મુસા સુમરા દ્વારા : સુમરાપોર, તા. 16 : પચ્છમનું વેરાન બિનઉપયોગી રણ
પચ્છમવાસીઓ સહિત અનેક મજૂરવર્ગને રોજગારીનું માધ્યમ બન્યું છે, ત્યારે સરહદનું વિશાળ-વેરાન રણ લોકોને રોજગારીનો
એક વિકલ્પ કે સ્રોત બનશે એ તો પચ્છમવાસીઓ માટે સપનામાં પણ ખ્યાલ ન હતો. આર.ઇ. પાર્કને પગલે સોલાર એનર્જી પ્રોજેક્ટ
થકી રોજગારીની સવારી સરહદનાં ગામડાંઓના હજારો મજૂરવર્ગના લોકો માટે ખુશી લાવી છે. દોઢ
વર્ષથી સારી એવી રોજગારી મેળવીને બે પાંદડે થયેલા મજૂરવર્ગનું માન પણ વધ્યું છે. આમ
તો આ પંથક માત્ર પશુધન અને સૂકી ખેતી પર જ નિર્ભર છે. અન્ય કોઇ રોજગારીના વિકલ્પો જ
નહોતા, પરંતુ સરહદના ઉદ્યોગોનાં આગમનનાં કારણે રોજગારીના વિકલ્પો
વધતાં લોકોના પણ મલકાતા ચહેરા થયા છે. જમીનોના ભાવો વધવાનાં કારણે અને ખેતરોમાં થાંભલાઓની
તોતિંગ લાઇનો પસાર થવાનાં કારણે ખેડૂતોને આર્થિક વળતર સારા પ્રમાણમાં મળતાં ખેડૂતોની
આર્થિક સદ્ધરતા વધી હોવાનું જાણવા મળ્યું હતું. - મજૂરવર્ગને મુશ્કેલી : કોટડાથી ત્રણેક
કિલોમીટરના અંતરે સરહદે પ્રવેશ થતાં પહેલાં બી.એસ.એફ. અને પોલીસની એન્ટ્રી કરાવવી પડે
છે. આ એન્ટ્રીના ઓનલાઇન મંજૂરીના પાસ હોવા ફરજિયાત છે, પણ ત્યાં એન્ટ્રી કરાવતા મજૂરવર્ગને લાઇનોમાં
કલાકો સુધી ઊભા રહેવું પડે છે. પોલીસની એન્ટ્રીની બે જ બારી હોવાના કારણે તેમજ સર્વર
અને નેટવર્કના અભાવે રોજગારી માટે જતા બેરોજગાર યુવાનોની લાંબી-લાંબી લાઇનો થવાના કારણે
શ્રમિકવર્ગ ખૂબ જ મુશ્કેલીમાં મુકાય છે. સવારની
વહેલી પહોરમાં આ લાઇનોમાં જ સમય બરબાદ થવાના કારણે ત્યાં સીમાએ કામમાં ધોમધખતા તાપ
તેમજ રણની ગરમી અને ગરમ પવનના વંટોળ વગેરે આ વર્ગને ખૂબ જ ગંભીરરૂપે નડતર બને છે. જો
એન્ટ્રીની ચેકપોસ્ટ પર મુંદરા સાઇટના આ જ અદાણીના ઉદ્યોગોમાં જતી વખતે ઓનલાઇન થમ્સ અથવા ચહેરાના સ્કેનરની સુવિધા
છે, જેથી લાઇનમાં ઊભા રહેવાની નોબત આવતી નથી. - નવી ગાડીઓનો ધમધમાટ : ઉદ્યોગોનાં
આગમન થકી અવનવી ગાડીઓનો ધમધમાટ વધી ગયો છે. બોલેરો,
થાર, છકડાઓ, ટુ્ વ્હીલર,
પાણીનાં ટેન્કર, જેસીબી, મશીન, આઈવા, સિંગન્ના, ટેમ્પો, સ્કોર્પિયો સહિત અન્ય અવનવી ગાડીઓ આ પંથકમાં
ફરતી થઇ ગઈ છે. ઘણી ગાડીઓ તો વિવિધ કંપનીઓમાં ભાડે પણ અપાઇ ચૂકી છે અને સારી એવી આવક
વાહન માલિકોને મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. - અકસ્માતોમાં ઉછાળો : વાહનવ્યવહાર વધવાના પગલે અકસ્માતોમાં પણ
ખૂબ જ ઉછાળો આવ્યો છે. પંથકમાં વર્ષમાં ભાગ્યે જ અકસ્માત થાય છે એવા સમાચાર મળતા, પણ હવે તો જેવો દિવસ ઊગે સવારના પહોરમાં રોડ
પર એક ટ્રેઇલર પલટી ગયેલું તો નજરમાં આવે જ. આવા અકસ્માતોથી આ પંથકમાં કેટલાય નવયુવાનો
આવા અકસ્માતોના ભોગ બની ચૂક્યા છે, પણ બેફામ દોડતાં વાહનો પર
પોલીસ પણ રહેમ ન દાખવે એવી માંગ લોકો કરી રહ્યા છે. - સંસ્કૃતિ ન ભૂંસાય : ઉદ્યોગોના પગલે આ પંથકમાં ક્રાઇમ, ગુનાખોરીના કેસો વધવાની વડીલો ચિંતા સેવી રહ્યા
છે. આમ તો આ પંથક એક શાંત, ભાઇચારા અને મહેમાન નવાઝી,
કોમી એકતાના હિમાયતી તરીકે ઓળખાય છે, પણ ઉદ્યોગોના
કારણે હવે પચ્છમ-સરહદી ખાવડામાં કેટલાય રાજ્યોના પરપ્રાંતીય મજૂરોનું આગમન થયું છે.
અનેક રાજ્યોના મજૂરો આ પંથકમાં રોજગારી અર્થે વસવાટ કરી રહ્યા છે, જેથી આ પચ્છમની વર્ષો જૂની રાજાશાહીની રહેણી-કરણી-સંસ્કૃતિ અકબંધ રહે,
ભૂંસાય નહીં એવી પ્રબુદ્ધ વડીલ નાગરિકોને ચિંતા
સતાવી રહી છે.