• રવિવાર, 27 સપ્ટેમ્બર, 2026

પ્રખર રાષ્ટ્રવાદનાં બે દૃષ્ટાંત

કચ્છ એટલે કચ્છ : દીપક માંકડ : સીમાવર્તી કચ્છ પ્રદેશના લોકો હંમેશ દેશદાઝથી છલોછલ રહ્યા છે. દેશના પશ્ચિમ છેવાડે આવેલી આ એવી ભોમકા છે જેણે કચ્છ-ગુજરાત કે ભારતને  નુકસાન પહોંચાડવાના કેટલાય ષડયંત્રો ખમ્યાં છે. તે નિષ્ફળ બનાવવાના સનસનીખેજ ઓપરેશન્સ જોયાં છે. નાપાક પડોશી પ્રેરિત દાણચોરી, ઘૂસણખોરીના પેંતરા ખુલ્લા પાડયા છે અને યુદ્ધ વખતે સરહદે જાંબાઝ જવાનોનો હોંસલો બુલંદ કર્યો છે. કુદરતી આફતો ખમીને ફરી  મજબૂત રીતે બેઠા થતા કચ્છીઓની હિંમત અને ખમીરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરંતર બિરદાવ્યું છે. એ જુસ્સો, સ્થિતિનો સામનો કરવાની ક્ષમતા, બહાદુરી કચ્છ અને કચ્છીઓમાં પહેલેથી ભરી પડી છે. આ વાત માંડવાનું નિમિત્ત બનતી બે ઘટનાની અહીં વાત કરવી છે. એક છે 25મી સપ્ટેમ્બર, 1965ની વાત. ભારત-પાકિસ્તાન વચ્ચે ભીષણ સંગ્રામ બાદ કારમો પરાજય ખમનાર પાકિસ્તાને ઘૂંટણીએ પડીને યુદ્ધવિરામ માટે સંમતિ આપવી પડી હતી. એ ઘટનાને 61 વર્ષ થયાં. બીજી ઘટના એકસાથે સીમાપાર પ્રેરિત નાપાક આતંકવાદથી સળગતાં અને અત્યારે મોદી સરકારના પ્રયાસોથી રાષ્ટ્રની મુખ્ય ધારામાં આવી રહેલા કાશ્મીરને લગતી છે. કચ્છ સંબંધિત સંપ્રદાય-મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના નેજા હેઠળ સંતો અને દેશભકતોના સમૂહે તાજેતરમાં શ્રીનગરના લાલચોકમાં જઇને ત્રિરંગો લહેરાવ્યો. પ્રયોજન હતું સરદાર પટેલની 150મી જન્મજયંતી ઉજવણીનું. આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજીના નેતૃત્વ હેઠળના વૃંદે રાષ્ટ્રની ઉન્નતિ-શાંતિ અને ઐક્યનો સંદેશો પાઠવ્યો હતો. ભગવાધારી સાધુ-સંતોનો સમૂહ લાલચોકમાં ભારત માતાનો જયઘોષ કરતો હોય એ દૃશ્યોની દેશભરમાં વ્યાપક નોંધ લેવાઇ હતી. કચ્છના રણમાં 1965 અને 1971 એમ બે યુદ્ધ પાકિસ્તાન સાથે ખેલાયાં. 1965નો સંઘર્ષ રણ પૂરતો સીમિત રહ્યો હતો, પણ કચ્છના મહત્ત્વના એવા છાડબેટ ચરિયાણ પ્રદેશના છેદન માટે જવાબદાર બનેલાં આ યુદ્ધે દેશભરમાં રાષ્ટ્રભક્તિનો જુવાળ જગાવ્યો હતો. એ યુદ્ધનો પ્રથમ તબક્કો એપ્રિલમાં શરૂ થયો હતો. સપ્ટેમ્બરમાં ફરી યુદ્ધ થયું, જે ત્રીજી સપ્ટેમ્બરથી 22મી સુધી ચાલ્યું હતું. 1965નું યુદ્ધ ભારતીય સૈન્યની બહાદુરી અને વીરતાનું ઝળહળતું પ્રકરણ છે. એ દરમ્યાન ગુજરાત અને રાષ્ટ્રે એક પ્રખર રાજનેતા ગુમાવ્યો, રાજ્યના મુખ્યમંત્રી બળવંતરાય મહેતા કચ્છના પ્રવાસે હતા. તેમના વિમાન પર બે પાકિસ્તાની સેબરજેટ વિમાનોએ ઘાતકી હુમલો કરતાં બળવંતરાય, તેમના પત્ની સરોજબેન મહેતા અને બીજા પાંચ જણે જીવ ગુમાવ્યો હતો. આ કમનસીબ દુર્ઘટના 19મી સપ્ટેમ્બરે બની હતી. અમેરિકા અને સલામતી સમિતિની મધ્યસ્થતા પછી ભારતે યુદ્ધવિરામ ઘોષિત કર્યો. પાકિસ્તાને સંમતિ જાહેર કરી તેમ છતાં પાકિસ્તાની વિમાનોએ 22મી સપ્ટેમ્બરે અમૃતસરની બજાર ઉપર નિર્દય બોમ્બમારો કરતાં 40થી વધુ લોકો માર્યા ગયા હતા અને 50 જેટલા ઘવાયા હતા. પીઠ પાછળ વાર કરવો એ પાકિસ્તાનની ફિતરત બહુ જૂની છે. વડાપ્રધાન લાલબહાદુર શાત્રીએ ભારતની રાષ્ટ્રીય એકતાની ખૂબ પ્રશંસા કરી હતી. તા. 