• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

સદીવીર અશ્વિન અને જાડેજા ભારતના સંકટમોચક

ચેન્નાઇ, તા. 19 : સંકટમોચક જુગલજોડી રવિચંદ્રન અશ્વિનની આક્રમક સદી  અને રવીન્દ્ર જાડેજાના શાનદાર 86 રનની મદદથી બાંગલાદેશ સામેની પહેલી ટેસ્ટમાં ભારતે વાપસી કરીને 6 વિકેટે 339 રન કર્યાં હતા. અશ્વિન તેની કારકિર્દીની સૌથી ઝડપી સદી ફટકારીને 102 રને અને જાડેજા સદી નજીક પહોંચીને 86 રને અણનમ રહ્યા હતા. આ બન્નેએ ટીમ ઇન્ડિયાને સંકટમાંથી ઉગારીને સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 19પ રનનો ઉમેરો કર્યો હતો. યશસ્વી જયસ્વાલે અર્ધસદી કરી હતી. જયારે કપ્તાન રોહિત અને સ્ટાર વિરાટ સહિતના ટોપ ઓર્ડરના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. હસન મહમૂદના તરખાટ સાથે 144 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ અશ્વિન-જાડેજાની જોડીએ ભારતની વાપસી કરાવી હતી. ખાસ કરીને અશ્વિને આક્રમક અંદાજમાં બેટિંગ કરીને બાંગલાદેશના બોલરો હલ્લાબોલ કર્યું હતું. જાડેજાએ બખૂબી સાથ આપ્યો હતો. અશ્વિને તેની કારકિર્દીની છઠ્ઠી સદી કરી હતી. આ તેની સૌથી ઝડપી સદી છે. અશ્વિને 108 દડામાં તેની સદી પૂરી કરી હતી. આજની રમતના અંતે તે 112 દડામાં 10 ચોગ્ગા-2 છગ્ગાથી 102 રને અણનમ રહ્યો હતો. જ્યારે જાડેજા તેની પાંચમી સદી નજીક પહોંચીને 86 રને નોટઆઉટ રહ્યો હતો. તેણે 117 દડાની ઇનિંગમાં 10 ચોગ્ગા-2 છગ્ગા ફટકાર્યાં હતા.  ટોસ જીતીને બાંગલાદેશના કપ્તાન નઝમૂલ હસન શાંતોએ સાહસિક નિર્ણય લઇને બોલિંગ પસંદ કરી હતી.  હસન મહમૂદે કપ્તાનનો નિર્ણય યર્થાથ ઠેરવીને કાતિલ બોલિંગ કરી હતી. કપ્તાન રોહિત શર્મા (6), શુભમન ગિલ (0), વિરાટ કોહલી (6) અને રિષભ પંત (39) હસન મહમૂદના શિકાર બન્યા હતા. પંત અને યશસ્વી વચ્ચે ચોથી વિકેટમાં 62 રનની મહત્ત્વની ભાગીદારી થઇ હતી. જયારે કેએલ રાહુલ (16) સ્પિનર મહેંદી હસન મિરાજના દડામાં આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે એક છેડો સાચવીને 118 દડામાં 9 ચોગ્ગાથી પ6 રન કર્યાં હતા. બાંગલાદેશ તરફથી હસન મહમૂદે પ8 રનમાં 4 વિકેટ લીધી હતી.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang