ભુજ, તા. 16 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન
આયોજીત આંતર જિલ્લા જયહિન્દ ટ્રોફી ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની રાજકોટના નિરંજન
શાહ સ્ટેડિયમ-બી ખાતે ચાલતી બીજી લીગ મેચમાં કે.સી.એ. ભુજ સિનિયર ટીમે ગીર સોમનાથ સામે
260 રનથી જીત નોંધાવી હતી. મેચના
ત્રીજા દિવસે કચ્છે હિરેન કેરાઇના 92 દડામાં 89 રનની મદદથી
45 ઓવરમાં 7 વિકેટના નુકસાને 267 રન બનાવ્યા હતા. પ્રથમ ઇનિંગ્સની
186 રનની સરસાઇ જોડતાં કચ્છના કુલ્લ
453 રન થયા હતા, જેથી ગીર સોમનાથને 45 ઓવરમાં 454 રન કરવાનો લક્ષ્યાંક મળ્યો
હતો. બીજી ઇનિંગ્સમાં ગીર સોમનાથ 37 ઓવરમાં માત્ર 193 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, જેમાં થવાણી વિશ્વેશના 51 રન મુખ્ય હતા. કચ્છ વતી પૂર્વ રાઠોડ અને અવનીશ કેરાઇને 3-3 વિકેટ, ધવલ વાઘેલાને બે અને કિશન વરસાણીને 1 વિકેટ મળી હતી. સમગ્ર ટીમને કે.સી.એ.ના
હોદ્દેદારોએ બિરદાવી હતી. ડિસ્ટ્રીક્ટ સિનિયર કોચ તરીકે મહેશ પંડયા અને યુવરાજસિંહ
જાડેજા માર્ગદર્શન આપી રહ્યા છે. ટીમ મેનેજર તરીકે અમિત રાઠોડ જોડાયેલા છે.