ભુજ, તા. 15 : છેલ્લા
બે દાયકાથી યોજાતા હાઇટેક કૃષિ મેળાનાં પરિણામો રણપ્રદેશની ખેતીમાં દેખાવા માંડયા છે.
વિપરીત વાતાવરણના પડકારો વચ્ચે વાડી-ખેતરની સાથોસાથ સાહસ પણ કેડતા ખંતીલા ખેડૂતો મેળામાંથી
મળતી માહિતીની મદદથી અવનવી ટેક્નોલોજી અપનાવી જમીનની તાસીર મુજબ અવનવા પાકો પોંખવાના
પ્રયોગો કરવા લાગ્યા છે અને સફળતા પણ મેળવવા માંડયા છે. કિસાન વાડી-ખેતરમાં પાક પોંખી
લણીને બેસી ન રહેતાં જાતે જ સીધો બજાર સુધી પહોંચશે ત્યારે જ બે પાંદડે થશે તેવા સમજવા
જેવા સંદેશ સાથે ભુજ શહેરના આંગણે વધુ એકવાર હાઇટેક કૃષિ-ડેરી એક્સપો યોજવા જઇ રહ્યો
છે. `નર્મી' સંસ્થા
દ્વારા મુખ્ય પ્રાયોજકોની ભૂમિકામાં અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રો કેમિકલ્સ તેમજ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના ચાવીરૂપ સહયોગથી મિરજાપર
રોડ પર પ્રાઇમ લોકેશન ગ્રાઉન્ડના વિશાળ પરિસરમાં 19મી એપ્રિલથી ચાર દિવસ માટે 14મા હાઇટેક કૃષિ-ડેરી એક્સપોનું આયોજન થવા
જઇ રહ્યું છે. મીડિયા પાર્ટનરની ભૂમિકા ભજવીને કચ્છી જનમનના ધબકાર સમાન અગ્રણી અખબાર
`કચ્છમિત્ર' પણ કૃષિપોષક પહેલને પીઠબળ પૂરું પાડવામાં ચાવીરૂપ યોગદાન આપી રહ્યું છે.
`ખેડૂતોની ખુશી' જેવા આ મેળાનો મંચ ખેતી શીખીને ખેતી કરવા તેમજ ખેડૂતોને સીધી બજાર સુધી
પહોંચવાની પ્રેરણા અને સંદેશ આપવા માટે ઊભો કરાયો છે. `કચ્છની ભૂમિ પરથી કારોબાર'નું ઋણ ચૂકવવા માટે ખમતીધર ઉદ્યોગો કચ્છના ખેતી, ખેડૂતને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે. આ ઉદ્યોગો ખેડૂતો અને બજાર વચ્ચે
સેતુરૂપ બનવાની ભૂમિકા ભજવી રહ્યા છે. આવી હકીકત કૃષિમેળાની મુલાકાત લેનાર જણેજણને
જાણવા મળશે. ટાઢ-તાપ-વરસાદની ચિંતા કરે તે ખેડૂતનો દીકરો હોય જ નહીં. આ કૃષિમેળો-ડેરી
એક્સપો આપ સૌનો છે, એટલે કે કચ્છના કર્મઠ કિસાનો, પરિશ્રમી પશુપાલકોનો છે. વર્ષોવર્ષ સફળતાપૂર્વક થતા કૃષિ મેળાનો વ્યાયામ
વ્યર્થ ન જાય તેની જવાબદારી નિભાવીને કચ્છના ખૂણે-ખૂણેથી કૃષિ-ડેરી એક્સપોની મુલાકાત
લેવા કચ્છના કૃષિજગતના ચિંતકો- આગેવાનોએ અપીલ કરી છે. - પશુપાલનનેય પીઠબળ મળ્યું : `કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ'નાં
નામ સાથે રણપ્રદેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે એક મોટું સહકારી માળખું સફળ થયું છે, તો તેમાં ક્યાંક ને ક્યાંક કૃષિ-ડેરી એક્સપોનું પ્રદાન છે તેવા શબ્દો
સાથે સરહદ ડેરીના અધ્યક્ષ તેમજ અમૂલના વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલે પશુપાલકો, કિસાનોને આ કૃષિ મેળા-ડેરી એક્સપોનો લાભ લેવા આહ્વાન કર્યું છે. - વન સ્ટોપ સોલ્યુશન : વિકાસનો યુગ છે. દરેક ક્ષેત્રમાં રોજ સવાર
