• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

અમેરિકી સમન અનુચિત : ભારતે વાંધો ઉઠાવ્યો

આનંદ કે.વ્યાસ તરફથી : નવી દિલ્હી, તા.19 : વિદેશ મંત્રાલયે ગુરુવારે ખાલિસ્તાની સમર્થક આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા અમેરિકામાં ભારત સરકાર વિરુધ્ધ હત્યાના પ્રયાસ અંગે દાખલ કરાયેલા કેસને અનુચિત અને નિરાધાર આરોપ ગણાવીને ફગાવી દીધો છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે હવે જ્યારે કેસ દાખલ થઇ ગયો છે, એવામાં અંતનિર્હિત સ્થિતી અંગે ભારતના વિચાર બદલાશે નહીં. વિદેશ સચિવે વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ગુરુવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જેમ અમે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે આ આરોપો નિરાધાર અને અનુચિત છે. હવે અત્યારે વિશેષ કેસ નોંધાયો હોવા છતાં ભારતનું આ અંગેનું વલણ બદલાશે નહીં. હું માત્ર તમારું ધ્યાન વિશેષ કેસ પાછળના શખ્સ તરફ આકર્ષિત કરી રહ્યો છું. પન્નુ એક ભારત નામાંકિત આતંકવાદી છે, જે કેનેડા અને અમેરિકાનું નાગરિકત્વ ધરાવે છે. હું એ તથ્યને પણ રેખાંકિત કરીશ કે એ જે સંગઠનનું પ્રતિનિધિત્વ કરે છે તે એક ગૈરકાયદે સંગઠન છે. આ કેસ ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રીય અંખડતાને બાધિત કરવાના હેતુથી રાષ્ટ્રવિરોધી અને વિધ્વંસક ગતિવિધિઓમાં સામેલ હોવાને કારણે કરાયો છે. અહેવાલો અનુસાર પન્નુએ ન્યુયોર્કના દક્ષિણ જિલ્લામાંની અમેરિકન જિલ્લા કોર્ટમાં ભારત સરકાર, રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી અજિત ડોભાલ, ભૂતપૂર્વ સંશોધન અધિકારી સમંત ગોયલ, વરિષ્ઠ રો અધિકારી વિક્રમ યાદવ અને નિખિલ ગુપ્તા વિરુધ્ધ કેસ દાખલ કર્યો છે. નોંધનીય છે કે, શીખ્સ ફોર જસ્ટિસ નામના ઉગ્રવાદી સંગઠનના સર્વેસર્વા ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનો કારસો રચવાના આરોપ અન્વયે અમેરિકાની કોર્ટે ભારત સરકારને સમન્સ પાઠવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય સલાહકાર અજિત ડોભાલ, પૂર્વ રો પ્રમુખ સમંત ગોયલ, રો એજન્ટ વિક્રમ યાદવ અને ભારતીય કારોબારી નિખિલ ગુપ્તાના નામ સામેલ કરાયા છે. જો કે, ભારતે સ્પષ્ટ રીતે આરોપો નકાર્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang