. રાહુલ ગાંધીએ મોદી
ઉપર એવો આક્ષેપ કર્યો છે કે, જેન-ઝી યુવા વર્ગનો મતાધિકાર ખૂંચવી
લેવા માગે છે ! નોંધપાત્ર છે કે કોક્રોચ પાર્ટીના અભિજિત દીપકેએ ધમકી આપી છે કે,
જ્ઞાનેશકુમાર 48 કલાકમાં રાજીનામું નહીં આપે અને મતદારયાદીની ચકાસણી રદ નહીં
થાય, તો ફરીથી જંતર-મંતર શરૂ થશે ! આ વાદ-વિખવાદના
રાજકીય મહાભારતના કારણે દેશભરમાં અંધાધૂધી સર્જાય તેમ છે. મોદી સરકારની કટોકટી છે,
પણ આપણી લોકશાહીની અગ્નિપરીક્ષા થશે એમ જણાય છે. કેન્દ્ર સરકારે સંસદના
વર્ષાસત્રને `સમાપ્ત' જાહેર કરવાની ભલામણ રાષ્ટ્રપતિજીને કરી નથી
કદાચ મહિલા આરક્ષણનો પ્રસ્તાવ લાવવાનો વિચાર હશે. પણ હવે વિપક્ષો સંસદના વર્તમાન વર્ષાસત્રની
બેઠક બોલાવીને ચૂંટણી કમિશનર સામે ` મહાભિયોગ - ઇમ્પીચમેન્ટની દરખાસ્ત લાવી શકે. 24મી એપ્રિલ, 2026ના ઇમ્પીચમેન્ટની
બીજી દરખાસ્ત આપી હતી તે હજુ સ્પીકરનાં ટેબલ ઉપર છે તેમાં છેલ્લી ઘટનાઓ ઉમેરીને ફરીથી
હાથ ધરી શકાય. મહાભિયોગનો પ્રસ્તાવ ફરીથી રજૂ થાય,
તો તે `દાખલ' કરવા માટે લોકસભાના ઓછામાં ઓછા 100 અને રાજ્યસભાના 50 સભ્યનો ટેકો જોઈએ. `દાખલ'
થયા પછી આક્ષેપોની તપાસ કરવા માટે વિશેષ સમિતિ નીમવી પડે... તેના અહેવાલમાં
આક્ષેપો સાબિત થાય તે પછી ગૃહમાં હાજર રહેલા સભ્યોમાં બે તૃતીયાંશનો ટેકો મળે તો ઠરાવ
મંજૂર થાય. આખરે સંસદની ભલામણથી જ મુખ્ય કમિશનર પદભ્રષ્ટ થાય. આ પ્રક્રિયામાં સરકાર
- વડાપ્રધાનની સલાહ, ભલામણ ચાલે નહીં. રાષ્ટ્રપતિ પાસે પણ વિકલ્પ
નથી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના
સમકક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર છે. - વિવાદનાં કેન્દ્રમાં ચંદ્રશેખરન
અને જ્ઞાનેશકુમાર : અત્યારે ઔદ્યોગિક જગતમાં `તાતા'ના ચંદ્રશેખરન અને રાજકીય વર્તુળોમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિવાદનાં
કેન્દ્રમાં છે. ચંદ્રશેખરનના કેસમાં કાનૂની મુદ્દા છે અને જ્ઞાનેશકુમારના કેસના મૂળમાં
રાજકારણ છે.