અમદાવાદ, તા. 17 (અમારા પ્રતિનિધિ તરફથી) : પ્રાથમિક
અને માધ્યમિક શિક્ષકોના અન્ય કામનું ભારણ ઘટાડવા તથા તેઓ વર્ગખંડમાં શૈક્ષણિક કાર્ય
માટે વધુમાં વધુ સમય ફાળવી શકે તે સુનિશ્ચિત કરવાના હેતુથી ઉચ્ચાધિકારીઓની વિશેષ સમિતિની
રચના કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક દરમ્યાન આ નિર્ણય લેવાયો હતો.
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શિક્ષકો પર રહેલું
બિન-શૈક્ષણિક અને ઓનલાઈન કામગીરીનું ભારણ ઘટાડવા માટેનો નિર્ણય લેવાયો હતો. આ માટે શિક્ષણએ જી.સી.ઈ.આર.ટી., સમગ્ર શિક્ષા અને કમિશનર ઓફ સ્કૂલ્સના ઉચ્ચ
અધિકારીઓની એક વિશેષ સમિતિ રચવા સૂચના આપી હતી. આ સમિતિ શિક્ષકોની કામગીરી વધુ સરળ
અને સુગમ બને તે માટે તમામ પાસાઓનો તલસ્પર્શી અભ્યાસ કરીને રાજ્ય સરકારને અહેવાલ સોંપશે,
જેના આધારે સરકાર શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓના હિતમાં આખરી નિર્ણય કરશે.
તેમણે જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર શિક્ષકોના પ્રશ્નો પ્રત્યે
સંવેદનશીલ છે. શિક્ષક માટે તો વર્ગ એ જ સ્વર્ગ છે. આપણી મુખ્ય પ્રાથમિકતા એ છે કે,
શિક્ષકોને બિન જરૂરી ઓનલાઈન એન્ટ્રીઓ અને બિન શૈક્ષણિક કામગીરીમાંથી
મુક્તિ મળે, જેથી તેઓ પોતાનો મહત્તમ સમય બાળકોના અભ્યાસ અને શૈક્ષણિક
કાર્યમાં ફાળવી શકે. તેમણે વધુમાં ઉમેર્યું
હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવા શિક્ષણ
સૌથી વધુ જરૂરી છે જેમાં શિક્ષકો ચાવીરૂપ ભૂમિકા ભજવશે.