નવી દિલ્હી, તા. 17 : દેશની સર્વોચ્ચ અદાલતે શનિવારે એક ધ્યાન ખેંચનારા મહત્ત્વપૂર્ણ
ચુકાદામાં જણાવ્યું હતું કે, બાળકોને
ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનો મૌલિક અધિકાર છે, પછી બાળકની ઉમર ગમે
તેટલી હોય. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે, બાળકોની ઓનલાઇન સુરક્ષા
અને સ્વતંત્રતા એકબીજાના વિરોધી નથી. બાળકોને બંનેનો અધિકાર છે. જસ્ટિસ જે. બી. પારડીવાલા
અને કે. વિનોદચંદ્રનની ખંડપીઠે યૌન શોષણવાળી સામગ્રી હટાવવા માટે ડેટાબેઝ બનાવવાનો
નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ઇન્ટરનેટ
પર અશ્લીલ અને ખોટી સામગ્રી હોવાના કારણે બાળકો માટે પ્રતિબંધ મૂકવો એ કોઇ સમાધાન નથી.આવી
પાબંદીઓથી બાળકો ઓછી સુરક્ષિત વેબસાઇટ તરફ વળી શકે છે. સાથે ઓનલાઇન ધમકી અથવા શોષણનો
સામનો કરતાં બાળકો તેની ફરિયાદ કરતાં પણ ડરશે, તેવું કોર્ટે કહ્યું
હતું. અદાલતે બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલી સામગ્રી ઇન્ટરનેટથી હટાવવાની વ્યવસ્થા
મજબૂત કરવાના મામલામાં આ ટિપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આવી સામગ્રીનો
રાષ્ટ્રીય ડેટાબેઝ બનાવા અને સોશિયલ મીડિયા કંપનીઓને બે કલાકની અંદર પોલીસને અહેવાલ
આપવા સહિત અનેક નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે આજે આપેલા નિર્દેશ બાદ હવે કોઇ સામગ્રીને
ડેટાબેઝમાં નોંધવાથી પહેલાં તેની તપાસ થશે. કમસેકમ ત્રણ પ્રશિક્ષિત તજજ્ઞો સ્વતંત્ર
રીતે નક્કી કરશે કે આ સામગ્રી બાળકોના યૌન શોષણ સાથે જોડાયેલી છે કે નથી. પ્રારંભિક
તબક્કાની તપાસમાં સોફટવેરની મદદ લેવાશે. તપાસનો રેકોર્ડ રખાશે. ડેટાબેઝ સુધી કોણે પહોંચ
મેળવી તેની જાણકારી પણ નોંધાશે. સમયાંતરે સ્વતંત્ર તપાસ કરાશે. ખોટી રીતે નોંધાયેલી
સામગ્રી હટાવવા અને તેની ફરિયાદ કરવાની વ્યવસ્થા પણ કરાશે. સોશિયલ મીડિયા કંપનીઓ પોતાના
પ્લેટફોર્મ પર મોજૂદ સામગ્રીને ડેટાબેઝ સાથે મેળવી શકશે, જેનાથી
એ જ સામગ્રી બીજીવાર અપલોડ થવા પર પણ ઓળખી શકાશે. કેન્દ્ર સરકારે નિર્દેશ લાગુ કરવા
માટે જરૂરી દિશાનિર્દેશ અને પ્રક્રિયા તૈયાર કરવી પડશે. જરૂર મુજબ આઇટી કાયદા તેમજ
નિયમોમાં બદલાવ પણ કરવા પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 10 ડિસેમ્બર સુધીમાં નિર્દેશો
પર થયેલી પ્રગતિ અંગેની જાણકારી સોગંદનામા દ્વારા આપવાનો નિર્દેશ આપ્યો હતો.