• શનિવાર, 19 એપ્રિલ, 2025

આદિપુરમાં એસ.ટી.ની હડફેટે યુવતીનો જીવ ગયો

ગાંધીધામ, તા. 16 : આ સંકુલના જીવાદોરી સમાન અને હંમેશાં ધબકતો રહેનારો ટાગોર રોડ ફરીથી રક્તરંજિત બન્યો છે. આદિપુરના જનતા પેટ્રોલપંપની સામે ટાગોર રોડ પર માર્ગ ઓળંગવા જતી  યુવતીઓના મોપેડ અને બાદમાં બાઇકને  એસ.ટી.ની વોલ્વો બસે હડફેટમાં લેતાં કિડાણાની વિદ્યાર્થિની એવી રીતુ લક્ષ્મીનારાયણ સાધુપલ્લી (ઉ.વ. 25) નામની યુવતીનું તત્કાળ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવતી તથા બાઇકચાલકને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ એક્ટિવાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આદિપુરમાં જનતા પેટ્રોલપંપની સામે આવેલા કટ પર આજે બપોરે આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કિડાણામાં લક્ષ્મીનગરમાં પોતાના પિતા લક્ષ્મીનારાયણ સિમ્હાધુરે સાધુપલ્લીને ત્યાં આવેલી રીતુ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પરિણીત એવી આ યુવતી સવારે કોલેજ ગયા બાદ બપોરે પરત થતી હતી. આજે આ યુવતી તથા તેની મિત્ર અંકિતા ભરત ગીલરિયા (ઉ.વ. 20) (રહે. કિડાણા) કોલેજ ગયા હતા, ત્યાંથી રજા મળતાં બંને પેટ્રોલપંપે આવ્યા હતા. ત્યાંથી આ બંને મોપેડ એક્ટિવા નંબર જીજે-39-ડી-6103વાળું લઇને ઘર બાજુ જવા નીકળી હતી. આ બંને બાજુથી પૂરપાટ આવતી એસ.ટી.ની વોલ્વો ભુજ રાજકોટની બસ નંબર જીજે-07-ટીયુ-5621એ મોપેડ પર સવાર બંને યુવતીને હડફેટમાં લીધી હતી. બસની ગતિ એટલી તીવ્ર હતી કે, મોપેડને હડફેટે લીધા બાદ તે ડિવાઇડરમાં અથડાઇ હતી, જેમાં વીજપોલ ધરાશાયી થયો હતો અને સામેથી ગાંધીધામથી આદિપુર જતી બાઇક નંબર જીજે-12-ઇએન-4786ને પણ હડફેટે લીધી હતી. આ ગમખ્વાર અને જીવલેણ અકસ્માતમાં રીતુને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેને સારવાર મળે તે પહેલાં છેલ્લા શ્વાસ લીધા હતા, જ્યારે તેની મિત્ર અંકિતા તથા સામેથી બાઇકથી આવતા સમીર રહીમ ત્રાયા (રહે. કિડાણા)ને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બંનેને સારવાર હેઠળ રખાયા છે. ધડાકાભેર થયેલા આ અકસ્માત બાદ એસ.ટી.નો ચાલક નાસી છૂટયો હતો. આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર સંકુલ અને તાલુકામાં ભારે અરેરાટી સાથે ગમગીની પ્રસરી હતી. બસનો ચાલક હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. આ ગમખ્વાર અકસ્માત અંગે રીતુના પિતા લક્ષ્મીનારાયણ સાધુપલ્લીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. - - ટાગોર રોડ ઉપરથી દબાણો હટાવવામાં તંત્ર વામણું પુરવાર : ગાંધીધામ, તા. 16 : ગાંધીધામ-આદિપુરને જોડતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ટાગોર રોડ ઉપર વ્યાપક દબાણો છે. નોટિસો આપ્યા પછી માર્ગ અને મકાન વિભાગ અતિક્રમણ દૂર કરવામાં વામણું પુરવાર થઈ રહ્યું હોવાનું સપાટી ઉપર આવી રહ્યું  છે. અકસ્માત ઝોન તરીકે ઓળખાતા રોડ ઉપર વધુ એક અકસ્માતની રાહ તંત્ર જોઈ રહ્યું હોય તેવો તાલ સર્જાયો છે. સંકલન સમિતિની બેઠકમાં પણ ટાગોર રોડ ઉપરનાં દબાણો દૂર કરવા બાબત ચર્ચા થઈ હતી. તેને પણ ઘણા દિવસો વીતી ગયા છે છતાં માર્ગ અને મકાન વિભાગનું નિંભર તંત્ર નોટિસ આપ્યા પછી આત્મસંતોષ માની કોઈ કાર્યવાહી કરતું નથી. આ રોડ સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે. અત્યાર સુધીમાં અનેક અકસ્માતો સર્જાયા છે. આજે આદિપુરમાં જીવલેણ અકસ્માત સર્જાયો છે. તંત્રની કાર્યવાહીના અભાવે દબાણ કરનારા લોકો વાહનચાલકો ઉપર ગંભીર અકસ્માતનો ખતરો છે. મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર દબાણ હટાવવાની કાર્યવાહી કરી રહ્યું છે પરંતુ અહીં એ નોટિસો આપ્યા પછી લાંબો સમય વીતી ગયા બાદ પણ કોઈ કાર્યવાહી થઇ નથી. સંકલનની બેઠકમાં દબાણો હટાવવા માટેની વાત થઈ હતી. અહીં દબાણોનાં કારણે ટ્રાફિક સહિતની ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે. એક બાજુ ઇફકો પછીના સર્વિસરોડ બંધ અવસ્થામાં છે, તો બીજી બાજુ દબાણોનાં કારણે રોડ સાંકડો થઈ ગયો છે. કોઈ ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં  માર્ગ અને મકાન વિભાગનું વહીવટી તંત્ર તાકીદે દબાણ ઉપર કોઈ કાર્યવાહી કરે તે જરૂરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd