રાપર, તા. 25 : તાલુકા પંચાયતની અંતિમ સામાન્ય સભામાં અંદાજ પત્રણે બહાલી આપવામાં
આવી હતી. આ વેળાએ વિવિધ વિકાસકામોની ચર્ચા
પણ કરવામાં આવી હતી. તાલુકા પંચાયત
પ્રમુખ કેસરબેન ગેલાભાઈ બગડાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2026-27 નું અંદાજપત્ર રજૂ કરવામાં
આવ્યું હતું જેને ઉપસ્થિત સભ્યો દ્વારા બહાલી આપવામાં આવી હતી. 3 કરોડ 4 લાખ આઠ હજારની ખૂલતી સિલક સાથે રજૂ કરેલ અંદાજપત્રમાં સ્ટેમ્પ
ડયુટી, રોયલ્ટી ગ્રાન્ટ તેમજ અન્ય પરચૂરણ આવકોનાં 1,41,97,000 નાં અંદાજ સામે જુદી જુદી પ્રવૃત્તિઓ
પેટે 1,34,95,000 નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો.
ઉપરાંત આગામી વર્ષ 2026-27 નો
વિવિધ પ્રવૃતિઓ,તાલુકા પંચાયત સ્વભંડોળ
તથા લોન-દેવા વિભાગનાં એકંદરે ખર્ચ 24,96,35,000 નાં ખર્ચની જોગવાઈ સાથે 3,11,10,000 ની અંદાજિત પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કરવામાં આવતાં તેને સર્વાનુમતે
બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત મનરેગા માં સુધારા સાથે વીબી જી રામ જી યોજના બદલ
સરકારનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. તો વિસ્તારની દ્રષ્ટિએ મોટા
એવા રાપર તાલુકાનાં બાલાસર, આડેસર અને
ગાગોદર એમ ત્રણ તાલુકામાં વિભાજનની માંગ પણ તાલુકાનાં પ્રતિનિધિઓ દ્વારા આ અંતિમ સામાન્ય
સભામાં કરવામાં આવી હતી. વર્તમાન તાલુકા પંચાયતનાં સભ્યોની આગામી તા. 17/3 નાં મુદ્દત પૂરી થઈ રહી છે
ત્યારે આ અંતિમ સામાન્ય સભામાં પણ સભ્યોની ઉદાસીનતા પાંખી હાજરીથી સ્પષ્ટ થતી હતી.
ચૂંટાયેલા પ્રતિનિધિઓ કરતાં સદસ્ય પતિ-પુત્રોની ઉપસ્થિતિ વિશેષ જોવા મળતી હતી. આ પ્રસંગે
કારોબારી ચેરમેન જયદીપાસિંહ જાડેજા, સત્તા પક્ષનાં નેતા મોહનભાઈ બારડ, તાલુકા વિકાસ અધિકારી
ખોડુભા વાઘેલા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોર મહેશ્વરી,
કાનજીભાઈ ગોહિલ,દાનાભાઈ વાવીયા, વેલજીભાઈ સિંધવ, વિનુભાઈ થાનકી, કૌશિક બગડા, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેનભાઇ જીએજા
વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. વિસ્તરણ અધિકારી ગીતાબેન રાઠોડ તથા કર્મચારીઓએ વ્યવસ્થા
સંભાળી હતી.