• શનિવાર, 19 એપ્રિલ, 2025

હિન્દુ ટ્રસ્ટોમાં મુસ્લિમોને સામેલ થવા દેશો ? : સુપ્રીમ

નવી દિલ્હી, તા. 16 : શું કેન્દ્ર સરકાર મુસ્લિમોને હિન્દુ ધાર્મિક ટ્રસ્ટોમાં સામેલ થવાની અનુમતિ આપશે, તેવો સવાલ સુપ્રીમ કોર્ટે વકફ સંશોધન કાયદા વિરુદ્ધ 100થી વધુ અરજીની સુનાવણી કરતાં બુધવારે પૂછયો હતો. સુપ્રીમે વકફ બાયયૂઝર, વકફ સંપત્તિ વિવાદની સ્થિતિમાં કલેકટરને અપાતી સત્તા તેમજ વકફ બોર્ડમાં બિનમુસ્લિમને સ્થાન એ ત્રણ મુદ્દે કેન્દ્ર સરકારને આકરા સવાલો કર્યા હતા. આવતીકાલે ગુરુવારે સુનાવણી કરાશે. સર્વોચ્ચ અદાલતે `વકફ બાય યૂઝર' સહિત વકફ ઘોષિત કરાયેલી સંપત્તિને ડી નોટિફાઇ (સમાપ્ત) નહીં કરાય, તેવો આદેશ કરવાની દરખાસ્ત મૂકી હતી. જો કે, કેન્દ્ર સરકારે તેનો વિરોધ કરતાં આવો નિર્દેશ આપતાં પહેલાં સુનાવણીની માંગ કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાનાં વડપણવાળી ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠે એવો સવાલ પણ કેન્દ્ર સરકારને પૂછયો હતો કે, કોઇ જૂની મસ્જિદના કોઇ દસ્તાવેજો જ નહીં હોય, તો તેની નોંધણી કેમ થશે ? અદાલતે કહ્યું હતું કે, 14મીથી 16મી સદી વચ્ચે બનેલી મોટાભાગની મસ્જિદો પાસે કોઇ `સેલડીડ' એટલે કે, વેચાણના કરાર જેવા કાગળો જ નથી. સુપ્રીમ કોર્ટે બંગાળ સહિત દેશના વિવિધ ભાગોમાં વકફ સુધારા કાયદા વિરુદ્ધ થઇ રહેલી હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. હિન્દુઓના દાન કાયદા મુજબ, કોઇ પણ અન્ય જાતિની વ્યક્તિ બોર્ડના સભ્ય બની શકતા નથી. સર્વોચ્ચ અદાલતે હવે આવતી કાલે ગુરુવારે બપોરે બે વાગ્યે સુનાવણી કરશે. આજની સુનાવણીમાં અરજદારોએ વકફ બોર્ડ બનાવવા જૂની વકફ સંપત્તિઓની નોંધણી બોર્ડના સભ્યોમાં બિનમુસ્લિમ સહિત મુદ્દે દલીલો આપી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ પી.વી. સંજયકુમાર અને કે.વી. વિશ્વનાથનની ખંડપીઠ સુનાવણી કરી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને કાયદા વિરુદ્ધ કપિલ સિબલ, અભિષેક મનુસિંધવી, રાજીવ ધવન, સી.યુ. સિંહ દલીલો કરી રહ્યા છે. કોર્ટમાં કપિલ સિબલે દલીલની શરૂઆત કરી હતી અને અનુચ્છેદ 26નો સંદર્ભ આપતાં કહ્યું હતું કે, વકફ કાયદો ધાર્મિક મામલામાં દખલ છે તેમજ મુસ્લિમ ઉત્તરાધિકારનું ઉલ્લંઘન છે. સિબલે તર્ક આપ્યો હતો કે, વકફ બનાવવું હોય તો પુરાવો આપવો પડશે કે તેઓ પાંચ વર્ષથી ઈસ્લામનું પાલન કરે છે. જો મુસ્લિમ ધર્મમાં જન્મ લીધો છે તો પુરાવો કેમ આપવો ? અહીં પર્સનલ લો લાગુ થશે. આ 20 કરોડ લોકોના અધિકારનો સવાલ છે. શું અધિકારી નક્કી કરશે કે સંપત્તિ કોની છે ? આનાથી સરકારની દખલ વધશે. તેવામાં મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે, હિંદુઓના મામલે સરકારે કાયદો બનાવ્યો છે. સંસદે મુસ્લિમો માટે પણ કાયદો બનાવ્યો છે. આર્ટિકલ 26 ધર્મનિરપેક્ષ છે, જે તમામ સમુદાય ઉપર લાગુ થાય છે.  કપિલ સિબલે તર્ક આપતાં કહ્યું હતું કે, પહેલાં માત્ર મુસ્લિમ જ બોર્ડના સભ્ય બનતા હતા, પણ હવે હિંદુઓ પણ બનશે. આર્ટિકલ 26 કહે છે કે, તમામ સભ્ય મુસ્લિમ રહેશે. કાયદો લાગુ થયા બાદથી વકફ ડીડ વિના વકફ બનાવી શકાશે નહીં. સરકાર કહી રહી છે કે, વિવાદની સ્થિતિમાં અધિકારી તપાસ કરશે, જે સરકારના હશે. જે પૂરી રીતે અસંવૈધાનિક છે. આ સ્થિતિ સરકારી ટેકઓવર છે. ચીફ જસ્ટિસે વકફ સંપત્તિ ઉપર વિવાદમાં કલેક્ટરને નિર્ણય લેવાની શક્તિ આપવા ઉપર પણ સવાલ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, વકફ સંપત્તિ ઉપર ચુકાદો અદાલત કેમ ન આપી શકે ? જેના ઉપર તુષાર મેહતાએ કહ્યું હતું કે, વકફ સંપત્તિની નોંધણીની શક્તિ કલેક્ટરને મળી છે. વકફ રજિસ્ટ્રેશન તો હંમેશાંથી અનિવાર્ય હતું. વકફ બાયયુઝર પણ રજિસ્ટ્રેશન મારફતે જ થાય છે. વકફ કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં જે 10 અરજી ઉપર સુનાવણી થઈ હતી તેમાં એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસી, દિલ્હીના આપ વિધાયક અમાનતુલ્લા ખાન, એસોસીએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, ઓલ કેરળ જમિયતુલ ઉલેમા, અંજુમ કાદરી, તૈયબ ખાન સલમાની, મોહમ્મદ શફી, મોહમ્મદ ફઝલુર્રહીમ અને આરજેડી સાંસદ મનોજકુમાર ઝાએ દાખલ કરી હતી. બુધવારની સુનાવણીમાં વરિષ્ઠ અધિવક્તા કપિલ સિબલ જમિયત અધ્યા અરશદ મદની તરફથી રજૂ થયા હતા. વરિષ્ઠ અધિવક્તા અભિષેક મનુ સિંઘવી ઓલ કેરળ જમિયત તરફથી, વરિષ્ઠ અધિવક્તા સંજય હેગડે મોહમ્મદ જાવેદ તરફથી અને અધિવક્તા નિઝમમ પાશા એઆઈએમઆઈએમ અધ્યક્ષ ઓવૈસી તરફથી રજૂ થયા હતા. - વકફ કાયદા ઉપર હિંસા ચિંતા વધારનારી : સુપ્રીમ : નવી દિલ્હી, તા. 16 : વકફ કાયદા મુદ્દે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા ઉપર ટિપ્પણી કરી હતી. કોર્ટે સુનાવણી પૂરી થયા બાદ કહ્યું હતું કે, વકફ સંશોધન અધિનિયમ મુદ્દે જે હિંસા થઈ છે તે ચિંતા વધારનારી  છે, કારણ કે આ મામલે સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે, જેના ઉપર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે, હિંસાનો ઉપયોગ દબાણ ઊભું કરવા માટે થાય તેવું ન બનવું જોઈએ.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd