• શનિવાર, 19 એપ્રિલ, 2025

ડ્રગ્સના વેપાર સામે આરપારની લડાઈનો સમય

ભીષણ આતંકી હુમલાઓ માટે ઘાતક શસ્ત્રો ઘુસાડવા પાકિસ્તાને જે રીતે સાગરકિનારાનો, ભૌગોલિક રચનાનો દુરુપયોગ કર્યો હતો તેવી જ રીતે છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ-કૅફી પદાર્થો ઘુસાડવા માટે પણ ગુજરાત-સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીને મોકળો માર્ગ માની રહ્યા છે. રવિવારની મધરાત અને સોમવારની સવાર વચ્ચે ફરી એકવાર પોરબંદર પાસેથી ડ્રગ્સ ઘુસાડવાનો અને દક્ષિણ ભારતમાં મોકલવાનો પ્રયાસ આ માફિયાઓએ કર્યો હતો. જોકે `એન્ટિ ટેરેરિસ્ટ સ્ક્વૉડ' અને `કોસ્ટગાર્ડે' તેમનો આ મનસુબો તો નિષ્ફળ બનાવી દીધો પરંતુ ચિંતા વધારે તેવી વાત એ છે કે જો બન્ને એજન્સીઓ સમયસર પહોંચી હોત નહીં તો 1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ ગુજરાતના સાગરકાંઠાના માધ્યમથી તામિલનાડુ અને શ્રીલંકા પહોંચી ગયું હોત. કૅફી પદાર્થોનો જથ્થો જપ્ત થવાની ઘટના હવે સૌરાષ્ટ્ર-ગુજરાતના દરિયાઈ વિસ્તાર માટે નવી નથી, ગુનાખોરીની શ્રેણીમાં બહુ ઓછા સમયમાં આ બનાવો આવી જાય તો નવાઈ નહીં તેટલી હદે ડ્રગ્સનો જથ્થો ઝડપાય છે. કહેવાય છે કે આપણો દરિયાકાંઠો તો ફક્ત રૂટ- માધ્યમ છે, પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ ઈરાન તરફથી આવતો માલ મુંબઈ, ગોવા, તામિલનાડુ કે પછી કર્ણાટક સુધી પહોંચાડે છે. માછીમારી માટેની પાકિસ્તાની બોટ માટે દ્વારકા કે પોરબંદર પાસેનો જળમાર્ગ સરળ માર્ગ છે. જોકે, આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઘુસાડાય તે અન્ય રાજ્યો ઉપરાંત ગુજરાત માટે પણ હોઈ શકે. એટીએસ અને કોસ્ટગાર્ડે જે કાર્યવાહી કરી તેની પ્રશંસા કરીએ. આ એજન્સીઓ જીવના જોખમે કામ કરે છે તે નોંધપાત્ર છે. જે સામાન જપ્ત થયો તે પાકિસ્તાની ડ્રગ માફિયા `િફદા'નો છે અને તામિલનાડુની બોટને આપવા માટે હતો. એટીએસને મળેલી બાતમીના આધારે જપ્ત થયો પણ અગાઉની જેમ આ હેરફેર કરનારા તો હાથ નથી જ લાગ્યા. મધદરિયે 300 કિલો ડ્રગ્સ ફેંકીને બોટ પાકિસ્તાન તરફ જતી રહી. આ પ્રવૃત્તિ આતંકવાદી હુમલાથી ઓછી ગંભીર નથી. એટીએસના સૂત્રો સત્તાવાર રીતે કહે છે કે વર્ષ 2018થી 2025ના એપ્રિલ માસ સુધીમાં એટલે કે આઠ વર્ષ દરમિયાન 5454.756 કિલો ડ્રગ્સ આવી રીતે રોકાયું અને જપ્ત કરાયું છે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 10,277.12 કરોડ થાય છે. પાકિસ્તાનની આ પણ એક પરોક્ષ લડાઈ છે તેવું પણ સુરક્ષા નિષ્ણાતો અનેકવાર કહી ચૂક્યા છે. 2018થી 2025 સુધીમાં ગુજરાતના દરિયામાં ડ્રગ્સની હેરફેર બદલ 163 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં 77 પાકિસ્તાની નાગરિકો તથા 34 ઇરાની, ચાર અફઘાની, બે નાઇજીરિયન તથા 46 ભારતીયો હતા. આ મામલામાં પાકિસ્તાનના ડ્રગ માફિયા ફિદાનું નામ સામે આવ્યું છે. સરહદે લડવામાં નિષ્ફળ રહેનાર પાકિસ્તાન શસ્ત્રો કે આતંકીઓ ઘુસાડે છે તેમ આ કૅફી પદાર્થ ઘુસાડે છે. આતંકી હુમલાની અસર તો એક નિશ્ચિત વિસ્તારમાં થાય પરંતુ આ ઝેરનો કારોબાર આખા દેશમાં ઝડપથી ફેલાઈ શકે. મહાનગરોમાં, જ્યાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો આવેલાં છે ત્યાં તેનો વપરાશ થાય પણ છે. આ સ્થિતિમાં જે લડાઈ આ એજન્સીઓ, સ્થાનિક સુરક્ષાતંત્ર લડે છે તે વધારે સંગીન બનાવવી પડશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું છે કે મોદી સરકાર ડ્રગ્સના નેટવર્કને ખતમ કરી રહી છે. વિપક્ષે સ્વાભાવિક રીતે જ વિપરીત આક્ષેપ કર્યા છે. આ મુદ્દો જોકે દાવા-પ્રતિદાવાનો નથી. ફક્ત નો ડ્રગ્સ જેવાં સૂત્રો અને યોજાતી દોડ કે કૉલેજોમાં ભાષણો કરવાથી કશું નહીં થાય. શહેરોમાં ક્યાંય આ પદાર્થોનું વેચાણ થતું હોય તે અલગ દળ રચીને તેના ઉપર આક્રમક અભિયાન હવે અનિવાર્ય છે. સરહદે કાર્યવાહી થાય જ છે તેને વધારે સઘન કરવી પડે. આતંકવાદી અને નક્સલવાદીઓની જેમ ડ્રગ્સના આતંકને ખતમ કરવાનો સમય પાકી ગયો છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd