ડુમરા (તા. અબડાસા), તા. 26 : અહીંના વાડી
વિસ્તારમાં પ્રસૂતિની પીડા વધતાં 108 ટીમની સમયસૂચક કામગીરીથી ટ્રેક્ટરની ટ્રોલીમાં જ મહિલાની સફળ
પ્રસૂતિ કરાવવામાં આવી હતી. ડુમરા વાડી વિસ્તારમાં
રહેતા નીતાબેન ગાવિંદ નાયકને પ્રસૂતિની પીડા ઉપડતાં તેમના સંબંધીઓ દ્વારા 108 ઇમર્જન્સી સેવા માટે કોલ કરવામાં
આવ્યો હતો. કોલ મળતાં નજીકની ડુમરા 108 લોકેશન પરથી EMT સાહિલ જોષી અને પાઇલોટ અશોક ચંદે તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચ્યા
હતા. 108 ટીમ ટ્રેક્ટર સુધી પહોંચ્યા
બાદ દર્દીની તપાસ કરતાં જણાયું કે, તાત્કાલિક પ્રસૂતિ કરાવવી જરૂરી હતી. ટીમ દ્વારા એમ્બ્યુલન્સની લાઇટના પ્રકાશમાં
જ ટ્રેક્ટર ટ્રોલીમાં પ્રસૂતિ કરાવાઈ હતી.
પ્રસૂતિ બાદ માતા અને નવજાત બાળકની હાલત સારી હોવાનું જણાયું હતું. 108 ટીમ દ્વારા બંનેને જરૂરી પ્રાથમિક
સારવાર બાદ વધુ સારવાર માટે માંડવી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રોગ્રામ મેનેજર ડો. ભંવરલાલ પ્રજાપતિ તથા EME જબરસિંહે 108 ટીમની કામગીરીને બિરદાવી હતી.