પડે ને કંઇક નવું આવે છે. ખેતીનું પણ કંઇક એવું જ છે. નવા ઉપકરણ, નવી સિસ્ટમ, નવી ટેકનોલોજી આ બધું જ એક જ સ્થળ પર એકઠું
કરીને પીરસતો કચ્છનો કૃષિ મેળો કિસાનો માટે `વન સ્ટોપ સોલ્યુશન' છે. એટલે કે, એક જ જગ્યા પર ખેડૂતોને બધા જ પ્રશ્નોના જવાબ આપતી માર્ગદર્શિકા બની રહ્યો
છે. પ્રકૃતિના ખોળે ખેતીને પણ પ્રોત્સાહન મળ્યું છે. નવું જાણવા, મેળવવા, કરવાની મહત્ત્વાકાંક્ષા હોય તેવા દરેક ખેડૂતોએ
મેળાની મુલાકાત લેવી જોઇએ, તેવું રામકૃષ્ણ ટ્રસ્ટના અધ્યક્ષ મનોજ સોલંકી
કહે છે. - ડ્રીપ-બાગાયતને વળાંક આપ્યો : ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ રહી ચૂકેલા પીઢ કિસાન અગ્રણી વેલજીભાઇ ભુડિયા
કહે છે કે, નર્મી યોજિત કૃષિ મેળાનો શરૂઆતથી સાક્ષી
રહ્યો છું. કૃષિ મેળાનાં પરિણામ કચ્છના વાડી-ખેતરમાં દેખાવા માંડયા છે. કિસાનોમાં જાગૃતિ
આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારે પ્રથમ કૃષિ મેળાનું
2005માં ઉદ્ઘાટન કર્યું હતું. એ કૃષિ મેળાનો
મંચ જ કચ્છમાં ડ્રીપને પ્રથમ સબસિડી માટે નિમિત્ત બન્યો હતો. - કિસાનો કુંભ મેળા જેમ ઊમટે : એક મહત્ત્વના સૂચનરૂપે પ્રયોગધર્મી કિસાન
અગ્રણી મણિલાલ માવાણી કહે છે કે, ખેડૂતોને ઘરઆંગણે મજાની મહત્ત્વની માહિતી
આપવા માટે કૃષિ મેળાનાં આયોજન પાછળ જેટલી મહેનત થાય છે તેના પ્રમાણમાં પ્રતિસાદ મળવો
જરૂરી છે. લાંબા સમયગાળા સુધી રાત-દિવસ દોડીને આયોજકો-પ્રાયોજકો દ્વારા થતી મહેનતને
માન આપીને કચ્છભરના ખેડૂતોએ `કુંભ
મેળા'માં જેમ મેદની ઊમટી હતી તેમ ઊમટી પડવું જોઇએ.- કપાસથી કમલમ્ સુધી : કચ્છની બાગાયતમાં ક્રાંતિ થઇ છે. ડ્રીપની
સંસ્કૃતિ વધી છે. આ બદલાવોમાં કૃષિ મેળાની મોટી ભૂમિકા છે. કલાઇમેટ ચેન્જ એટલે કે જળવાયુ
પરિર્તનના પ્રભાવથી ખેતીનો ચહેરો બદલાતો જઇ રહ્યો છે, ત્યારે કચ્છના કિસાનોને કૃષિ મેળો કંઇક નવું જાણવા, અપનાવવા, અમલી કરવાની પ્રેરણા આપી રહ્યો છે. પરંપરાગત પાકોને નુકસાન થાય ત્યારે કપાસ છોડીને
કમલમ્ તરફ વળવાની વિચારધારા વિકસાવવાની ભૂમિકા મેળાએ ભજવી છે, તેવું યુવા ઉદ્યોગપતિ અને અગ્રેસોલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ચૈતન્ય શ્રોફ
કહે છે. - કૃષિ મેળો કૃષિની માર્ગદર્શિકા : એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ અને પીઢ
સમાજચિંતક દીપેશભાઇ શ્રોફ કૃષિ મેળાને કચ્છની કૃષિની માગદર્શિકા લેખાવે છે. કચ્છી કૃષિના
કુંભ સમાન કૃષિ મેળાની મુલાકાત લેવા અગ્રણી ઉદ્યોગપતિએ આહ્વાન કર્યું છે. - કૃષિ મેળામાં એવોકાડો આકર્ષણ બનશે : 2005 પહેલાં ટેક્નોલોજીની ખેડૂતોને ખબર નહોતી.
કૃષિ મેળા થવા માંડયા તેમ-તેમ ખેડૂતો ટેક્નોલોજી, પાક
પદ્ધતિ, નવા પાક, બાગાયતને વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુ સાથે સમજવા
માંડયા. કપાસ, મગફળી જેવા પાકો જ પોંખતું કચ્છ સ્ટ્રોબેરી
પણ પોંખવા માંડયું. આ વખતે કૃષિ મેળામાં એવોકાડો આકર્ષણ જમાવશે, તેવું આશાપુરા ફાર્મના સૂત્રધાર અને પીઢ કિસાન અગ્રણી હરેશભાઇ ઠક્કર કહે
છે. - ખેતીનો નવો ચહેરો બતાવ્યો : નાની નાગલપર સ્થિત નીલકંઠ ગૌવિજ્ઞાન કેન્દ્રના
અધ્યક્ષ અને ગાય આધારિત ખેતીના પ્રચારક મેઘજીભાઇ હીરાણી કહે છે કે, કૃષિ મેળાએ કચ્છને ખેતીનો નવો ચહેરો બતાવ્યો. પ્રકૃતિ-ટેક્નોલોજીને સાથે
રાખીને ખેતીનો ખર્ચ ઘટાડતા શીખવનાર કૃષિ મેળા કચ્છની પ્રાસંગિક કૃષિ યુનિવર્સિટી જેવા
બન્યા.- માહિતીનો મહાકુંભ છે : ભારતીય કિસાન સંઘના પૂર્વ અધ્યક્ષ શિવજી
બરાડિયા કહે છે કે, મેળો તો માહિતીનો મહાકુંભ છે ભલા. કાયાંવાળાં
પાણીને ફિલ્ટર કરીને ડ્રીપથી પાકને પાવા જેવી પદ્ધતિઓ, નવાં-નવાં યંત્રો કૃષિ મેળાએ જ બતાવ્યા છે. ખાસ કરીને નવી પેઢીના યુવાનોને
હાઇટેક એક્સપોની મુલાકાત લેવા ભલામણ છે. - કિસાનો માટે મોટો મંચ : કચ્છમાં
કૃષિ મેળો કિસાનો માટે એક મોટો મંચ છે. ખેડૂતોને તક મળે છે તો ઝડપી લેવા જેવી છે. ઉદ્યોગો
કિસાનોને સીધી બજાર આપવા તત્પર છે. આટલી મહેનત કરાય છે તો આવોને આપના પોતાના જ મેળામાં, તેવું આહ્વાન અદાણી ફાઉન્ડેશનના ગુજરાતના સીએસઆર હેડ પંક્તિબહેન શાહે
કર્યું છે. - નવી ટેક્નોલોજીનાં દ્વાર ખોલ્યાં : ગુજરાત એગ્રોના ડાયરેક્ટર રહી ચૂકેલા અને
કચ્છમાં કેસર કેરીની ખેતીનો પાયો નાખનાર કિસાનોની હરોળમાં અગ્રિમ સ્થાન ધરાવતા બટુકસિંહ
જાડેજા કહે છે કે, કચ્છમાં ડ્રોન જેવા ખેતીની ટેક્નોલોજીનાં
જે સાધનો હતા જ નહીં તે કૃષિ મેળાએ કચ્છના ખેડૂતોને ઘરઆંગણે બતાવ્યા છે. ખેડૂતો આળસ
છોડીને મેળામાં જરૂર પહોંચે.