રાજકોટ, તા. 16 : રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલા ઈન્દિરા
સર્કલ પાસેના ટ્રાફિક સિગ્નલ પાસે મહાનગરપાલિકા સંચાલિત સિટિબસના ડ્રાઈવરની ગુનાહિત
બેદરકારીથી સર્જાયેલા અકસ્માતમાં ચાર નિર્દોષ નાગિરકોનાં મૃત્યુ થયાં હતાં, ચાર વ્યક્તિ ઘાયલ થયા હતા. આવી તદ્દન અધણારી
દુર્ઘટનાના પ્રત્યાઘાત સ્વાભાવિક રીતે ઘેરા પડયા છે. સાથે જ ચર્ચા એ શરૂ થઈ છે કે,
કોઈ વાંક વગર પ્રશાસનની બેદરકારી અને ભ્રષ્ટાચારને લીધે ક્યાં સુધી માણસો
મરતા રહેશે. મોરબીનો ઝૂલતો પુલ કે રાજકોટનો ટીઆરપી અગ્નિકાંડ કે વડોદરાનો હરણીબોટનો
બનાવ કે પછી કોઈ એપાર્ટમેન્ટમાં લાગતી આગ, ડીસાની ફટાકડાની ફેક્ટરીમા
લાગેલી આગ... આવા બનાવ સતત બન્યા કરે છે. રાજકોટમાં સૌથી વધુ ધમધમતા 150 ફૂટ રિંગરોડ પરના ઈન્દિરા સર્કલ
પર આજે સવારે સિટીબસના ચાલકે એક્સીલેટર પર પગ મૂકી દઈ પૂરપાટ ઝડપે બસ ચલાવી સાતેક વાહનોને
હડફેટે લઈ ચાર જિંદગીને મૃત્યુને ઘાટ ઉતારી દીધા હતા. આ ઘટનામાં લોકોને 50 ફૂટ સુધી ઢસડી છેક સામેના ભાગે
કાળમુખી બસ ઊભી રહી હતી. અકસ્માતનો ભોગ બનનારના પેટ અને માથાંનો ભાગ ચીરાઇ ગયા હતા
અને લોહીનાં ખબોચિયાં ભરાઈ ગયાં હતાં. રાજુભાઈ મનુભાઇ ગીડા, સંગીતાબેન ધનરાજભાઇ ચૌધારી અને ચિન્મયભાઈ ઉર્ફે
લાલો હર્ષદભાઇ ભટ્ટનું મૃત્યુ થયું હતું.બીજી તરફ કિરણબેન કક્કડ, સૂરજ ધર્મેશભાઇ રાવલ, વિશાલ રાજેશભાઇ મકવાણા,
વિરાજબા મહાવીરાસિંહ ખાચર સહિતનાઓને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં
આવ્યા હતા. તેમાં ગંભીર રીતે ઘવાયેલા કિરણબેનનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું
હતું. અકસ્માત સર્જી બસ સામેની સાઇડ સુધી પહોંચ્યા બાદ અટકી ગઇ હતી. જેથી એકઠા થયેલા
ટોળાંએ સિટીબસ ચાલક શિશુપાલાસિંહને બસમાંથી કાઢી ઢોર માર માર્યો હતો. ટોળું બેકાબૂ
બન્યું હોઈ જેથી ગાંધીગ્રામ પોલીસ મથક અને ટ્રાફિક શાખાનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો
હતો. ત્યાં સૌ પ્રથમ બસના ચાલકને ટોળાં પાસેથી મુક્ત કરાવ્યો હતો, પરંતુ માર મારવાનાં કારણે ઇજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં
આવ્યો હતો. જ્યાં સુધી સિટીબસ ચાલકો સામે કડક પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ
ઉઠાવવા દીધા ન હતા. અનેક વખત સમજાવવા છતાં પણ મૃતકના પરિવારજનો પોલીસની વાત સાંભળવા
તૈયાર ન હતા, ત્યારે
પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતાં મૃતદેહ સ્વીકારવામાં આવ્યા હતા, તો 150 ફૂટ રિંગરોડ
અને યુનિવર્સિટી રોડ ચક્કાજામ થઇ ગયો હતો. આથી પોલીસ દ્વારા ટોળાંને વિખેરવા માટે બળપ્રયોગ
કરવો પડ્યો હતો.