29/9/1965ના કચ્છમિત્રના અંકમાં મુખ્ય સમાચાર છે... રાષ્ટ્રજોગું વાયુ પ્રવચન કરતાં શાત્રીજી કહે છે `ભારત ઉપર આક્રમણ કરતી વખતે પાકિસ્તાને બે મુરાદ સેવી હતી. એક તો એ કે કાશ્મીરમાં બળવો થશે અને બીજી તેની માન્યતા એ હતી કે, ભારતમાં કોમી રમખાણ ફાટી નીકળશે... ભારતની અભેદ આંતરિતક એકતાએ આ બંને મેલી મુરાદનો ભુક્કો બોલાવી દીધો. * * હવે વાત કરીએ રાષ્ટ્રવાદી બીજી ઘટનાની. સામેપાર પાકિસ્તાન છે, તેવી સરહદ ધરાવતા કચ્છ પ્રદેશમાં પણ  મૂળિયાં ધરાવતા સ્વામિનારાયણ મણિનગર ગાદી સંપ્રદાયના સંત વૃંદની સાથે દેશભક્ત બનેલા હરિભક્ત સમુદાયે તાજેતરમાં જ ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નાદથી કાશ્મીરનું ઐતિહાસિક લાલચોક પરિસર ગજવ્યું હતું. પ્રસંગ હતો સરદાર વલ્લભભાઇ પટેલની 150મી જયંતીના સમાપનનો... રાષ્ટ્રભક્ત લોહપુરુષને પોંખવાના પ્રસંગે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગરના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીનાં નેતૃત્વ હેઠળ લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. લાલચોકમાં તિરંગો ફરકાવીને સરદારની વંદના કરવાનો વિચાર કેવી રીતે સ્ફૂર્યો તેવું પૂછતાં મણિનગર-અમદાવાદ મંદિરના મહંત ભગવતપ્રિયદાસજી સ્વામીએ માંડીને કરેલી કાશ્મીર પ્રવાસની પૂર્વભૂમિકાની વાત રસપ્રદ બની રહી. તેમણે જણાવ્યું હતું કે, અખંડ ભારતના શિલ્પી સરદાર પર ઘણું સંશોધન કરનાર સ્વામિનારાયણ કોલેજના ઇતિહાસવિદ્ રિઝવાન કાદરીએ કાશ્મીર જઇને વલ્લભભાઇ પટેલના પ્રવાસ પર સંશોધન કર્યું. દેશની આઝાદી બાદ કાશ્મીરમાં સરદારનાં સાંનિધ્યમાં કાર્યક્રમ થયો હતો, પરંતુ તેને કોઇ પ્રસિદ્ધિ મળી નહોતી. કાશ્મીરથી પરત ફરીને રિઝવાન કાદરીએ આચાર્ય સ્વામીને વિગતે વાતો કરી. મણિનગર ગાદી સંસ્થાન સરદાર પટેલ પર પુસ્તક પ્રકાશિત કરે તો તેનું વિમોચન શ્રીનગરના લાલચોકમાં કરીએ. સંસ્થાને પુસ્તક પ્રકાશિત કર્યું. કાશ્મીરના લેફટનન્ટ ગવર્નરને રૂબરૂ મળવા ગયા. મંજૂરી મળતાં આચાર્ય સ્વામી સહિત 60 સંતોના નેતૃત્વ હેઠળ દેશ-વિદેશના 600થી વધુ હરિભક્તોનો સમુદાય લાલચોક પહોંચ્યો. આચાર્ય સ્વામી જિતેન્દ્રિયપ્રિયદાસજીએ હિન્દીમાં આશીર્વચન આપતાં રાષ્ટ્રભક્તિ અને શાંતિનો સંદેશ આપ્યો હતો. જમ્મુ-કાશ્મીરના લેફ્ટ. ગવર્નર મનોજ સિંહાએ ગાદી સંસ્થાનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. મહંત ભગવતપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, કાશ્મીરમાં સ્થાનિક શાસન, પ્રશાસનનો પૂરતો સહયોગ મળ્યો. ભાજપ કાર્યકર એજાજહુસેને કાર્યક્રમનાં આયોજનમાં મનપૂર્વક સહયોગ પૂરો પાડયો હતો. સરદારની 150મી જયંતીના સમાપન નિમિત્તે લાલચોકમાં ઐતિહાસિક પ્ર્રસંગ યોજાયો. વંદે માતરમ્ અને ભારત માતા કી જયના નાદથી લાલચોક પરિસર ગુંજી ઊઠયું ત્યારે ભારતીયોનાં અંતરમાં દેશદાઝ ભરી પડી હોવાની પ્રતીતિ થયા વિના રહી નહોતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd