વિથોણ, તા. 17 : દુષ્કાળની સ્થિતિ વેઠતા નખત્રાણા
પંથકના ખેડૂતો અપૂરતી વીજળી, ખેતપેદાશનું
ઓછું ઉત્પાદન અને વાડીઓમાં જંગલી જાનવરોના ત્રાસથી ખેડૂતોની દશા બગડી ગઈ છે. અપૂરતી
મળતી વીજળીના કારણે પિયતમાં મુશ્કેલી થાય છે. ઓછા વરસાદને કારણે સીમાડો ઘાસવિહોણો બની
જતાં જંગલી સૂવરો, નીલગાયો
અને બીનવારસુ પશુઓથી પંથકનો ખેડૂત પાયમાલ થઈ ગયો છે. ખેડૂતો ઉપર અત્યારે આભ ફાટે તેવી
પરિસ્થિતિ સર્જાઈ છે. ગરમીના પ્રકોપને કારણે આઠમાસી કપાસના પાકનું ફીંડલું વળી ગયું
છે. કપપાસમાં જીંડવા લાગે તે પહેલાં છોડ પીળા પડીને સુકાઈ ગયા છે. નખત્રાણા પંથકનો
મુખ્ય ઉદ્યોગ ખેતી છે. જો ખેતીની માઠી દશા થશે તો ખેડૂતો દેવાના બોજ તળે દબાઈ જશે.
ધાન્ય પેદાશોના ઓછા ભાવના કારણે ખેડૂતોએ બાજરો, ઘઉં જેવી ઉપયોગી
ખેતપેદાશોના વાવેતર બંધ કરી દીધાં છે અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. દાડમની ખેતીમાં
પણ કુદરત કોપાયમાન બની છે. દાડમના છોડમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલ તો આવ્યા પણ ફળ પકડાતાં
નથી. આણંદસરના ખેડૂત જયંતીભાઈના જણાવ્યા મુજબ
આ વર્ષે ખેતપેદાશોમાં લાખના બાર હજાર થયા છે. ખરે ટાંકણે વીજ ધાંધિયાથી ખેડૂત પરેશાન
છે. આઠ કલાકને બદલે સાત કલાક વીજળી અપાય છે અને તે પણ ટુકડે-ટુકડે આપવાથી પિયત કરવી મુશ્કેલ બની છે. વારંવાર વીજ વિક્ષેપથી
વીજ ઉપકરણોને નુકસાન થાય છે.