ભુજ, તા. 17 : શહેરના બસ સ્ટેશન વિસ્તારમાં
અનિયમિત સફાઈના પગલે વેપારીઓમાં રોષ ફેલાયો હતો. એક તબક્કે વેપારીઓ અને ભુજ સુધરાઈના
કર્મચારીઓ આમને-સામને પણ આવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. ભુજમાં છેલ્લા કેટલાક દિવસોથી સફાઈનો નવો કોન્ટ્રાક્ટ
અપાયો છે, ત્યારે અનેક વિસ્તારો નિયમિત સફાઈથી વંચિત બનતાં રહેવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
દરમિયાન આજે આ જ મુદ્દે બસ સ્ટેશન માર્ગે સહયોગ હોલ નજીકના વેપારીઓ રોષે ભરાયા હતા. સવારે સફાઈ કામદારો
કચરો વાળી ઢગલા કરી જાય છે, પણ બાદમાં એ ઢગલા ટ્રેક્ટર ઉપાડવા
ન આવતાં એ કચરો વિખેરાઈ ફરી માર્ગો પર ફેલાતાં 20થી 25 દુકાનદારે આ બાબતે નગરપાલિકામાં જાણ કરી હતી. જો કે, આ અંગે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરાઈ હોવા છતાં
કોઈ નિકાલ ન આવતાં વેપારીઓમાં આક્રોશ ફેલાયો હતો. નિયમિત ટેક્સ ભરવા છતાં યોગ્ય સફાઈ
ન થતાં નારાજગી વ્યક્ત થઈ હતી. સવારે સ્થળ પર નગરપાલિકાના કર્મચારીઓ આવતાં વેપારીઓએ
આ બાબતે ફરી રજૂઆત કરી નિયમિત સફાઈની માંગ કરી હતી. દરમિયાન ફોન કરવા મુદ્દે નગરપાલિકાના
કર્મચારી દ્વારા વેપારી સાથે અયોગ્ય વર્તન કરાયું હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું
હતું. બનાવ સમયે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અશોક હાથીએ કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે સમાધાન
કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.