નવી દિલ્હી, તા.15 : અમેરિકા અને
ચીન વચ્ચે શરૂ થયેલા ટેરિફ યુદ્ધની ચપેટમાં હવે ઉડ્ડયન ક્ષેત્ર પણ આવી ગયું છે. ચીને
તેની એરલાઇન્સને અમેરિકન વિમાન ઉત્પાદક બોઇંગ પાસેથી નવાં વિમાનોની ડિલિવરી ન લેવાનો
આદેશ આપ્યો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, બીજિંગે અમેરિકામાં બનેલા વિમાનના ભાગો અને ઉપકરણોની ખરીદી બંધ કરવાનો પણ આદેશ
આપ્યો છે. આ ઉપરાંત ચીને સાત કિંમતી ધાતુની નિકાસ પણ અટકાવી અમેરિકાનું નાક દબાવ્યું
છે. અમેરિકાની બોઇંગને બદલે ચીન હવે યુરોપીયન કંપની એરબસ એસઇ તરફ વળ્યું છે. અમેરિકાના
145 ટકા ટેરિફના જવાબમાં ચીને આ
આદેશ જારી કર્યો છે. બોઇંગ એરોપ્લેન્સ એક અમેરિકન કંપની છે જે વિમાન, રોકેટ, ઉપગ્રહો, ટેલિકોમ્યુનિકેશન
સાધનો અને મિસાઇલોનું ઉત્પાદન કરે છે. આ કંપનીની સ્થાપના 15 જુલાઈ, 1916ના વિલિયમ
બોઇંગ દ્વારા કરવામાં આવી હતી. આશરે 10 બોઈંગ 737 મેક્સ વિમાન
ચીનના વિમાન બેડાંમાં સામેલ થવા તૈયાર છે જેમાં ચાઈના સધર્ન એરલાઈન્સ, એર
ચાઈના લિ. અને જિયામેન એરલાઈન્સના બે-બે વિમાનનો સમાવેશ થાય છે.અમુક જેટ વિમાન સિએટલમાં
બોઈંગની ફેકટરી પાસે ઊભાં છે જ્યારે અમુક પૂર્વી ચીનના ઝોઉશાનમાં ફિનિશિંગ સેન્ટર છે.
જે વિમાનોના દસ્તાવેજ-ચૂકવણાં થઈ ગયાં છે તેમને વારાફરતી મંજૂરી મળી શકે છે. દરમ્યાન
અમેરિકા સાથે વધતા વેપાર યુદ્ધ વચ્ચે ચીને સાત
કિંમતી ધાતુઓની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ સામગ્રી ઓટોમોબાઈલ,
સેમિકન્ડક્ટર અને એરોસ્પેસ વ્યવસાયો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ નિર્ણયથી
વિશ્વભરની મોટર વાહન, વિમાન, સેમિકન્ડક્ટર
અને શસ્ત્રો બનાવતી કંપનીઓને અસર થશે અને તે સામાન મોંઘા થશે. ચીનના રાષ્ટ્રપતિ શી
જિનપિંગ હવે પાડોશી દેશોને સાધી રહ્યા છે, જે અંતર્ગત તેઓ વિયેતનામ,
મલેશિયા અને કંબોડિયાની રાજકીય મુલાકાતે દોડી ગયા છે. આ દેશો સાથે ચીને
અનેક એમઓયુ કર્યા છે, જે ટ્રમ્પને અકળાવી શકે છે. ચીન વિયેતનામને
પોતાની નજીક લાવી રહ્યું હોવાથી અમેરિકાની મુશ્કેલી વધશે.