ભુજ, તા. 17 : ભાનુશાલી સમાજના ચાર યુવાનો
ઈકો ગાડીથી તેરા ગરબા રમવા ગયા હતા અને મધ્ય રાતે પરત ફરતાં ઊભેલાં ટ્રેઈલરમાં ગાડી
ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં માનવ શંકરલાલ ભાનુશાલી (રહે. દદામાપર)નું મોત નીપજ્યું
હતું અને અન્ય ચાર ઘાયલ થયા હતા. આ કરુણ બનાવથી ભાનુશાલી સમાજમાં અરેરાટી વ્યાપી હતી.
આ અકસ્માત અંગે નલિયા પોલીસ મથકે મૂળ દદામાપર હાલે નલિયા રહેતા 21 વર્ષીય યુવાન મયૂર માધવ ગજરાએ
નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 16/10ના રાતે તે
તથા તેના મિત્રો શંકરલાલ પેરાજ ભાનુશાલીની ઈકો ગાડી નં. જી.જે.-12- આઈ.સી.-0911વાળી ચલાવીને નલિયાથી તેરા
ગામે ભાનુશાલી મહાજન સમાજવાડી ખાતે ગરબા રમવા ગયા હતા અને ત્યાંથી રાતે ત્રણેક વાગ્યે
પરત નલિયા આવી રહ્યા હતા. ત્યારે ગુડથર ફાટક પાસે બંધ હાલતમાં ટ્રેઈલર નં. જી.જે.
-12- સીવી -2581 ઊભું હતું. જેની પાછળ કોઈ આડશ
કે બંધ હોવાના કોઈ ચિહ્નો મૂકેલા ન હતા. રાતના અંધારા અને ઝાકળ જેવા વાતાવરણના લીધે
તેમની ઈકો ગાડી ટ્રેઈલરમાં અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં પગલે ઘાયલોને
પ્રથમ નલિયા સરકારી હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજ ખસેડાયા હતા. માનવ
શંકરલાલ ભાનુશાલીનું માથાં તથા મોઢાંમાં ગંભીર ઈજાના પગલે સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું
હતું. જ્યારે સાહેદો અરુણ અશ્વિન ભાનુશાલી અને સુજલ શાંતિલાલ ભાનુશાલીને પગમાં ફ્રેકચર
તથા જગદીશ વસંત ભાનુશાલી અને ફરિયાદી મયૂરને ઈજાઓ પહોંચી હતી. પોલીસે ટ્રેઈલરચાલક વિરુદ્ધ
ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ આ યુવાનો સાથે સર્જાયેલી આ દુર્ઘટનાનાં
પગલે અબડાસા ભાનુશાલી સમાજમાં અરેરાટી વ્યાપી હતી.ઐ