નવી દિલ્હી, તા. 1પ : આઇપીએલ
- 202પની શાનદાર શરૂઆત કરી વિજયનો
ચોગ્ગો લગાવ્યા પછી પોતાનાં મેદાનમાં પહેલી હાર સહન કરનાર દિલ્હી કેપિટલ્સ આ નિષ્ફળતાને
ભૂલીને બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે જીતના ક્રમ પર વાપસીની કોશિશ કરશે. દિલ્હીને તેની
પાછલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરુદ્ધ સિઝનની પહેલી હાર મળી હતી. આ હારથી ડીસી પોઇન્ટ
ટેબલ પર ટોચનું સ્થાન ગુમાવી ચૂકી છે. બીજી તરફ રાજસ્થાન છ મેચમાં ફક્ત બે જીતથી પોઇન્ટ
ટેબલ પર આઠમા સ્થાને છે. તેની નજર દેખાવ સુધારવા પર રહેશે. મુંબઇ સામે દિલ્હી માટે ઘરેલુ ક્રિકેટના
દિગ્ગજ બેટધર કરુણ નાયરે 40 દડામાં 89 રનની ઉત્કૃષ્ટ ઇનિંગ્સ રમી
હતી. દિલ્હી માટે ફરી એકવાર સફળતાની ચાવી સ્પિનર બની શકે છે. પાછલી મેચમાં હાર છતાં
કુલદીપ યાદવ અને 20 વર્ષીય વિપરાજ
નિગમે શાનદાર ફીરકી બોલિંગ કરી હતી. જો કે, કપ્તાન અક્ષર પટેલ તેની સ્પિન બોલિંગથી અસર પાડી રહ્યો નથી. બેટિંગમાં પણ તે
છાપ છોડી રહ્યો નથી. ગત સિઝનમાં દિલ્હીને આક્રમક શરૂઆત આપનાર જેક ફ્રેઝર પાંચ મેચમાં
માત્ર 46 રન જ કરી શક્યો છે. બીજી તરફ
રાજસ્થાનની સમસ્યા પ્રદર્શનમાં સાતત્યનો અભાવ છે. યશસ્વી જયસ્વાલે પાછલી મેચમાં આરસીબી
વિરુદ્ધ અર્ધસદી કરી હતી. કપ્તાન સેમસન હજુ સુધી મેચ વિજેતા ઇનિંગ્સ રમી શકયો નથી.
રિયાન પરાગ અને ધ્રુવ જુરેલના બેટ શાંત છે. સંદીપ શર્માને છોડીને આરઆરનો કોઇ બોલર રનગતિ
પર અંકુશ મૂકી શક્યો નથી. દિલ્હી સામે વિજયની રાહ પર પુનરાગમન કરવા માટે રાજસ્થાન રોયલ્સે
સંઘભાવનાથી દેખાવ કરવો પડશે.