• શનિવાર, 19 એપ્રિલ, 2025

45 ડિગ્રીએ અંજાર-ગાંધીધામમાં અંગ દઝાડતો તાપ

ભુજ, તા. 16 : કચ્છમાં ચૈત્રના તાપે પોતાનું અડગ સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેમ પ્રખર તાપના આકરા પ્રભાવથી જનજીવન તોબા પોકારી ઊઠયું છે. હજુ બે દિવસ કચ્છમાં અંગ દઝાડતો તાપ યથાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અંજાર-ગાંધીધામમાં એપ્રિલ માસમાં ચોથીવાર મહત્તમ પારો 45 ડિગ્રીએ પહોંચતાં આખો વિસ્તાર જાણે અગનગોળો બની ગયો હોય તેવી માથું ફાડી મૂકતી ગરમી અનુભવાઈ હતી. 45 ડિગ્રીએ અંજાર-ગાંધીધામ ચોથા દિવસે રાજ્યનાં ગરમ મથકોમાં અગ્ર સ્થાન જાળવી રાખ્યું હતું. આ વખતે ગરમીમાં અંજાર-ગાંધીધામ વિસ્તાર જાણે કે  સૂર્યનારાયણના રડારમાં આવી ગયા હોય તેમ એકલ-દોકલ દિવસની રાહતને બાદ કરતાં અહી પ્રખર તાપ લોકોની અગનકસોટી કરી રહ્યો છે. પખવાડિયું સતત 40 ડિગ્રીથી ઉપર અને તેમાંય ચાર દિવસ તો 4પ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતાં આ વિસ્તાર ન માત્ર રાજ્ય બલ્કે દેશમાં સૌથી વધુ ધગધગ્યો હતો. આભમાંથી અંગારા વરસતા હોય તેવી ગરમી આખો દિવસ અનુભવાતાં લોકોએ કારણ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. જિલ્લા મથક ભુંજમાં પણ મહત્તમ પારો થોડો ઊંચકાઈને 41.5 ડિગ્રીએ પહોંચતાં લોકોએ આકુળ-વ્યાકુળ કરી મૂકતી ગરમી અનુભવી હતી. સવારથી જ સૂર્યનારાયણે આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું હતું. ગરમીની સાથે અસહ્ય ઉકળાટથી જનજીવન પરેસવે રેબઝેબ બન્યું હતું. જિલ્લામાં સરેરાશ 8થી 1પ કિ.મી.ની ઝડપે લૂ ઓકતો ઉની વાયરો ફૂંકાતાં જનજીવન લૂથી લાલચોળ બન્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd