• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

પશ્ચિમ કચ્છ અને પૂર્વોત્તરની ભાગીદારીથી અર્થતંત્રને નવું બળ

ગાંધીધામ, તા. 26 : ભારત આજથી પાંચ હજાર વર્ષ પહેલાં સમુદ્રી વ્યાપાર ક્ષેત્રે નેતૃત્વ કરી ચૂક્યું છે. આ નેતૃત્વની તાકાત ફરી દર્શાવવાના હેતુથી કંડલા ખાતે દેશનો પ્રથમ ઈ-મિથેનોલ પ્લાન્ટ   કાર્યરત કરવા માટેનો આ કાર્યક્રમ છે, તેવી લાગણી ડીપીએ અને આસામ પેટ્રોકેમિકલ લિ.ના ઉપક્રમે 150 પીટીડી  ઈ-મિથેનોલ પ્લાન્ટના ખાતમુહૂર્ત સમારોહમાં વ્યક્ત કરવામાં આવી હતી. - હરિત ઊર્જાનું નેતૃત્વ : ગાંધીધામ - આદિપુરની મધ્યમાં ડીપીએ એક્ઝિબિશન ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં અધ્યક્ષ સ્થાનેથી  સભાને સંબોધતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, આગામી તા. 7 ઓક્ટોબરના વડાપ્રધાનની રાષ્ટ્રસેવા, જનસેવા સાધાનાનાં 25 વર્ષ પૂરાં થશે. આ સફળતાને લોકો સુધી પહોંચાડવા દેશભરમાં સેવા સંકલ્પ અભિયાન યોજાયું છે. આ અભિયાન અંતર્ગત આજે  દીનદયાલ પોર્ટના આંગણે દેશની હરિત ઊર્જાને નવી દિશા આપતો સમારોહ યોજાયો છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં હરિત વિકાસ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.  આ યાત્રાનું નેતૃત્વ કરતાં ગુજરાત ગૌરવ અનુભવે છે. કચ્છ અને ગુજરાતનો લાંબો દરિયાકિનારો આ જહાજોને શક્તિ આપશે તેમજ ગુજરાતનો  દરિયાકિનારો ભારતની ગ્રીન એનર્જી માટે વિશ્વનું પ્રવેશદ્વાર બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. - મેગા પોર્ટનું કદમ : કેન્દ્રીય શિપિંગમંત્રી સર્બાનંદ સોનોવાલે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કહી,  કેમ છો ? સાથે શરૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 5000 વર્ષ પહેલાં ભારત સમુદ્રી વ્યાપારમાં નેતૃત્વ કરતું હતું. મુગલો, અંગ્રેજોના શાસનમાં નેતૃત્વ વિખાઈ ગયું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હવે ભારતને કોઈ તોડી નહીં શકે. આસામ અને ગુજરાત સરકાર દ્વારા  વડાપ્રધાનના હરિત ઊર્જાના સંકલ્પને આગળ વધારવાનું કાર્ય હાથ ધર્યું છે. શિપિંગમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, અત્યારે આ પ્રકલ્પ  અંતર્ગત 150 ટન પ્રતિદિન ઉત્પાદિત કરાશે, પરંતુ ભવિષ્યમાં તેને 350 ટન પ્રતિદિનની ક્ષમતા સુધી લઈ જવાશે, એટલે રોજગારી પણ  ત્રણ ઘણી વધશે. નોર્થ-ઈસ્ટ અને પશ્ચિમના રાજ્યો વચ્ચેના આ સંકલન થકી દેશની અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે. શિપિંગમંત્રી દ્વારા કંડલા-મુંદરાને દેશના મેગા પોર્ટનો દરજ્જો આપવામાં આવ્યો છે.  મહાબંદરોની ક્ષમતા સાથે રોજગારી પણ વધશે. નવી પેઢીને આગળ વધારવા માટે કેન્દ્ર  સરકાર દ્વારા મેગા પોર્ટનું મહત્ત્વનું કદમ ઉપાડાયું હોવાનું  જણાવ્યું હતું. - ગુજરાત-આસામની ભાગીદારી : આસામના  મુખ્યમંત્રી  હેમંતા બિસવા સરમાએ  જણાવ્યું હતું કે, આ પ્લાન્ટ  ભારત  માટે  મોટી ઉપલબ્ધિ છે.   આજે જે શરૂઆત થઈ છે એ આગળ જતાં આ મિથેનોલ પ્લાન્ટની ઓર વૃદ્ધિ થશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.  આ પ્રોજેક્ટ થકી ભારત ગ્રીન  ઊર્જાનું મહત્ત્વનું કેન્દ્ર બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.  વિશ્વના 700 જેટલા જહાજમાં ઈ-મિથેનોલનું ઈંધણ વપરાઈ  રહ્યું છે, ત્યારે આ માટેનું માર્કેટ ઉપલબ્ધ જ છે. વડાપ્રધાનના  વર્ષ 2070 સુધી સમુદ્રી વ્યાપારમાં નેટ ઝીરોનાં લક્ષ્યને સાકાર કરવામાં આ પ્રકલ્પ   મહત્ત્વનો સાબિત થશે તેવું જણાવ્યું હતું. - યુવાનોને રોજગારી મળશે : ડીપીએ  ચેરમેન સુશીલકુમાર સિંઘે સ્વગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે,  150 ટન પ્રતિદિનની ક્ષમતાનો આ પ્રોજેક્ટ વડાપ્રધાનની દૂરંદેશિતા અને હરિત ઊર્જાનાં લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આ  પ્રકલ્પની નવી ઈકોસિસ્ટમ ઊભી થશે અને કચ્છના હોનહાર યુવાનોને  રોજગારી મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. - સમગ્ર ભારત માટે ગૌરવ : આસામ પેટ્રોકેમિકલ લિમિટેડના ચેરમેન બિપુલચંદ્ર ડેકાએ આસામ-ગુજરાત માટે જ નહીં આજનો દિવસ સમગ્ર દેશ માટે મહત્ત્વનો હોવાનું જણાવ્યું હતું. તેમણે એ.પી.એસ.એલ.ની સ્થાપનાનો ઇતિહાસ અને ગ્રે - મિથેનોલનાં ઉત્પાદન સહિતના પ્રકલ્પ અંગે વિસ્તૃતમાં વાત કરી  હતી. ભવિષ્યમાં કંડલા ખાતેના આ પ્લાન્ટનું સમયાંતરે વિસ્તરણ કરાશે, તેવું તેમણે જણાવ્યું હતું. - ઉપસ્થિત મહાનુભાવો : આરંભમાં પ્રજાકીય પ્રતિનિધિ ભાજપ સંગઠનના પદાધિકારીઓ દ્વારા બન્ને મુખ્યમંત્રી, શિપિંગમંત્રીનું સ્વાગત કરાયું હતું. મહેમાનો સભા મંડપમાં આવ્યા ત્યારે  જયશ્રી રામના નારા ગુંજી ઊઠયા હતા. આ વેળાએ રાજ્યમંત્રી  ત્રિકમભાઈ છાંગા, કચ્છના  પ્રભારી અને શ્રમ મંત્રી કાંતિલાલ અમૃતિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય  માલતીબેન મહેશ્વરી, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા,    માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલ આચાર્ય અને હિતેશ ખંડોર,  ભીમજીભાઈ જોધાણી, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડ, માનદ્મંત્રી મહેશ તીર્થાણી,   ખજાનચી કૈલેશ ગોર, કંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  દિનેશ ગુપ્તા, અગ્રણી ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમાભાઈ હુંબલ તેમજ અન્યો  ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરે આયોજનને શુભેચ્છા પાઠવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd