બ્રિસ્ટલ (ઇંગ્લેન્ડ), તા.30:
ઇંગ્લેન્ડ વિરુદ્ધના પાંચમા અને ફાઇનલ સમાન વન ડે મેચમાં ઓસ્ટ્રેલિયાનો ડકવર્થ-લૂઇસ
નિયમથી 49 રને વિજય થયો હતો. આથી પાંચ મેચની શ્રેણી ઓસ્ટ્રેલિયાએ 3-2થી કબજે કરી છે.
પહેલા બેટિંગ કરતા ઇંગ્લેન્ડ ટીમ 49.2 ઓવરમાં 309 રને ઓલઆઉટ થઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ
20.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 16પ રન કર્યા હતા ત્યારે વરસાદ શરૂ થયો હતો. આ પછી રમત
ફરી શરૂ થઇ શકી ન હતી અને ઓસ્ટ્રેલિયા ડી/એલ સિસ્ટમથી વિજેતા જાહેર થયું હતું. ઓસ્ટ્રેલિયા
તરફથી આક્રમક ઓપનર ટ્રેવિસ હેડે 31 રન કર્યા હતા જ્યારે મેથ્યૂ શોટ 30 દડામાં પ8 રન
કરી આઉટ થયો હતો. રમત અટકી ત્યારે સ્ટીવન સ્મિથ 36 અને જોશ ઇંગ્લિશ 28 રન બનાવી નોટઆઉટ
રહ્યા હતા. અગાઉ ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટે સદી ફટકારી હતી જ્યારે કેપ્ટન હેરી બ્રુકે
7 છગ્ગાથી 72 રનની ઇનિંગ રમી હતી જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી પાર્ટટાઇમ સ્પિનર ટ્રેવિસ
હેડે 4 વિકેટ લીધી હતી. શ્રેણીના પહેલાં અને બીજા વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો વિજય થયો
હતો. ત્રીજો અને ચોથો મેચ જીતી ઇંગ્લેન્ડે વાપસી કરીને શ્રેણી 2-2ની બરાબરી પર લાવી
દીધી હતી. આખરી મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી શ્રેણી કબજે કરી હતી. આ પહેલાં બન્ને
વચ્ચેની 3 મેચની ટી-20 સિરીઝ 1-1થી ડ્રો રહી હતી.