• શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2024

નલિયા સરકારી હોસ્ટેલમાં અસુવિધાઓનો ભરડો

નલિયા (તા. અબડાસા), તા. 19 : અહીંની કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલમાં રહેલી અસુવિધાઓ બાબતે ગુજરાત પ્રદેશ મહેશ્વરી સમાજના મંત્રી અને એડવોકેટ લાલજી કટુવાની આગેવાની હેઠળ પ્રાંત અધિકારી કે. જે. વાઘેલાને લેખિત રજુઆત કરાઈ હતી. હોસ્ટેલમાં અવારનવાર 10થી 15 દિવસ સુધી લાઈટ કપાઈ જવી, ઈલેકટ્રીક ઉપકરણ લાઈટ-પંખા અવારનવાર બગડી જવા, નાહ્વા તથા કપડાં ધોવા પાણીની સગવડ નથી.બાજુની શાળામાંથી પાણી ભરવા જવું, બારી બારણાંની કફોડી હાલત, આઠ દિવસથી ભોજનમાં દાળભાત સીવાય કશું પણ ન મળવું વગેરે મુદ્દે રજુઆત કરાઈ હતી.  હોસ્ટેલમાં ફરજ પરના વોર્ડન ભાવનાબેન પ્રજાપતિ દ્વારા મેઈન્ટેનન્સનું કાર્ય ન કરાવાતા હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય પર આડઅસર તથા અભ્યાસમાં ખલેલ પહોંચે છે તેમજ અંધશ્રદ્ધા ફેલાવી બાલિકાઓને ડરાવવાની ફરિયાદો પણ ઉઠી હતી. ભુજ શિક્ષણ શાખામાંથી એક ટીમ કામ માટે આવેલી છે. જિલ્લા કોર્ડિનેટર પ્રજાપતિ વિષ્ણુકુમાર તથા જિલ્લા વાઈસ કોર્ડીનેટર લિમ્બાચિયા પૂજાબેને આ કામને 15 દિવસમાં પૂર્ણ કરવાની લેખિતમાં ખાતરી આપી હતી. અબડાસા પ્રાંત અધિકારી કે. જે. વાઘેલાએ દરરોજની કામગીરી બાબતની જાણ કરવાની સૂચના આપી હતી.  આવેદનપત્ર આપવા લાલજી કટુવા, નલિયા મહેશ્વરી સમાજના પ્રમુખ મધુકાન્ત મહેશ્વરી, ગેભી મતિયાદેવ મેળા સમિતિના ગાંગજીભાઈ ભરાડીયા, અશોક કન્નર, અબડાસા તાલુકા ન્યાય સમિતિ ચેરમેન શિવજી મહેશ્વરી, માલસીભાઈ પાતારીયા,  રાયચંદ કટુવા, રવીભાઈ સીજુ, વલ્લભભાઈ પીંગલસુર, જેઠાલાલ ફફલ, પ્રેમકુમાર ચંદે, માધવજી ગરવા, સરલાબેન લાલજી, પ્રેમીલાબેન મહેશ્વરી, બબા ફકીર કોલી, સંઘાર રોમતબાઈ, ડોલુભા જાડેજા, પઢિયાર ભોજરાજસિંહ, જીવણ વીરા, લૈયારી નારાયણ, કાસમ શોધમ, માનબાઈ લાલજી બાલાચોડ સહિત વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો હોસ્ટેલની કેજીબી શાળાની 100 વિદ્યાર્થીની તથા કેજીબી શાળા 4ની 100 બાલિકા સહિત અનશન કરવાની ચીમકી આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang