બીએનજીડીના હોદ્દેદારોનો રૂા. 1143 કરોડનો ગફલો : સરકારને રૂા.
343 કરોડનું નુકસાન : ગુનો દાખલ
: અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યમાં પોલિટિકલ ડોનેશનનાં નામે
આચરવામાં આવેલા એક વિશાળ નાણાકીય કૌભાંડનો પર્દાફાશ થયો છે. અમદાવાદ સ્થિત ઇન્કમ ટેક્સ
ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર ડો. રાજેન્દ્ર રાજ જેહરા રામ દ્વારા 23 સપ્ટેમ્બરના ગાંધીનગર સીઆઇડી
ક્રાઇમમાં આ અંગે વિધિવત રીતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. આ ફરિયાદમાં ભારતીય નેશનલ
જનતા દળ (બીએનજીડી) નામના પક્ષ અને તેના મુખ્ય હોદ્દેદારો દ્વારા કાગળ પર રાજકીય દાન
દર્શાવીને રૂા. 1,143 કરોડથી વધુના
ભંડોળની હેરાફેરી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 132 હેઠળ 12 નવેમ્બર, 2025ના ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત મેઘમલ્હાર કોમ્પ્લેક્સમાં
આવેલી પક્ષની કચેરી તથા હોદ્દેદારોના નિવાસસ્થાને પાડેલા દરોડા દરમિયાન આ સમગ્ર કારસો
બહાર આવ્યો હતો. આ કૌભાંડમાં BNJDના પ્રમુખ સુરેન્દ્રકુમાર વિઠ્ઠલભાઈ
ગજેરા, જનરલ સેક્રેટરી વિપુલ સોલંકી, ટ્રેઝરર રોનકાસિંહ ચાવડા અને સીએ-ઓડિટર આદિલ સૈયદ સામે ગંભીર આરોપો મૂકવામાં
આવ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગ અનુસાર, કરદાતાઓને દાનવીર તરીકે
દર્શાવીને બાંકિંગ માધ્યમોથી પક્ષના ખાતામાં નાણાં જમા કરાવવામાં આવતા હતા અને બદલામાં
કલમ 80GGB તથા 80GGC હેઠળ કરમુક્તિ મેળવવા માટે બોગસ પહોંચ આપવામાં આવતી
હતી. ત્યારબાદ આ રકમને કાજલ એન્ટરપ્રાઇઝિસ અને પરમાર એસોસિએટ્સ જેવી શેલ કંપનીઓમાં
ટ્રાન્સફર કરી અનાજ કે કઠોળની બનાવટી ખરીદીના ઇન્વોઇસ તૈયાર કરવામાં આવતા હતા. અંતે
2થી 10 ટકા જેટલું કમિશન કાપીને બાકીની રકમ આંગડિયા અથવા હવાલા મારફતે
મૂળ દાતાઓને રોકડમાં પરત કરી દેવાતી હતી. તપાસ દરમિયાન નાણાકીય વર્ષ 2019-20થી 2024-25 વચ્ચે આશરે 56,238 ગ્રાહકો પાસેથી રૂા. 1,143.85 કરોડ મેળવ્યા હોવાનું ખુલ્લું
પડ્યું છે, જેના કારણે સરકારી તિજોરીને
અંદાજે રૂા. 343 કરોડનું સીધું
ટેક્સ નુકસાન થયું છે. આ સમગ્ર નેટવર્કના માસ્ટરમાઇન્ડ BNJDના પ્રમુખ ગજેરા હતા, જેઓ કમિશનના દર નક્કી કરવાથી લઈને રોકડ પરત
કરવાની પ્રક્રિયા પર નજર રાખતા હતા. - અમદાવાદમાં પણ બે બોગસ પાર્ટીએ
સરકારી તિજોરીને 217 કરોડનો
ચૂનો લગાડયો : નવ સામે ફરિયાદ : અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : અમદાવાદ સીઆઈડી ક્રાઈમમાં આવકવેરા
વિભાગના અધિકારીઓ દ્વારા એક અત્યંત ગંભીર ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ શહેરમાં બે બોગસ
રાજકીય પક્ષોએ કુલ રૂા. 725 કરોડથી વધુનું
જંગી કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. બોગસ ડોનેશનના કૌભાંડમાં આરોપીઓ એકબીજાના
મેળાપીપણા થકી પક્ષનાં નામે દાનની રકમ મેળવી તે પૈકી 8-9 ટકા કમિશન કાપ્યા બાદ કરોડો
રૂપિયાનું દાન રોકડમાં પરત કરતા હોવાનો પર્દાફાશ થયો છે. આમ ટેક્સ ચોરી કરીને સરકારી
તિજોરીને બંને પક્ષોએ રૂા. 217 કરોડથી વધુનો
ચૂનો લગાડ્યો હોવાની ફરિયાદ અમદાવાદ સીઆઈડી ક્રાઈમ મથકમાં નોંધાઈ છે. નરોડા ખાતે આવેલી
રાજકીય પાર્ટી સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી સહિત તેના હોદ્દેદારો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સામે
રૂા. 519 કરોડના બોગસ ડોનેશન અને રૂા.
155 કરોડથી વધુની ટેક્સચોરી બદલ
ફરિયાદ નોધાવી છે. ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર મહેશકુમાર ખત્રી (ઉ. 52)ના ડેટાને આધારે આઇટી વિભાગની
ઈન્વેસ્ટિગેશન વિંગે સર્ચ કરતાં રાજકીય દાન આપનારનું લિસ્ટ મળી આવ્યું હતું. પાર્ટીના
રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલ ખત્રી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂરાસિંહ રાઠોડ સામે
કડક કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓએ માત્ર કાગળ પર પાર્ટી ઊભી કરી હતી.
નાના ચિલોડા ખાતે આવેલી ગરીબ કલ્યાણ પાર્ટીના બેંક ખાતાઓનો દુરુપયોગ કરીને 206 કરોડ રૂપિયાથી વધુના બોગસ ડોનેશન
દ્વારા આશરે 62 કરોડ રૂપિયાની કરચોરી કરવામાં
આવી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કુલદીપદાન ટાપરિયા (ગઢવી)એ અને સીએ અશોક કુમાર શાહે પણ
ખોટા હિસાબી રિપોર્ટ તૈયાર કર્યા હતા. ગરીબ કલ્યાણ પાર્ટીના પ્રમુખ નીરજ ક્ષત્રિય, સેક્રેટરી ધનંજય રાજપૂત, ખજાનચી ધીરજ ક્ષત્રિય, એક્ઝિટ પ્રોવાઈડરો અભિષેક ચંદ્રપ્રકાશ
તિવારી તથા પ્રદીપાસિંહ પરિહાર, સીએ કુલદીપદાન પર્વતાસિંહ ટાપરિયા
અને પંકજ અગ્રવાલ (મધ્યસ્થી સીએ) વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.