આનંદ કે. વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા. 16 : નેશનલ હેરાલ્ડ
અખબાર સાથે સંબંધિત મની લૉન્ડરિંગના કથિત મામલાની ચાર્જશીટમાં કૉન્ગ્રેસનાં નેતા સોનિયા
ગાંધી અને રાહુલ ગાંધીનાં નામ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઈડી) સમાવતાં એક નવો રાજકીય
વંટોળ ફૂંકાયો છે. એક તરફ, ભાજપનો દાવો
છે કે, કાયદો તેનું કામ કરી રહ્યો છે, ત્યાં
બીજી તરફ, કૉન્ગ્રેસે આ પગલાંને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા રાજકીય
કિન્નાખોરી ગણાવી છે. નેશનલ હેરાલ્ડ કેસના આરોપનામામાં પક્ષના વરિષ્ઠ નેતાઓનાં નામ
આવ્યાં બાદ કૉન્ગ્રેસ ઈડીના માથા પર ઠીકરું ફોડી રહ્યા હોવાનો આક્ષેપ ભાજપે કર્યો છે.
નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતાં ભાજપના વરિષ્ઠ નેતા રવિ શંકર પ્રસાદે જણાવ્યું
કે, નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ લીધેલું પગલું સામાન્ય કાયદાકીય
પ્રક્રિયા છે અને એમાં આજે દેશભરમાં દેખાવો કરી ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરે છે. તેમણે
પક્ષને ભ્રષ્ટ ગણાવતાં કહ્યું કે, પોતાના શાસનકાળમાં કોંગ્રેસે
આ મામલામાંની તાતિંગ લોન ચોપડામાં માંડી વાળવા માટે સંબંધિત અધિકારીઓને લાંચ આપી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યંગ ઈન્ડિયા સંસ્થાના અંચળા હેઠળ
કોંગ્રેસે ગેરકાયદે જમીન હસ્તગત કરી હતી. આ માત્ર વિરોધ પ્રદર્શનો નથી, પણ ભીનું સંકેલી લેવાનો પ્રયાસ છે. ભાજપના વડાંમથકે યોજાયેલી પત્રકાર પરિષદમાં
રવિ શંકર પ્રસાદે જણાવ્યું હતું કે, કૉન્ગ્રેસને વિરોધ પ્રદર્શન
કરવાનો અધિકાર છે, પણ સરકારી મિલકતને પચાવી પાડવાનો કે નેશનલ
હેરાલ્ડને આપવાનો હક્ક તેમને નથી જ. તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, આ મિલકત ગાંધી પરિવારના હાથમાં આવે એ માટે કૉન્ગ્રેસે ઐકૉર્પોરેટ ષડ્યંત્ર
રચ્યું છે. પ્રસાદનો દાવો છે કે, કોઈ રાજકીય પક્ષ ખાનગી સંસ્થાને
નાણાં ધીરી શકે નહીં. આગળ જતાં એજેએલે લોન ચૂકવી શકવાની અસમર્થતા દાખવતા હાથ ઊંચા કરી
દીધા. એ પછી યંગ ઈન્ડિયા લિમિટેડ (વાયઆઈએલ) નામની કંપનીએ એજીએલના તમામ શૅર હસ્તગત કર્યા
અને અનેક શહેરોમાં કંપનીની માલિકીની સંપત્તિઓ પર નિયંત્રણ મેળવ્યો. વાયઆઈએલમાં સોનિયા
ગાંધી અને રાહુલ ગાંધી 38 ટકા શૅર્સની
માલિકી ધરાવે છે. ઈડીએ રૉબર્ટ વાડરાની સતત બીજા દિવસે હરિયાણામાં જમીન સોદા સંબંધિત
મામલાની તપાસમાં પૂછપરછ કરી હતી. વાડરાની કંપનીએ ગુરુગ્રામમાં ખરીદેલી જમીન સંબંધિત
આ મામલો છે. પ્રસાદે પૂછ્યું હતું કે, મારે ગાંધી પરિવારને પૂછવું છે કે, શું કાયદો પોતાનું
કામ ન કરે? તમે હજારો કરોડની મિલકત ખોટી રીતે પચાવી પાડો તો પણ
બધાએ મૌન રહેવું જોઈએ? તેમણે એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે,
હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલાને પડકાર્યો છતાં તેમને ત્યાંથી
પણ રાહત મળી નથી. 1938માં શરૂ થયેલા
અખબાર નેશનલ હેરાલ્ડને કૉન્ગ્રેસનું સંરક્ષણ અને આધાર હોવા છતાં તે ચાલ્યું નહીં. દેશની
આઝાદીની ચળવળ દરમિયાન સ્થાપિત આ અખબાર આગળ જતાં કૉન્ગ્રેસ માટે નાણાં છાપવાની કવાયત
બની ગયું. લોકોનો અવાજ બુલંદ કરવા માટેનું આ અખબાર ગાંધી પરિવાર માટે એટીએમ મશીન બની
ગયું.