• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

હે બાલાજી ! આ શું..?

નવી દિલ્હી, તા. 19 : કરોડો હિન્દુઓની લાગણી દુભાય તેવા એક ચોંકાવનારા અને વિચલિત કરી દેનારા દાવામાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે, અગાઉની વાયએસઆર કોંગ્રેસની સરકારના રાજમાં તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુમાં ઘીના બદલે જાનવરોની ચરબીનો ઉપયોગ થતો હતો ! શાસક ટીડીપીએ ગુજરાત સ્થિત એક લેબોરેટરીના રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે, પ્રસાદના લાડુમાં ગાયની ચરબીનો પણ ઉપયોગ થયો હતો. જો કે, જગન મોહન રેડ્ડીના પક્ષ દ્વારા આ આક્ષેપનું ખંડન કરવામાં આવ્યું છે અને આવા દાવાને દુર્ભાવનાપૂર્ણ ગણાવીને નકારી દીધો છે. ટીડીપીએ સેન્ટર ઓફ એનાલિસીસ એન્ડ લર્નિંગ ઈન લાઈવસ્ટોક એન્ડ ફૂડના લેબરિપોર્ટ જાહેર કરતાં જણાવ્યું હતું કે, વાય.એસ.આર. પાર્ટીની સરકાર સમયે તિરૂપતિ મંદિરના પ્રસાદ તરીકે લાડુમાં વપરાયેલાં ઘીમાં પશુઓની ચરબી મળી છે. સી.એ.એલ.એફ.ના રિપોર્ટ મુજબ ઘીમાં ફિશ ઓઈલ અને ગાયની ચરબીના અંશ મળ્યા છે, જેમાં અમુક માત્રામાં લાર્ડ પણ મળ્યું છે. લાર્ડ એ સુઅરના ફેટી ટીશ્યુમાંથી કાઢેલું સેમી સોલિડ વ્હાઈટ ફેટ હોય છે. અગાઉ એનડીએ વિધાયક પક્ષની બેઠકને સંબોધન કરતાં નાયડુએ કહ્યું હતું કે, જગન રેડ્ડીની સરકારમાં તિરુપતિના શ્રી વૈંકટેશ્વર મંદિર દ્વારા પ્રસાદમાં આપવામાં આવતા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીના સ્થાને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) દ્વારા કરવામાં આવે છે. નાયડુના પક્ષ ટીડીપીએ ભાજપ અને પવન કલ્યાણના જનસેના સાથે  ગઠબંધનમાં રાજ્યમાં સરકાર રચવામાં આવી છે. નાયડુએ ગઠબંધનના વિધાયકોને સંબોધતાં કહ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં વાયએસઆર કોંગ્રેસનાં નેતાઓએ તિરુમાલાની પવિત્રતાને કલંકિત કરી છે, જેમાં અન્નદાનની ગુણવત્તા સાથે બાંધછોડ થઈ ગઈ છે અને ઘીના સ્થાને પશુની ચરબીનો ઉપયોગ કરીને પવિત્રતાને દૂષિત કરી હતી. આ ખુલાસાએ ચિંતા પેદા કરી છે અને અમારી સરકારમાં મંદિરમાં શુદ્ધ ઘીનો જ ઉપયોગ થાય છે. અમે પવિત્રતાની રક્ષા કરવાના પ્રયાસો કરીએ છીએ, તેવું ચંદ્રાબાબુએ કહ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang