• બુધવાર, 12 માર્ચ, 2025

જયહિન્દ ટ્રોફીમાં ગીર સોમનાથ સામે કે.સી.એ. (ભુજ) મજબૂત સ્થિતિમાં

ભુજ, તા. 15 : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન આયોજિત આંતર જિલ્લા જય હિન્દ ટ્રોફી ટેસ્ટ મેચ ક્રિકેટ ટૂર્નામેન્ટની રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ-બી ખાતે શરૂ થયેલી બીજી લીગ મેચમાં કે.સી.એ. ભુજ સિનિયર ટીમ સામે ગીર સોમનાથની ટીમ 72.3 ઓવરમાં 206 રનમાં ઓલઆઉટ થઇ હતી. કચ્છ તરફથી ધવલ વાઘેલાએ છ વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છે પ્રથમ દાવમાં ધ્રુવ ગોસ્વામીના નવ છગ્ગા અને 17 ચોગ્ગાની મદદથી 128 દડામાં ધુંઆધાર 168, પ્રેમ ઝવેરીના 50, સની સોનીના 62 રનની મદદથી 392 રન કર્યા હતા. ગીર સોમનાથ ટીમની શરૂઆત સારી રહી હતી. એક સમયે વિના વિકેટે ટીમે 83 રન જોડયા હતા, પરંતુ ત્યારબાદ કચ્છ ટીમની સુંદર બોલિંગ સામે ગીર સોમનાથ ટીમનો ધબડકો થયો હતો. કચ્છ તરફથી ધવલ વાઘેલાએ ઘાતક બોલિંગ પ્રદર્શન કરતાં 23.3 ઓવરમાં 52 રનમાં છ મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી. તેને અવનીશ કેરાઇ બે વિકેટ અને ધ્રુવ ગોસ્વામી બે વિકેટનો સાથ મળ્યો હતો. બીજી ઇનિંગ્સમાં દાવ લેવા માટે ઉતરેલ કચ્છની ટીમને સની સોનીના 56 બોલમાં 56 રન અને હિરેન કેરાઇના 47 નોટઆઉટ રનની મદદથી 29.5 ઓવરમાં ચાર વિકેટના ભોગે 159 રન બનાવીને કુલ સરસાઇ 345 રન સુધી પહોંચાડી દીધી છે. હજી કચ્છ ટીમને આવતીકાલે 16 ઓવર રમવાની બાકી છે અને તેની છ વિકેટ હાથમાં છે. કચ્છ ડિસ્ટ્રીક્ટ સિનિયર ટીમને કોચ તરીકે મહેશ પંડયા અને યુવરાજસિંહ જાડેજા માર્ગદર્શન આપી રહ્યા છે. મેનેજર અમિત રાઠોડ છે. સદીવીર ધ્રુવને કે.સી.એ.ના હોદ્દેદારોએ અભિનંદન આપ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd