• શનિવાર, 19 એપ્રિલ, 2025

મુંદરાના ચર્ચાસ્પદ વ્યાજખોરો વિરુદ્ધ વધુ બે ફરિયાદ દાખલ

ભુજ, તા. 16 : તાજેતરમાં મુંદરાના ખંડણી પ્રકરણ બાદ આ કામના બે આરોપી સામે વ્યાજખોરીની ત્રણ ફરિયાદ પશ્ચાત વધુ બે વ્યાજખોરની ફરિયાદ આ ચર્ચાસ્પદ વ્યાજખોરો સામે નોંધાઈ છે.  આરોપીઓની ઓફિસ પર પોલીસે દરોડો પાડતાં સંખ્યાબંધ દસ્તાવેજો તથા પડાવેલી મિલકતોના કાગળિયા મળ્યા હતા. આથી પોલીસે આ આરોપીઓના ભોગ બનેલા અરજદારોને ફરિયાદ અર્થે આગળ આવવા ઈજન આપ્યું છે. ગઈકાલે મુંદરા પોલીસ મથકે બારોઈમાં રહેતા મગનભાઈ પચાણભાઈ સોંધરા (અનુ.જાતિ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે ધંધા માટે આરોપી શકીલ જાકબ ધુઈયા પાસેથી 20 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. જેમાંના આઠ લાખ પરત કર્યા હોવા છતાં આરોપીએ ફરિયાદી પાસેથી કોરા ચેક મેળવી લીધા હતા. ફરિયાદી વ્યાજ ન ભરી શકતાં તેની પાસેથી બારોઈના રજિ. નં. 5/55વાળો પ્લોટ તથા વાડા, 540 ચો.વાર પ્લોટ જેના પર સાત રૂમ બન્યા છે, તે મિલકત વ્યાજે લીધેલી મૂડી કરતાં બમણી છે, જે ધાક-ધમકીથી બળજબરીથી લખાણે લઈ લીધી હતી. આ લખાણ અન્ય આરોપી મામદ ખોજા વકીલે કર્યા હતા. ફરિયાદીની મિલકતો પચાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મિલકતો લખાવ્યા છતાં કોરા ચેક પરત માગતાં આરોપીએ આપ્યા ન હતા. આ ઉપરાંત અન્ય એક ફરિયાદ બારોઈના ગાયત્રી નગરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતા ખીમજી વિશનજી દેવીપૂજકે નોંધાવી છે. ધંધા માટે તેમણે આરોપી શકીલ જાકબ ધુઈયા પાસેથી દોઢ લાખ  રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા બાદ એક વર્ષ સુધી વ્યાજ આપ્યું છતાં પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીએ ફરિયાદીને તેની ઓફિસે બોલાવી શકીલ તેમજ આરોપી મામદ ખોજા વકીલે મકાન અને પ્લોટ પડાવી કબજો લઈ લીધો હતો. આ બાબતે ફરિયાદી ફરિયાદ કરવા પોલીસ મથકે જતા હતા, ત્યારે ફરિયાદી તથા તેની માતાને ફરિયાદ કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપતાં શકીલ, મામદ અને શબ્બીર જાકબ ધુઈયા સામે ફરિયાદ નોંધાવી છે. મુંદરા પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ તેમજ અન્ય કલમો તળે બન્ને ફરિયાદ નોંધી કાર્યવાહી આદરી છે. દરમ્યાન પોલીસે આ આરોપીઓથી ભોગ બન્યા હોય તે અરજદારોને ફરિયાદ નોંધાવવા ઈજન આપ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd