નવી દિલ્હી, તા. 26 : એસઆઈઆર સંબંધિત
વિવાદ વચ્ચે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ઈલેક્શન કમિશનર સુખબીર સિંહ સંધુ
તેમજ વિવેક જોશીએ શનિવારે દિલ્હીમાં એક બેઠક કરી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે, એસઆઈઆરમાં જેઓનાં નામ કમી થયાં છે તેઓ નામ ઉમેરવા
અરજી કરી શકશે. બીએલઓ ઘરે ઘરે જઈને તેમના દસ્તાવેજો એકત્રિત કરશે અને વેબસાઈટ ઉપર અપ્લોડ
કરશે. આ બેઠક એવા સમયે થઈ છે, જ્યારે દાવો કરવામાં આવી રહ્યો
છે કે, સંધુ અને જોશીએ મતદારયાદીના એસઆઈઆર સંબંધિત નિર્ણયો અને
આદેશો ઉપર વારંવાર વાંધો નોંધાવ્યો હતો. બેઠક બાદ ચૂંટણીપંચે એસઆઈઆર અને આંતરિક કામકાજને
લઈને થયેલા નિર્ણયોની જાણકારી આપી હતી. આયોગે કેબિનેટ સચિવને સંધુ અને જોશી તરફથી મોકલવામાં
આવેલા પત્ર ઉપર પણ પોતાનો પક્ષ રાખ્યો હતો. આ સાથે એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી
હતી, જેમાં જ્ઞાનેશકુમાર સાથે સંધુ અને જોશીની તસવીર લગાડવામાં
આવી હતી. આ સાથે સાફ કરવામાં આવ્યું હતું કે, બિહાર, બંગાળ સહિત અન્ય રાજ્યોમાં એસઆઈઆરને લઈને જે નિર્ણય થયા છે તે સર્વસહમતીથી
થયા છે તેમજ એસઆઈઆર દરમિયાન ફોર્મ છ સાથે સંલગ્ન થનારા ઘોષણાપત્ર (ડિક્લેરેશન)ને સુપ્રીમ
કોર્ટે વૈધ ઠેરવ્યું છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર માહિતી અનુસાર બેઠકમાં દિલ્હી,
મહારાષ્ટ્રમાં દાવા અને વાંધાઓની સમયસીમા વધારવા સહિતના મુદ્દે ચર્ચા
થઈ હતી. ચૂંટણીપંચે કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ જેનું નામ એસઆઈઆર
દરમિયાન કે બાદમાં મતદારયાદીમાં સામેલ કરવાનું રહી ગયું છે તે સંબંધિત ઈઆરઓ પાસે આવેદન
કરીને નામ સામેલ કરાવી શકશે, જેમાં યુવા અને પહેલી વખતના મતદાર
સામેલ છે. દિલ્હી મતદારયાદીના એસઆઈઆરને લઈને
ચૂંટણીપંચે બેઠકમાં મોટો નિર્ણય લીધો હતો, જેના હેઠળ એસઆઈઆર હેઠળ
દાવા અને વાંધા દાખલ કરવા માટેની અંતિમ તારીખ 30 ઓક્ટોબર, 2026 સુધીની કરવામાં
આવી છે. વધુમાં નોટિસ મેળવનારા મતદાતાઓને દરેક મામલે ચૂંટણી અધિકારી (ઈઆરઓ)ની ઓફિસે
જઈને સુનાવણીમાં સામેલ થવું પડશે નહીં. દિલ્હીમાં મતદારયાદીમાંથી નામ હટાવવાને લઈને
થઈ રહેલી ચિંતા મુદ્દે ચૂંટણીપંચે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ચૂંટણીપંચે દોહરાવ્યું
હતું કે, એસઆઈઆર સહિતના મહત્ત્વના નિર્ણયો સર્વસહમતીથી
લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ દાવા દાખલ કરવાની તારીખ લંબાવીને 12 ઓક્ટોબર કરવામાં આવી છે. નોટિસ
તેમજ દાવાના ઉકેલની અંતિમ તારીખ 10 નવેમ્બર રહેશે.
ચૂંટણીપંચ અનુસાર જે લોકોના મતદારયાદીમાં નામ જોડાયા નથી અથવા તો તાર્કિક ભૂલના કારણે
નોટિસ મળી છે તેમના ઘરે બૂથ લેવલ ઓફિસર (બીએલઓ) જશે. બીએલઓ મતદાતાના દસ્તાવેજ એકત્રિત
કરીને ઈસીઆઈનેટ ઉપર અપ્લોડ કરશે. ત્યારબાદ ઈઆરઓ નિર્ણય કરશે કે મતદારયાદીમાં નામ રાખવા
સંબંધિત વ્યક્તિ પાત્ર છે કે નહીં. આવા લોકોને સામાન્ય રીતે ઈઆરઓ ઓફિસે સુનાવણી માટે
બોલાવવામાં આવશે નહીં. અમુક વિશેષ કેસમાં જ બોલાવવામાં આવશે. ચૂંટણીપંચે કહ્યું હતું
કે, જિલ્લા ચૂંટણી અધિકારી રાત્રે આશ્રય સ્થળોમાં
રહેતા લોકો, શ્રમિકો, ગરીબો અને બેઘર લોકોને
પર્યાપ્ત મદદ માટે ડેસ્ક બનાવશે અથવા તો વિશેષ શિબિર કરશે. વધુમાં ઓનલાઈન સુવિધા પણ
વધારે મજબૂત કરવા કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત સિનિયર ડેપ્યુટી ઈલેક્શન કમિશનરની અધ્યક્ષતાની
એક કમિટિ, જેમાં આઈઆઈટી, આઈઆઈઆઈટીના એક
સ્વતંત્ર વિશેષજ્ઞ સામેલ થશે, જે ઈસીઆઈનેટની સમીક્ષા કરશે. આ
કમિટી ફરીથી તપાસ કરશે કે શું સિસ્ટમ કાયદા અને નિયમોની જોગવાઈનું પાલન કરે છે
? ત્યારબાદ પોતાનો રિપોર્ટ સોંપશે.