• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

કચ્છમાં આપઘાત-અકસ્માતમાં ચાર જિંદગી પૂર્ણ

ભુજ/ગાંધીધામ, તા. 19 : કચ્છમાં આપઘાત-અકસ્માતના ચાર બનાવમાં ચાર જિંદગી પૂર્ણ થઈ હતી. ભુજમાં પગ લપસતાં ઘવાયેલા બુદ્ધરાજભાઈ થાવરભાઈ કન્નર (ઉ.વ. 60) નામના વૃદ્ધે જીવ ખોયો હતો, જ્યારે તાલુકાના માધાપરમાં બીમારીથી કંટાળીને હંસાબેન નારાનણ ગરવા (ઉ.વ. 56) નામના મહિલાએ તળાવમાં ઝંપલાવી જીવ દીધો હતો, તો નખત્રાણા તાલુકાના નાના નખત્રાણામાં મનોજ સાલેભાઈ કોલી (ઉ.વ. 32) નામના યુવાને અગમ્ય કારણે ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. બીજી તરફ ગાંધીધામ તાલુકાના પડાણામાં અંદાજિત 30-35 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આપેલી વિગતો મુજબ, નૂતન સોસાયટીમાં રહેતા બુદ્ધરાજભાઈનો સોલાર પ્લેટની સફાઈ કરતી વેળાએ પગ લપસી જતાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં સારવાર દરમિયાન મોત થયું હતું. માધાપરના જૂનાવાસમાં રહેતા અને છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હંસાબેને કંટાળીને જગાસર તળાવમાં ઝંપલાવ્યું હતું. તેમને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે તપાસ હાથ ધરી હતી. નાના નખત્રાણામાં બનેલા આપઘાતના બનાવમાં હતભાગી  મનોજે કોઈ અકળ કારણે પોતાના ઘરે જીવાત મારવાની દવા પી લેતાં તેને સારવાર માટે પ્રથમ નખત્રાણા અને બાદમાં ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેણે દમ તોડયો હતો. બીજી તરફ ગાંધીધામ તાલુકાના પડાણામાંથી 30થી 35 વર્ષીય અજાણ્યા યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. પડાણામાં મિની પંજાબ હોટેલની પાછળ બાવળની ઝાડીમાંથી ગઈકાલે ઢળતી બપોરે આ લાશ મળી આવી હતી. આ અજાણ્યો યુવાન શૌચ ક્રિયા માટે ટેકરી ઉપર બેઠો હતો ત્યાંથી પડી જતાં નીચે ગબડતાં તેને કપાળમાં પથ્થરો લાગ્યો હતો જેમાં તેનું મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું, તેમ છતાં મોતનું સ્પષ્ટ કારણ જાણવા વિશેરા લઈ એફ.એસ.એલ. માટે મોકલવામાં આવ્યા હતા તેમજ આ યુવાનની ઓળખ માટે તપાસ હાથ ધરાઈ હોવાનું પી.એસ.આઈ. કે. જે. વાઢેરે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang