ભુજ, તા. 16 : ગત તા. 10/4ના શહેરના હોસ્પિટલ રોડ પરની
બેંકમાં નાણાં ભરવા ગયેલા વડીલ કતારમાં ઊભા હતા,
ત્યારે પાછળ ઊભેલી બે મહિલાએ વડીલની બેગમાં ચેકો મારી આંગળીના ઇલમથી
રૂા. 1.50 લાખ સેરવી લીધા હતા. આ અંગેની
પ્રાથમિક તપાસમાં આ મહિલાઓ પરપ્રાંતીય હોવાનું સામે આવતાં શહેરમાં આવી પરપ્રાંતીય ગેંગ
સક્રિય થઇ છે. શુક્રવારે ભુજના હોસ્પિટલ રોડ સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કેશ
કાઉન્ટર ઉપર નાણાં ભરવા કતારમાં ઊભેલા 63 વર્ષીય વડીલ ધર્મેશભાઇ ચોથાણીની બેગમાં બ્લેડ જેવી ધારદાર વસ્તુથી
ચેકો મારી રૂા. 1.50 લાખ સેરવી
લેવાયા હતા. કતારમાં પાછળ ઊભેલી બે મહિલા ઉપર ધર્મેશભાઇને શંકા હોવાનું ફરિયાદમાં લખાવાયું
હતું. બેંકમાંથી નાણાં સેરવાયાના આ ચકચારી બનાવની તપાસ અંગે બી-ડિવિઝનના પી.આઇ. જય
કે. મોરીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે,
બેંકના સીસીટીવી ચકાસતાં આ બે મહિલાએ જ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.
બેંકમાંથી નીકળી આ બે મહિલા ખાનગી મુસાફરી વાહનમાં બેસી નીકળી ગઇ હતી. માધાપરથી આગળ
ધોરીમાર્ગ સુધી સગડ મળ્યા છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતી મહિલાઓ પરપ્રાંતીય હોવાનું
જણાઇ આવે છે. આમ, આ કૃત્ય પરપ્રાંતીય ગેંગનું હાલના તબક્કે જણાઇ
આવે છે. પોલીસે અન્ય રીતે પણ છાનબીન શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કામ ધંધાર્થેના સ્વાંગમાં વિવિધ રાજ્યોમાંથી આવતાં હરામખોર તત્ત્વો ચોરી-લૂંટ
ઉપરાંત આ રીતે આંગળીના ઇલમથી દાગીના-નાણાં સેરવવામાં પાવરધા હોય છે. થોડા દિવસ પૂર્વેનો
આ નાણાં સેરવાયાનો દાખલો તાજો હોવાથી આવી ગેંગથી શહેરીજનો સાવધ રહે. ઉપરાંત પોલીસ પણ
આવાં તત્ત્વોને જબ્બે કરી ધાક બેસાડતાં પગલાં લે તે જરૂરી બન્યું છે.