ભુજ, તા. 26 : ચાર વર્ષ પૂર્વે દયાપર અને
મેઘપર વચ્ચેના રસ્તા પર ફોર્ચ્યુનર ગાડીથી થયેલી હત્યાના ચકચારી કેસમાં આરોપીનો નિર્દોષ
છુટકારો થયો છે. આ કેસની ટૂંક વિગતો મુજબ ગત તા. 3/10/22ના સાંજે નરેન્દ્ર અને તેના પિતા રમેશભાઈ અરજણભાઈ બલિયા દયાપરથી
પોતાના મોપેડ મેસ્ટ્રોથી પોતાના ગામ મેઘપર તરફ જઈ રહ્યા હતા, ત્યારે સાંગણ ગુના પાસે આવેલી ચાડી પાસે પાછળથી
જુણાચાયના નવલસિંહ કારુભા જાડેજા પોતાની ફોર્ચ્યુનર
ગાડીથી પાછળથી ઠોકર મારતાં સારવાર દરમ્યાન નરેન્દ્રનું મૃત્યુ થયું હતું અને પિતા રમેશભાઈને
ઈજા પહોંચી હતી. રમેશભાઈ આ બારામાં આરોપી નવલસિંહ વિરુદ્ધ ગાડી ચડાવી ટક્કર મારી જીવલેણ
ઈજાઓ તથા નરેન્દ્રની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં
નવલસિંહની ધરપકડ થઈ હતી. ભુજની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાર વર્ષ ટ્રાયલ ચાલી હતી. ફરિયાદ
પક્ષ આરોપી સામે શંકા રહિત આક્ષેપો પૂરવાર કરી ન શકતાં કોર્ટે શંકાનો લાભ આપી આરોપીને
છોડી મૂકવાનો હુકમ કર્યો છે. આરોપી તરફે વરિષ્ઠ ધારાશાત્રી ડી.વી. ગઢવી, વાય.વી. વોરા, એ.એન. મહેતા, એચ.કે.
ગઢવી, એસ.એસ. ગઢવી હાજર રહ્યા હતા. - 23 વર્ષ જૂના ગાંજાના કેસમાં
આરોપી નિર્દોષ : 23 વર્ષ પૂર્વે
આરોપી દાઉદ અલીમામદ જત તથા આદમ આમદ શેખ વિરુદ્ધ ગાંધીધામ પોલીસ મથકમાં બંને આરોપી માદક
પદાર્થ ગાંજાનો જથ્થો વેચાણ અર્થે રાખી સ્કૂટર પરથી પકડાઈ જતાં એનડીપીએસ એક્ટ તળે ગુનો
દાખલ થયો હતો. ગાંધીધામના અધિક ચીફ જ્યુ. મેજિ.ની કોર્ટમાં આ કેસ ચાલી જતા ટ્રાયલ દરમ્યાન
બે નંબરના આરોપી અવસાન પામતાં તેઓ તરફે કેસ હવે બંધ કરવામાં આવ્યો હતો. આરોપીને શંકાનો
લાભ આપી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો છે. આરોપીના વકીલ તરીકે દિનેશ જોબનપુત્રા, સતીષ ચૌધરી, કલ્પેશ પૂજારા
હાજર રહ્યા હતા.- મોખાણા જમીન
પ્રકરણમાં આરોપીના જામીન મંજૂર : મોખાણા ગામના અલગ અલગ સર્વે નંબરવાળી જમીન
ધરમશી કલ્યાણ શાહના નામે આવેલી હતી. આ ધરમશીનું ખોટું નામ ધારણ કરી અને કેટલાક વ્યક્તિઓએ
આ જમીન રજિ. વેચાણ દસ્તાવેજ બનાવીને વેચી નાખી હતી. આ બાબતે પદ્ધર પોલીસ મથકે ગુનો
દાખલ કરવામા આવ્યો હતો, જેમાં હરજી
માવજી, કેરાસિયાની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી હરજીએ નિયમિત
જામીન પર મુક્ત થવા માટે અરજી કરતાં બંને પક્ષની દલીલો બાદ આરોપીના જામીન મંજૂર કરવામાં
આવ્યા હતા. આરોપીના વકીલ તરીકે દેવાયત એન. બારોટ અને રામભાઈ ગઢવીએ અને ખીમરાજ ગઢવી,
ઉમૈર સુમરા, રાજેશ ગઢવી, જયેશ કટુઆ, અંકિત ભાનુશાલી હાજર રહ્યા હતા. - બે વેચાણ દસ્તાવેજની નોંધો
સામેના વાંધાઓ નામંજૂરી : ભુજ તાલુકાના
રેલડી મોટીના સર્વે નં. 96 તથા 97ની ખેતીની જમીનોના રેવન્યૂ રેકર્ડ પરના
સંયુક્ત માલિક અને કબજેદાર પ્રવીણભાઈ હરજીવન મોરબિયા તથા સ્મિત મહેન્દ્રભાઈ મોરબિયા
દ્વારા બંને જમીન અઘાટ વેચાણના રજિસ્ટર દસ્તાવેજથી બિપિન ધીરજલાલ ચંદે (રહે. ભુજ)ને
વેચાણ કરવામાં આવી હતી, જેના દસ્તાવેજ
અન્વયેની બે કાચી નોંધ સામે કિશોર નારાયણજી ટાંક, (રહે. કુકમા)
દ્વારા તેમના પાવરદાર નથુભા સવાઈસિંહ સોઢા મારફતે વાંધો લેવામાં આવ્યો હતો. તે જમીન
તેમના વડીલોના વખતની હોવાનું અને તેમાં તેમના પિતાના વારસાઈ હક્કો અન્વયે વણવહેંચાયેલ
હક્ક-હિત રહેલ હોવાનું જણાવી, લેખિત વાંધો ઈ-ધરા શાખા સમક્ષ રજૂ
કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી એમ.જે.
નાકિયા દ્વારા ખરીદનારના જવાબમાંની રજૂઆતો વંચાણે લઈ અને રેવન્યૂ રેકર્ડ લક્ષમાં લઈ
વારસાઈ ધોરણે માલિકી હક્ક જેવી તકરારો ઉપસ્થિત કરનારના વાંધા ગ્રાહ્ય રાખવા પાત્ર ન
હોવાનું જણાવી, વાંધો રદ કરી બંને નોંધો પ્રમાણિત કરતો હુકમ ફરમાવ્યો
છે. નાયબ કલેક્ટર (ભુજ) સમક્ષ સામાવાળાના એડવોકેટ તરફે મહેન્દ્ર દયારામ ઠક્કર,
ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર, કોમલ ચંદ્રેશભાઈ ઠક્કર
હાજર રહ્યા હતા.