• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

કચ્છ યુવક સંઘ પ્રસ્તુત કચ્છી નાટકની રજત જયંતી

મુંદરા, તા. 19 : કચ્છી ભાષાના જતન માટે છેલ્લાં લગભગ 31 વર્ષથી કચ્છી નાટય પ્રયોગો દ્વારા સમર્પિત પ્રયાસો કરતા કચ્છ યુવક સંઘના વર્તમાન વર્ષે આષાઢી બીજ-કચ્છી નવાં વર્ષથી શરૂ થયેલા નાટય પ્રયોગોને જબરદસ્ત લોકચાહના મળી રહી છે. આ વર્ષના નાટક `વા રે વા જિંધગી'ના 24 શો પૂર્ણ કરીને 25મો રજત જયંતી શો આગામી તા. 21/9/24ના  શનિવારે વાપીમાં યોજાશે. આ સમગ્ર નાટય પ્રવૃત્તિને જન્મભૂમિ-કચ્છમિત્ર જૂથ મીડિયા પાર્ટનર તરીકે સહયોગી બની રહ્યું છે. મુંબઈમાં દરેક શો હાઉસફૂલ ગયા બાદ હવે વાપીમાં કચ્છી જૈન સમાજ દ્વારા શનિવારે `જ્ઞાનધામ ઓડિટોરિયમ'માં રાત્રે નવ વાગ્યે આ કચ્છી નાટક યોજાશે. જેને ટિકિટ સ્પોન્સર તરીકે `પર્લ' કંપની સહયોગ કરી રહી છે. નાટકના દિગ્દર્શક વસંતભાઈ મારુએ જણાવ્યું કે, ગમે તેવી બીમારી કે મુશ્કેલી વચ્ચે જિંદગીમાં કેમ હકારાત્મક રહી આનંદથી જીવી શકાય તેનો સંદેશ આપતાં આ નાટકનો 25મો શો યોજાઈ રહ્યો છે અને એ હવે 50 શો ગોલ્ડન જ્યુબિલી તરફ આગળ વધશે. આગામી નવેમ્બરમાં કચ્છમાં સાત શો યોજવાની તૈયારી થઈ ચૂકી છે. વાપીનાં આયોજનમાં મહેન્દ્રભાઈ છેડા આયોજક તરીકે સહયોગી બની રહ્યા છે. વાપીમાં યોજાનારા આ શોમાં દક્ષિણ ગુજરાતનાં વિવિધ શહેરોમાંથી કચ્છી લોકો આ નાટક જોવા દર વર્ષે ઊમળકાથી ઊમટે છે. નોંધનીય છે કે, કચ્છ યુવક સંઘ પ્રસ્તુત નાટકને આ વર્ષે નાટક નિર્માણ દાતા તરીકે નીતાબેન પ્રફુલ્લ વીરા, નિકીતા જશ વીરા પરિવાર, વીરા ગ્રુપ સહયોગી બની રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang