ભુજ, તા. 16 : છેક પૂર્વથી લઇ પશ્ચિમ કચ્છના
છેવાડાનાં ગામોમાં પીવાનાં પાણીનો પોકાર થઇ રહ્યો છે અને પેયજળ વિતરણ વ્યવસ્થા સંભાળતાં
પાણી પુરવઠા તંત્રની કામગીરી સામે સવાલો ઊઠતાં આજે જિલ્લા કલેક્ટરે પાણીના મુદ્દાને
લઇ તાકીદની બેઠક બોલાવી પાણી પુરવઠા વિભાગના તમામ અધિકારી-કર્મચારીઓને સ્થળ ઉપર જઇ
વિતરણ વ્યવસ્થા સુધારવા તાકીદ કરી હતી. કલેક્ટર આનંદ પટેલે પાણી પુરવઠા વિભાગને જણાવ્યું
હતું કે, આવી કાળઝાળ ગરમી છે તેની વચ્ચે ક્યાંય પીવાનાં
પાણીની ફરિયાદ મળવી જોઇએ નહીં. કચ્છના રાપર તાલુકાનાં ગામો હોય કે પશ્ચિમના અબડાસા
અને લખપત, પચ્છમ વિસ્તાર સહિત જિલ્લા મથક ભુજ સહિતનાં જે શહેરોમાં
પૂરતું પાણી નથી પહોંચતું એવી ફરિયાદો છે. ગામડાઓમાં પેયજળ નથી આવતું એવી વાત બેઠકમાં
હાજર રહેલા ધારાસભ્યો વીરેન્દ્રસિંહ જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા,
કેશુભાઇ પટેલ, ત્રિકમભાઇ છાંગા તથા જિલ્લા પંચાયત
પ્રમુખ જનકસિંહ જાડેજાએ પણ ઉઠાવી હતી. ધારાસભ્યો કે સ્થાનિક પાણી સમિતિ અથવા ગ્રામજનો
દ્વારા પાણીની રજૂઆત આવે તેની સામે ગંભીરતાથી ધ્યાન આપી જે-તે તાલુકાના નાયબ કાર્યપાલક
ઇજનેર સ્થાનિકે જઇ સ્થળ પર પાણી પહોંચે છે કે નહીં તે જાણી નાગરિકોને પાણી આપવામાં
ગંભીરતાપૂર્વક અગ્રતા આપવા સૂચના આપવામાં આવી હતી. ઘણી જગ્યાએ જથ્થો પહોંચતો નથી એ
વાત વ્યાજબી નથી. જ્યાં કોઇ તકલીફ હોય ત્યાં જઇને ખૂટતી કડીઓ પૂર્ણ કરવામાં આવે,
એકબીજાનું સંકલન સાધવા પણ કલેક્ટરે તાકીદ કરી હતી. કલેક્ટરે સ્પષ્ટ સૂચના
આપી હતી કે, આખાંય કચ્છમાં 10 દિવસમાં પીવાનાં પાણીને લગતી
જે કોઇ સમસ્યા હોય તે હલ થવી જોઇએ અને પ્રશ્નોનો નિકાલ લાવી શહેર હોય કે ગામ, નાગરિકોને પાણી મળવું જોઇએ. 10 દિવસ પછી ફરીથી બેઠક યોજી સમીક્ષા
કરવાનું જણાવ્યું હતું. 410 એમ.એલ.ડી.
નર્મદાનો જથ્થો આવે છે અને સ્થાનિક સોર્સ પાસેથી 80 એમ.એલ.ડી.. કચ્છની જરૂરિયાત 490 એમ.એલ.ડી. છે, તો આ પાણી જાય છે ક્યાં એવો સવાલ ઊઠતાં બેઠકમાં સોપો પડી ગયો હતો. કલેક્ટરે
તો જ્યાં જ્યાં ગેરકાયદે પાણીનાં જોડાણો ચાલતાં હોય, પાણીની ચોરી
થતી હોય ત્યાં તપાસ કરી જોડાણો કાપવા, જરૂર પડયે પોલીસની મદદ
લેવા અને કોન્ટ્રાક્ટરો જો ગંભીરતા ન લેતા હોય તો તેઓની સામે પગલાં લેવા સહિતની તાકીદ
કરી હતી. બેઠકમાં અધિક કલેક્ટર દીપેશ ચૌહાણ, નાયબ કલેક્ટર ડો.
અનિલ જાદવ, પા.પુ.ના કાર્યપાલક ઇજનેર શ્રી વાઘેલા તથા તમામ નાયબ
કાર્યપાલક ઇજનેર હાજર રહ્યા હતા.