• શનિવાર, 19 એપ્રિલ, 2025

નખત્રાણાનાં ગેરેજમાંથી 25 હજાર ચોરનારા બે આરોપી પકડાયા

ભુજ, તા. 16 : નખત્રાણાના બજરંગ ગ્રાઉન્ડ સામે બેરુ રોડ પર આવેલી બાઇક કેર નામનાં ગેરેજના ટેબલનાં ખાનામાંથી બાઇક રિપેર કરવા આવેલા બે શખ્સે રૂા. 25,300 ચોરી લીધા હતા. જે અંગે બાઇક નંબર સાથે ફરિયાદીએ  નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં આ કામના બે આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. આ બનાવ અંગે ગઇકાલે નખત્રાણા પોલીસ મથકે ગેરેજ ચલાવતા મોહંમદ અરબાજ મોહંમદશેબાજ શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ ગેરેજનાં કામ બાદ ગ્રાહકો પાસેથી મળેલા 25 હજાર તેમણે ટેબલનાં ખાનાંમાં રાખ્યા હતા. તા. 14/4ના સવારે બજાજ પલ્સર નં. જી.જે. 12, સી.ઇ.-1201 રિપેરિંગ માટે બે શખ્સ આવ્યા હતા. બાઇક રિપેર કર્યા બાદ રિપેરિંગ પેટે રૂા. 300 માગતાં તેઓએ પાંચસોની નોટ આપતાં ખાનાંમાં રાખેલાં નાણાંમાંથી 200 પરત આપી  બધાં નાણાં ટેબલનાં ખાનાંમાં રાખ્યાં હતાં. આ બાદ રિપેર કરેલી બાઇક બરાબર રિપેર થઇ છે કે કેમ તે ચકાસવા ફરિયાદી બાઇક લઇ આંટો મારવા ગયા હતા. બાદમાં ફરિયાદીએ ટેબલનું ખાનું જોતાં તેમાં રાખેલા રૂા. 25,300 ન હતાં. આ બે ઇસમ સામે શક હોવાની અને તેઓની વિગતો સાથે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ નખત્રાણા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે કોટડા (જ) ત્રણ રસ્તા પાસેથી આ કામના બે આરોપી જુણસ ઇસાક સમા (રહે. કોટડા મઢ તા. લખપત) અને નવાઝ સાલેમામદ રાયમા (રહે. ખારઇ તા. લખપત)ને ચોરાઉ રોકડ તથા બે મોબાઇલ અને બાઇક એમ કુલ્લે રૂા. 55,300ના મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ નખત્રાણા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો હતો. જુણસ વિરુદ્ધ અગાઉ પણ બે ગુના નોંધાયેલા છે. આ કામગીરીમાં પી.આઇ. એ.એમ. મકવાણાનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.વી. શામળાની સૂચનાથી એએસઆઇ જયંતીભાઇ માજીરાણા, હે.કો. મોહનભાઇ આયર, જશરાજભાઇ ગઢવી, કોન્સ. મયંકભાઇ જોશી, મોહનભાઇ ગઢવી જોડાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd