• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

કલમ 370 મુદ્દે પાક મંત્રીનાં બયાનથી ઘમસાણ

નવી દિલ્હી / ઈસ્લામાબાદ, તા. 19 : જમ્મુ અને કાશ્મીરમાં 370મી કલમ પુન: લાગુ કરવાને લઈને પાકિસ્તાન સરકાર અને કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ (એનસી)નો એક જ સૂર હોવાના પાકના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફનાં નિવેદનને લઈને ભારતમાં ઘમસાણ મચ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એનસી-કોંગ્રેસ પર પ્રહારો કરીને જણાવ્યું હતું કે, કોઈ પણ શક્તિ હવે કલમ 370ને પુન:?સ્થાપિત કરી શકશે નહીં. એનસી અને કોંગ્રેસના જોડાણ અંગે અહીં ઉત્સાહ નથી પણ પાકિસ્તાન ઉત્તેજિત છે. ઉનકી બલ્લે બલ્લે પાકિસ્તાનમે હો રહી હૈ. ગૃહમંત્રી અમિત શાહે આ ઘટનાક્રમને લઈને કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન તાકીને જણાવ્યું હતું કે, રાહુલ દેશવિરોધી શક્તિઓ સાથે છે. બીજી તરફ કોંગ્રેસે પાકિસ્તાનને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ સામે ચેતવણી આપી છે. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કહ્યું હતું કે, આસીફે આવા નિવેદનોને બદલે પોતાના નાગરિકોને ગરીબી અને ભૂખમરાથી બચાવવા પર ધ્યાન આપવું જોઈએ. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી આસીફના એક નિવેદને ભાજપને ફરીથી તક  આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આરોપ મુક્યો છે કે, રાહુલ ગાંધી ભારત વિરોધી શક્તિઓ સાથે છે. પાકિસ્તાની રક્ષા મંત્રીના નિવેદને કોંગ્રેસનો પર્દાફાશ કરી દીધો છે. શાહે એક્સ ઉપર પોસ્ટ શેર કરી હતી કે, પાકિસ્તાની રક્ષામંત્રીએ કલમ 370 અને 35એ અંગે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું સમર્થન કરતાં કોંગ્રેસનો પર્દાફાશ થયો છે. આ નિવેદને સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક છે અને એજન્ડા પણ સમાન છે. અમુક વર્ષોથી રાહુલ ગાંધી દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચાડતા દરેક ભારત વિરોધી તાકાત સાથે રહે છે. તેમણે જણાવ્યું હતું કે, હવાઈ હુમલા અને સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માગવા હોય અથવા ભારતીય સેના અંગે વાંધાજનક ટિપ્પણી કરવાની હોય, રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી અને પાકિસ્તાનના સૂર સમાન હોય છે. જો કે, કોંગ્રેસ અને પાકિસ્તાન ભૂલે છે કે, કેન્દ્રમાં મોદી સરકાર છે. એટલે કાશ્મીરમાં 370 પરત આવશે નહીં અને આતંકવાદ પણ પરત ફરશે નહીં. પાકિસ્તાનના એક ટીવી કાર્યક્રમમાં રક્ષા મંત્રી ખ્વાજા આસીફ સામેલ થયા હતા. આ દરમ્યાન એન્કરે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને સવાલ કર્યો હતો અને કહ્યું હતું કે, કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. જમ્મુમાં કલમ 370 લાગુ થઈ, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસ અને જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા સત્તામાં હતા. હવે ફરી એક વખત બન્ને સાથે છે અને બન્નેએ કાશ્મીરમાં કલમ 370 અને 35એ લાગુ કરવાનું વચન આપ્યું છે. આ વાત ઉપર ખ્વાજાની પ્રતિક્રિયા માગવામાં આવી હતી, જેના ઉપર ખ્વાજા આસીફે કહ્યું હતું કે, જો 370 લાગુ થશે, તો સારું રહેશે. પાકિસ્તાન કોંગ્રેસ અને તેની સાથી પાર્ટીના વલણ સાથે સહમત છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang