• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

કોટડા નજીક અકસ્માતગ્રસ્ત કારમાંથી દોઢ લાખનો દારૂ જપ્ત

ગાંધીધામ, તા. 19 : ભુજથી ભચાઉ તરફ જતા ધોરીમાર્ગ નજીક અંજાર તાલુકાના કોટડા ગામની સીમમાંથી પોલીસે રૂા. 1,59,600નો દારૂ જપ્ત કર્યો હતો. બીજી બાજુ ગાંધીધામમાંથી રૂા. 5400ના શરાબ સાથે શખ્સની અટક કરાઇ હતી. ભુજથી ભચાઉ જતા ધોરીમાર્ગ ઉપર કાર  નંબર જી.જે. 03-એફ.ડી.-6028 વાળી જઇ રહી હતી, જેના પૈડાં ફાટી જતાં આ કાર બાવળની ઝાડીમાં જઇને ઘૂસી ગઇ હતી. બાદમાં તેનો ચાલક કારમાંથી દારૂની પેઢીઓ કાઢી બાવળની ઝાડીમાં સંતાડી રહ્યો હતો ત્યારે પૂર્વ બાતમીના આધારે પોલીસ અહીં દોડી આવી હતી. તેવામાં શખ્સ નાસી ગયો હતો. જય ગોગા લખેલી આ ગાડી તથા બાવળની ઝાડીમાંથી પોલીસે 8 પી.એમ. 375 મિ.લી.ની 96, ગ્રીન લેબલ 375 મિ.લી.ની 336 બોટલ તથા કિંગફીશર બીયરના 840 ટીન એમ કુલ્લ રૂા. 1,59,600નો શરાબ જપ્ત કર્યો હતો. અકસ્માતના પગલે લોકો એકત્ર થઇ જતાં પોલીસે દારૂ અહીંથી ઉપાડી લઇ પોલીસ મથકે લઇ જઇ તેની ગણતરી કરી હતી. કબજે કરાયેલ વાહનમાંથી બનાસકાંઠાના અરજણ કરશન વાઘેલા નામના શખ્સની વિમા પોલિસી જપ્ત કરી હતી. બીજી બાજુ ગાંધીધામમાં નવી સુંદરપુરી ભરવાડવાસ સમાજવાડી નજીક આવેલા મકાનમાં પોલીસે છાપો માર્યો હતો. અહીંથી રાહુલ અંબાવી સથવારાની ધરપકડ કરી તેના કબજામાંથી 54 ક્વાર્ટરિયા કિંમત રૂા. 5400નો દારૂ જપ્ત કરાયો હતો. તેણે દારૂ ક્યાંથી મેળવ્યો હતો તે કાંઇ બહાર આવ્યું નહોતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang