ભુજ, તા. 9 : હિમ્સ- કેપીએલની ત્રીજી સિઝનના
એક મહત્ત્વના મુકાબલામાં રાજવી ચેમ્પિયન્સે નીલકંઠ વોરિયર્સને સાત રને હરાવી દિલધડક
જીત મેળવી હતી. અંતિમ બોલ સુધી પહોંચેલી મેચે ભારે રોમાંચ સર્જ્યો હતો. ત્રીજા દિવસની
પ્રથમ મેચમાં પહેલે બેટિંગ કરતાં રાજવી ચેમ્પિયન્સે નિર્ધારિત 1પ ઓવરમાં છ વિકેટના ભોગે 141 રન બનાવ્યા હતા. રાજવી ચેમ્પિયન્સ
તરફથી દર્શન ખટાણાએ સૌથી વધુ 47, તો રીજવાન
માંજોઠીએ 42 રનનું યોગદાન આપ્યું હતું.
ખટાણાએ પોતાની ઈનિંગ્સમાં ચાર, તો માંજોઠીએ
બે છગ્ગા ફટકાર્યા હતા. બોલિંગમાં નીલકંઠ વોરિયર્સ તરફથી કાનજી રબારીએ 20 રન આપી બે, તો ભીમજી જેપાર, મહેશ
અબોટી અને આશીફ મોખાએ એક-એક વિકેટ ઝડપી હતી. રવિવાર હોવાના લીધે હિમ્સ - કેપીએલની મેચ
જોવા માટે મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો ઊમટી પડતાં જ્યુબિલી ગ્રાઉન્ડમાં કોઈ આંતરરાષ્ટ્રીય
કક્ષાની મેચ રમાતી હોય તેવો માહોલ સર્જાયો હતો.
142 રનનાં લક્ષ્યને પાર કરવા ઊતરેલી
નીલકંઠ વોરિયર્સની ટીમ નિર્ધારિત 1પ ઓવરમાં છ વિકેટના ભોગે 134 રન બનાવી શકી હતી. એક તબક્કે નીલકંઠ વોરિયર્સ વિજય મેળવવા સુધી
પહોંચી ગઈ હતી, પણ અંતે છેલ્લા દડે તેમને
હાર ખમવી પડી હતી. નીલકંઠ વોરિયર્સ તરફથી રાજ માલમે 41 બોલમાં પ3 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. શાંતિલાલ રાઘવાણીએ 29 રનનું યોગદાન આપ્યું હતું.
રાજવી ચેમ્પિયન્સ તરફથી સેજાદ બાફણે બે વિકેટ ઝડપી હતી. દર્શન ખટાણાને મેન ઓફ ધી મેચ
જાહેર કરાયો હતો. હિમ્સ-કેપીએલમાં અમ્પાયર
તરીકે રાજ સોલંકી અને ધર્મેન્દ્ર ગુંસાઈ, કોમેન્ટેટર તરીકે જીત અરોરા તેમજ ધવલ ગોસ્વામી, તો સ્કોરર
તરીકે જશરાજ સોલંકી અને નિખિલ રાઠોડે સેવા આપી રહ્યા છે.