• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

મુંદરા સીએફએસ વિસ્તારમાં આગ ; સુરક્ષાના સવાલો

મુંદરા, તા. 19 : મુંદરા નગર અને પોર્ટ વિસ્તાર નજીક કંપનીઓમાં આગના બનાવો વધી રહ્યા છે અને ગઇકાલે એપીએમસીના ગોડાઉનમાં આગની ઘટના બાદ આજે સવારે પોર્ટના સીએફએસ વિસ્તારમાં પણ આગની ઘટના બની હતી. આ આગ ભલે 25 મિનિટમાં અંકુશમાં આવી ગઇ પરંતુ મોટા ઓઇલ સ્ટોરેજ ટેન્કો ધરાવતા વિસ્તાર નજીકની સીએફએસમાં આ આગની ઘટનાએ તંત્ર દ્વારા સુરક્ષાના નિયમોના અમલ સામે પ્રશ્નો અને કંપનીઓ દ્વારા રખાતી આગના જોખમ સામેની વ્યવસ્થાઓમાં ઊણપ જેવા ગંભીર મુદ્દા સામે આવ્યા છે. આધારભૂત માહિતી મુજબ સવારે લગભગ 11.45ના અરસામાં સીએફએસ વિસ્તારમાં ટીજી સીએફએસમાં કલ્માર (કન્ટેનર હેન્ડલિંગ સાધન)માં આગ લાગી હતી. જેણે લુબ્રિકેન્ટ લાઇનો બાળી નાખી હતી. જો કે, તે દશેક મિનિટમાં અંકુશમાં આવ્યા બાદ 25 મિનિટમાં બુઝાઇ ગઇ હતી, પરંતુ ઓઇલ કન્ટેનરમાં લીકેજની ઘટનાએ ધુમાડાનાં ગોટેગોટા સર્જાતાં ગંભીર ચિંતા સર્જી હતી. જો કે, સદ્ભાગ્યે કોઇ જાનહાનિ, ઇજા કે અનિચ્છનીય ઘટના બની નહોતી. આગનું સત્તાવાર કારણ બહાર નથી આવ્યું. ઘટનાની જાણ થતાં રાબેતા મુજબ પોર્ટ ઓથોરિટીના અગ્નિશમન દળે જ આગ પર ઝડપી કાબૂ મેળવી લીધો હતો. દરમ્યાન, આ સંદર્ભે સંબંધિત સીએફએસના મેનેજરને આ અખબારે સવાલ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, કલ્માર મશીનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી છે. કંપની પાસે પોતાનું અગ્નિશામક વાહન છે કે કેમ તેવા સવાલ પર તેમણે કહ્યું કે, પૂરતા સાધનો અને એન.ઓ.સી. પણ છે. આ સાથે મુંદરા કસ્ટમ દ્વારા દરવર્ષે થતા ઓડિટ સામે પણ પ્રશ્ન સર્જાય છે કારણ કે જ્યારે પણ આગ લાગે ત્યારે પોર્ટનું વાહન જ આગ બુઝાવે છે. મુંદરા કસ્ટમના સીએફએસ ઓડિટના આસિ. કમિશનર શ્રી દાસનો સંપર્ક કરતાં તેમણે વ્યસ્ત હોવાનું કહી પ્રતિભાવ ટાળ્યો હતો. - કેમિકલ માટે `પેસો'નું લાયસન્સ જોઈએ : મુંદરા, તા. 19 : મુંદરાના સીએફએસ વિસ્તારમાં આજે સવારે આગ લાગી અને તુરત બુઝાઈ ગઈ, પણ જે વિસ્તારમાં આગ લાગી છે ત્યાં કેમિકલ અને પ્રવાહીની હેરફેર તેમજ લીક્વિડ ટેન્ક હોવાથી સુરક્ષા સામે જોખમ ઊભું થયું હતું અને આ સંબંધે  ગંભીર બાબતો બહાર આવી છે. જાણકાર સૂત્રોના કહેવા મુજબ, જો કોઈ પ્રવાહી પદાર્થનું પરિવહન કરવું હોય તો દિલ્હીથી પરવાનગી લેવી પડે, જે નથી લેવાતી. જાણકારોના દાવા મુજબ કેમિકલ પરિવહનમાં ક્રાયોજેનિક આઈએસઓ ટેન્ક હોવી જોઈએ, તેને બદલે ફ્લેક્સી ટેન્ક બલૂનમાં જ પેટ્રો પેદાશોનું કન્ટેનર હેન્ડાલિંગ પરિવહન થઈ રહ્યું છે.  બેદરકારી રખાશે તો મોટી દુર્ઘટના ઘટી શકે એમ છે અને આસપાસના ગ્રામજનો કે શહેરીજનો માટે પણ જોખમ ઊભું કરી શકે છે. ખરેખર લીક્વિડ પરિવહન માટે `પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન' (પીઈએસઓ-પેસો)નું લાયસન્સ લેવાનું થાય છે, પણ કોઈ લેતું નથી. આજની ઘટનાને ગંભીરતાથી લઈને ડેવલોપમેન્ટ કમિશનર હોય કે રાજકોટ સ્થિત ફાયર ઓફિસર હોય કે જિલ્લા કલેકટર કચેરી હોય, તમામ સંબંધીત તંત્રોએ મામલાને ગંભીરતાથી લઈને તપાસ કરવી આવશ્યક છે. આ સૂત્રોના વધુમાં દાવા મુજબ, સીએફએસએ આગની સુરક્ષા સામે નિયત ધોરણો મુજબ સાધનો રાખવાં જોઈએ. ગોડાઉન અલગ હોવાં જોઈએ. પાણીની અંડરગ્રાઉન્ડ લાઈન હોવી જોઈએ તેમજ ઓવરહેડ ટેન્ક પણ હોવા જોઈએ, જેથી વીજપ્રવાહ બંધ હોય તો પણ ગ્રેવિટી ધોરણે આગ બુઝાવી શકાય, પણ નિયમો પળાતા નથી અને મોટાભાગના પાસે પોતાની અગ્નિશામકની ગાડી નથી અને `નાણાકીય વ્યવહાર'થી એનઓસી રિન્યુ પણ થઈ જતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. કસ્ટમ તંત્રએ પણ ઓડિટ વખતે તપાસ કરવાની જરૂર છે કે, ખરેખર કેટલા કન્ટેનરોનું હેન્ડાલિંગ થાય છે, જે પણ મર્યાદાથી વધુ થઈ રહ્યાનો આરોપો છે. બીજી સૌથી ગંભીર બાબત એ છે કે પ્રતિબંધિત બેઝ ઓઇલનું પણ બેરોકટોક પરિવહન કરવામાં આવે છે અને કાગળ પર કેરોસીન દેખાડવામાં આવે છે. તેલ કંપનીઓને આ ગમે છે, જે પછી ભારતમાં આવ્યા બાદ ડીઝલ તરીકે ઉપયોગ થાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang