• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

`જયસામ' ; જિલ્લાનો સૌથી મોટો કેન્સર વિભાગ

પ્રિયાંશી પઢારિયા દ્વારા : કેરા (તા. ભુજ), તા. 19 : આરોગ્ય ક્ષેત્રે કચ્છનો સિનારીયો બદલાઈ ચૂક્યો છે. એકબાજુ લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે જાગૃત થયા છે, તો આધુનિક ઉપકરણોએ સારવાર સચોટ બનાવી છે. ભુજમાં બે વર્ષ પહેલાં જ શરૂ થયેલી કે.કે. પટેલ હોસ્પિટલ કેન્સર સારવાર માટે જિલ્લામાં સૌથી વ્યસ્ત અને વિભાગ સાથે સેવારત બની છે. લેવા પટેલ સમાજના સમર્પણમાં મેરિંગો સિમ્સ અમદાવાદનું મેડિકલ માર્ગદર્શન પણ બદલાવ માટે નિમિત્ત બન્યું છે. એક સમયે ગાંધીધામમાં આયુષ્માન કાર્ડ સાથે નિ:શુલ્ક કેન્સર સારવાર માટે નોંધપાત્ર કાર્ય થયું, કચ્છના જાણીતા તબીબ ડૉ. વિકાસ ગઢવી પણ ત્યાં સેવા આપતા હતા. બાદમાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ સંચાલિત કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અત્યાધુનિક મેડિકલ ઉપકરણો સાથે `જયસામ' કેન્સર વિભાગ શરૂ કરાતાં લોકો હવે અહીં સારવાર મેળવતા થયા અને આ વિભાગ હવે મધ્યસ્થ કેન્સર સારવાર કેન્દ્રમાં પરિવર્તન થઇ ચૂક્યો છે. કર્કરોગ લાંબી સારવાર માંગે છે એટલે નિયમિત દર્દીઓ ઉપરાંત પ્રતિદિન 20થી 25 નવા દર્દી ઉમેરાય છે તેના કારણે ડૉ. વિકાસ ગઢવી, ડૉ. રોનક જૈન અને ડો. તસ્નીમ નડાવાલા પાસે દર્દીઓ - આપ્તજનોનો ધસારો જોવા મળે છે. દર્દીઓ સાથે વાત કરી ત્યારે થયું મારે આ વાત લખવી જોઈએ. કચ્છ ભાગ્યશાળી છે અહીં દુ:ખ છે, વેદના છે, અછત છે તો `છત' આપવાવાળા હાથ પણ છે. `જયસામ' એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.   મૂળ માધાપર હાલે લંડન વસવાટ કરતું દંપતી સામજીભાઇ શિવજી દબાસીયા, ધર્મપત્ની વિજયાબેન વતનપ્રેમી તો છે, પણ હૃદયમાં માનવતા ધબકે છે માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલમાં મફત ડાયાલિસીસ વિભાગ એમના નામે છે. હવે તેમની ઈચ્છા જિલ્લાને શ્રેષ્ઠતમ સુપર સ્પેશિયાલિટી આંખ હોસ્પિટલ ભેટ આપવાની છે. તેમણે 21 કરોડ જેટલી માતબર રકમ એકમાત્ર ટ્રુબીમ રેડિયેશન મશીન માટે આપી છે. તેથી જ ગુજરાતની શ્રેષ્ઠ રેડિયેશન સારવારનું કેન્દ્ર કચ્છ બન્યું છે એ નાની વાત નથી અને જિલ્લા બહારથી પણ દર્દી આવી રહ્યા છે. સીટીસ્કેન, એમ.આર.આઈ. માટે કચ્છથી બહાર જવું પડતું એ જિલ્લો આજે ગુજરાતના દર્દીઓને સારવાર આપતો થયો છે, ઋણ ચૂકવતો થયો છે. એક અર્થમાં આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહ્યો છે તે હકીકત હોસ્પિટલની મુલાકાતે નજરે જોવા મળી હતી. મેડિકલ સહયોગી મેરિંગો સિમ્સ વતી ડો. ધીરેન શાહે ઉમેર્યું કે, હું કચ્છી છું, વતનની  સેવા થઇ રહ્યાનો સંતોષ છે. - શું છે કેન્સરની સ્થિતિ? : એક અંદાજ મુજબ હાલ જિલ્લાના 80 ટકા દર્દી `જયસામ' કેન્દ્રમાં સારવાર લેવા આવે છે. લોકોમાં જાગૃતિ આવી છે. આયુષ્માન સારવારના કારણે લોકો વહેલા નિદાન કરાવતા થયા છે એટલે દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ડૉ. વિકાસ ગઢવીનું કહેવું છે કે, બીજા જિલ્લાની સરખામણીએ કચ્છમાં હજી પણ જે દર્દી ઓળખાય છે તે ત્રીજા કે ચોથા સ્ટેજે હોય છે. તેણે તબીબોને અપીલ કરી કે શંકા લાગે ત્યાં દર્દીને ઝડપી નિદાન કરાવવા કહેવું. પ્રતિદિન 10 નવા કેસ ઉમેરાય છે. `જયસામ' કેન્સર સારવાર વિભાગમાં પ્રતિમાસ 70થી 80 રેડિયેશન (શેક), 900થી 1000 કિમો, 40થી 45 કેન્સર સર્જરી થઇ રહી છે. આ રીતે દર્દીઓ વધશે તો એકાદ વર્ષમાં આ વિશાળ વિભાગ અને અત્યારે અપાતી સેવાઓ ટૂંકી પડશે. અહીં બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરાઈ રહ્યા છે, જે મલ્ટિપલ માઈનોમાં (ઓટોલોગસ) છે. એલોજેનીક ભવિષ્યમાં ઉમેરાશે. 30 ટકા વ્યસન, 6 ટકા સ્તન કેન્સર જયારે લોહી કે શરીરના અવયવોના કેન્સરનું પ્રમાણ છે, 20 ટકા મોં - ગળાના કેન્સર સારવાર હેઠળ છે. રિકવરીનું પ્રમાણ પણ સારું છે. ત્રણેય તબીબોએ સેવાનો યશ ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા, દાતા સામજીભાઇ દબાસીયાને આપ્યો હતો. દર્દીઓ પણ ઉત્તમ પ્રતિભાવ આપી રહ્યા છે. - સેવા અમારો ધર્મ : છેલ્લા પાંચ વર્ષથી જીવનનો મોટો ભાગ કચ્છના જાહેર આરોગ્ય માટે ખર્ચી નાખનાર દાતા ગોપાલભાઈ ગોરસિયા જિલ્લાના જાણીતા ડેવલોપર્સ છે, વ્યસ્ત છે, સેવાના ભેખધારી છે તે કહે છે હાલ ઉચ્ચ સ્તરીય એમ.આર.આઈ.  વસાવાયું  છે. આ ટ્રસ્ટે જિલ્લામાં પ્રથમ સીટીસ્કેન, પ્રથમ એમ.આર.આઈ., પ્રથમ એકમો પ્રણાલી, પ્રથમ ટ્રબીમ મશીન જેવા અનેક ઉપકરણો વસાવી શક્યું તે માટે સંપૂર્ણ યશ દાતાઓને છે. તેમના સાથ વગર કંઈપણ શક્ય નહોતું. શરીરનો એવો ભાગ જે શ્વાસથી હલનચલન કરે તેવી જગ્યાએ પણ રેડિયેશન ન ફેલાય તેમ પ્રણાલી સાથે કામ થાય છે. જે લંડનના `જયસામ' સામજીભાઇ દબાસીયાને આભારી છે. તમામ તબીબો, પેરામેડિકલ સ્ટાફે સેવા સાતત્યનું વચન દહોરાવ્યું છે. તાજેતરમાં કે.કે.માં પૂર્ણકાલીન અનુભવી સીઈઓ મેહુલભાઈ કાલાવાડિયાની પુન: નિયુક્તિ કરાઈ છે અને સિમ્સ વતી ડૉ. તૃપ્તિબેન સેંથાલિયા સક્રિય છે. દરેક વિભાગમાં તમામ તબીબોનો દર્દીલક્ષી અભિગમ બિરદાવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang