• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

હવે જિલ્લાના વિકાસનાં આયોજનમાં જિ. પં.ના સભ્યોનુંયે યોગદાન

ભુજ, તા. 19 : કચ્છ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા કચેરીના સભાખંડ ખાતે મળી હતી, જેમાં મુખ્ય એજન્ડા મુજબ જિલ્લા અયોજન સમિતિના 13 સભ્યની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, આ સભ્યો હવેથી જિલ્લાના વિકાસના આયોજનમાં યોગદાન આપશે. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાનાં અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી શૈલેશ પ્રજાપતિના સભ્ય સચિવ પદે મળેલી આ સામાન્ય સભામાં ગત સામાન્ય સભાની કાર્યવાહીની નોંધને બહાલી અપાયા બાદ 15મા નાણાપંચ અને સ્ટેમ્પ ડયૂટી તથા રોયલ્ટી ગ્રાન્ટના કામોમાં સૂચવાયેલા ફેરફારોને બહાલી અપાઈ હતી, ત્યારબાદ સરકારની માર્ગદર્શિકા મુજબ જિલ્લા આયોજન સમિતિ માટે સર્વાનુમતે નક્કી કરાયેલા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા 13 સભ્યની આ સમિતિમાં વરણી કરવામાં આવી હતી. આ દરમ્યાન સમિતિમાં વિપક્ષી સભ્યને સમાવવાની માંગ વિપક્ષના મામદ જુંગ જતે કરી હતી, જેના પ્રત્યુત્તરમાં પ્રમુખે આ સમિતિ સર્વાનુમતે થઈ હોવાની સ્પષ્ટતા કરી હતી. આ તકે વિપક્ષી સભ્ય શ્રી જતે લખપત-અબડાસામાં ફેલાયેલી મહામારી દરમ્યાન વહીવટી તંત્ર, આરોગ્ય અને ખાસ કરીને મીડિયા દ્વારા ફેલાવાયેલી જાગૃતિ અંગે આભાર વ્યક્ત કરી આ તાલુકાઓમાં આરોગ્ય સુવિધા વધુ સુદૃઢ કરવા, ખાલી પડેલી ડોક્ટરોની જગ્યા તાત્કાલિક ભરવા, દૂષિત પાણી મુદ્દે પાણી પુરવઠા તંત્ર સમક્ષ રજૂઆત કરવા માંગ કરી હતી. આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી બે ઠરાવ કરાયા હતા, જેમાં ગત બેઠકમાં લેવાયેલા સ્ટેમ્પ ડયૂટી અને રોયલ્ટીની ગ્રાન્ટમાંથી સૂચવાયેલા 20 કામમાં ફેરફાર તથા વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ પત્રમાં પદાધિકારીઓ અને અધિકારીઓનાં વાહન રિપારિંગ ખર્ચ તેમજ નવું વાહન ખરીદવા માટે વર્તમાન 20 લાખની મર્યાદા વધારી 25 લાખ કરવા ઠરાવ કરાયો હતો. આ બેઠકમાં શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વાંચન, લેખન અને ગણનમાં સુધારા કરવા તૈયાર કરાયેલા `નમો સફળ કચ્છ પ્રોજેક્ટ'ની વિગતો સમિતિના ચેરમેન વીરમભાઈ ગઢવી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ આપી હતી. આ બેઠકમાં ઉપપ્રમુખ મનીષાબેન વેલાણી, કારોબારી ચેરમેન ઘેલાભાઈ ચાવડા, પૂર્વ પ્રમુખ પારુલબેન કારા તેમજ અન્ય સભ્યો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. - આ છે જિલ્લા આયોજન સમિતિના સભ્યો : પુરુષોત્તમ મારવાડા (મોથાળા), નયનાબેન પટેલ (નખત્રાણા), રહીમાબાઈ રાયશી (ભીરંડિયારા), દામજી ચાડ (સુમરાસર-શેખ), સોનબાઈ થરિયા (બિદડા), હરિભાઈ જાટિયા (કુકમા), કૈલાસબા જાડેજા (ભદ્રેશ્વર), લક્ષ્મીબેન પાતારિયા (સમાઘોઘા), મ્યાજર છાંગા (રતનાલ), નીતાબેન ગઢવી (આધોઈ), જયશ્રીબા જાડેજા (રવમોટી), લક્ષ્મીબેન ડાંગર (ખેડોઈ), ભચુભાઈ વેદ (ગાગોદર). 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang