• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

સોનલની લડાયક સદીથી બીજી ટેસ્ટમાં ભારત જીતથી વંચિત

કોલંબો, તા. 27 : પ્રતિભાશાળી યુવા ડાબોડી બેટર સોનલ દિનુશાની લડાયક અને અણનમ સદીના સાથમાં પૂંછડિયા ખેલાડીઓના પુરુષાર્થથી શ્રીલંકાએ ભારત સામેની બીજી ટેસ્ટ ડ્રો કરવામાં સફળતા હાંસલ કરી છે. મેચના અંતિમ દિવસે ભારતીય બોલરો વિકેટો ન ખેરવી શકતાં ટીમ ઇન્ડિયાએ બે મેચની શ્રેણીમાં 1-0ના વિજયથી સંતોષ માનવો પડયો છે. સોનલ દિનુશાએ શ્રેણીની ત્રીજી સદી ફટકારી હતી અને 264 દડાની મેરેથોન ઈનિંગ્સમાં 8 ચોગ્ગા-2 છગ્ગાથી અણનમ 133 રન કર્યા હતા. શ્રીલંકાના આજે મેચના આખરી દિવસે 14 ઓવરમાં 9 વિકેટે 429 રન થયા હતા. આ પછી મેચ બન્ને ટીમની સંમતિથી ડ્રો સમાપ્ત જાહેર કરાઈ હતી. ભારતને આજે વિજય માટે 4 વિકેટની જરૂર હતી, પણ શ્રીલંકાના પૂંછડિયા ખેલાડીઓ સોનલના સાથમાં 82.4 ઓવર સુધી ભારતીય બોલરોને ટક્કર આપી હતી અને મેચ બચાવી લીધી હતી. આજના દિવસે ભારતને 82.4 ઓવરમાં 3 વિકેટ જ નસીબ થઇ હતી. પહેલા દાવમાં 103 અને બીજા દાવમાં અણનમ 133 રન કરનાર શ્રીલંકન બેટર પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો, જ્યારે શ્રેણીમાં બે સદી સાથે કુલ 328 રન કરનાર ભારતીય બેટર દેવદત્ત પડીક્કલ પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર થયો હતો. ફોલોઓન થયા પછી શ્રીલંકાએ આજે મેચના અંતિમ દિવસે તેનો બીજો દાવ 6 વિકેટે 229 રનથી આગળ વધાર્યો હતો. સોનલ દિનુશા અને કેશરા નુવંતાએ ભારતીય બોલરોને હંફાવીને 7મી વિકેટમાં 246 દડામાં 112 રનની ભાગીદારી કરી હતી. આથી ભારતની જીતની રાહ કઠિન બની હતી. કેશરા 10 દડામાં 46 રન કરી સુથારનો શિકાર બન્યો હતો. આ પછી પ્રભાસ જયસૂર્યા (2) આઉટ થયો હતો, પણ 10મા ક્રમના લાહિરૂ કુમારાએ સોનલના સાથમાં નવમી વિકેટમાં 170 દડામાં 47 રનની ભાગીદારી કરી મેચ ડ્રો નિશ્ચિત કરી દીધી હતી. લાહિરૂ 90નો દડાનો સામનો કરી 12 રને જાડેજાના દડામાં આઉટ થયો હતો. આ પછી શ્રીલંકાએ 9 વિકેટે 429 રને તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. ત્યારે ભારતથી શ્રીલંકા 216 રને આગળ થયું હતું. આથી ભારતે મેચ ડ્રો જાહેર કરવા માટે સંમતિ આપી દીધી હતી.  ભારત તરફથી માનવ અને રવીન્દ્રને 3-3 વિકેટ મળી હતી. ભારતના પહેલા દાવમાં 9 વિકેટે પ03 રનના જવાબમાં શ્રીલંકાના પહેલા દાવમાં 290 રને ઓલઆઉટ થયું હતું.

ડબલ્યુટીસી પોઇન્ટ ટેબલમાં ભારતને નુકસાન

શ્રીલંકા વિરુદ્ધની બીજી ટેસ્ટ મેચ ડ્રો રહેતાં ટીમ ઇન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ ટેબલ પર નુકસાન થયું છે અને ફાઇનલમાં પહોંચવાનું વધુ કઠિન બન્યું છે. ડ્રો મેચને લીધે ભારત-શ્રીલંકાને 4-4 પોઇન્ટ મળ્યા છે. જો જીત મળી હોત તો ભારતીય ટીમની વિજયની ટકાવારી 63.33 થઇ જાત, પણ હવે તે પ3.33માંથી ઘટીને પ1.1 પર આવી ગઇ છે. જો કે પોઇન્ટ ટેબલ પર ભારતીય ટીમ પાંચમા ક્રમે જળવાઇ રહી છે. બીજી તરફ શ્રીલંકા ટીમ 33.33 પીસીટી સાથે 6 નંબર પર છે.

Panchang

dd