• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

મુંદરા તાલુકામાં આસોમાં વરસાદી ઝાપટાં

ભુજ, તા. 17 : કચ્છમાં છેલ્લા એકાદ સપ્તાહથી આસોમાં ચૈત્ર-વૈશાખ જેવી આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. મહત્તમ પારો 40  ડિગ્રીના આંકે પહોંચતાં જનજીવન કાળઝાળ બન્યું છે, ત્યારે ગરમીના આ માહોલ વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યાના અહેવાલ મળ્યા છે. મુંદરાના મોખામાં ભારે પવન સાથે અડધો કલાક સુધી ઝાપટું  વરસતાં અડધો ઇંચ પાણી પડયું હતું. જિલ્લામાં અન્યત્ર તાપની  આણ યથાવત્ રહી હતી બપોરના સમયે વાદળોની આછી અવરજવર જોવા મળી હતી. નવરાત્રિના જામેલા માહોલ ટાંકણે જે કમોસમી વરસાદનો આ માહોલ સર્જાતાં તહેવારની ઉજવણીમાં વિક્ષેપ પાડે તેવી ભીતિ છે. મુંદરાના અહેવાલ અનુસાર સાંજના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને મોખા અને તેની આસપાસના વિસ્તારમાં અડધો કલાક સુધી વરસાદી ઝાપટું વરસતાં વાતાવરણમાં થોડા સમય માટે ઠંડક પ્રસરી હતી. જિલ્લામાં અન્યત્ર કમોસમી વરસાદ વરસ્યાના કોઇ અહેવાલ મળ્યા નથી. મુંદરા બ્યૂરોના અહેવાલ અનુસાર માતાજીની નવરાત્રિ દરમ્યાન  ગુજરાતમાં વિવિધ સ્થળે વરસાદ પડશે તેવી અગાઉ આગાહી થઈ ચૂકી હતી, પરંતુ એવો ક્યાંય માહોલ ન જામ્યો અને રાત્રે ઠંડક, તો દિવસભર ભારે ગરમી પડી રહી છે તેની વચ્ચે મુંદરા તાલુકાનાં મોખા ગામથી વરસાદનાં વાવડ મળ્યા છે. જિ. પં. સદસ્ય તિલકભાઈ ફફલે કહ્યું કે, મોખા ગામ,  મોખા ટોલ અને આસપાસના વિસ્તારમાં સાંજે ભારે પવન સાથે જોરદાર ઝાપટું પડ્યું હતું. હવામાનના અચાનક પલટામાં લગભગ અડધો કલાકમાં અડધો ઇંચ જેવું પાણી પડ્યું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે, ભાદરવાના ભુસાકા જેમ આસોમાં પણ આસપાસના અન્ય ગામો કોરા રહ્યાં હતાં. જો કે, તાલુકાના અન્ય ગામોમાં વાદળછાયો માહોલ છવાયો હતો. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો થોડો નીચે સરકી 38.6 ડિગ્રીએ પહોંચવા છતાં આકરા તાપની અનુભૂતિમાં નામમાત્રની રાહત મળી નહોતી. ખાસ કરીને મધ્યાહ્ન સમયે પ્રખર તાપ અને ઉકળાટનાં કારણે લોકોએ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. નલિયામાં 38.2, કંડલા પોર્ટમાં 35.5 અને કંડલા એરપોર્ટમાં 38 ડિગ્રી મહત્તમ સામે લઘુતમ પારો 24થી 27 ડિગ્રી વચ્ચે નોંધાતાં વહેલી પરોઢના ઝાકળિયા માહોલના કારણે અનુભવાતી ઠંડકને બાદ કરતાં ઉકળાટ જ અનુભવાયો હતો. હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક સ્થળે વરસાદ વરસવાની આગાહી કરી છે, પણ તેમાં કચ્છનો ઉલ્લેખ કરાયો નથી. આજે પડેલું ઝાપટું લોકલ સિસ્ટમ વિકસિત થતાં પડયું હોવાનું હવામાન શાત્રીઓ જણાવી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd