મુંદરા, તા. 17 : કચ્છમાં ઔદ્યોગિકીકરણ અને વિકાસને
પગલે છેલ્લા લગભગ બે દાયકામાં દેશના વિવિધ પ્રદેશમાંથી વસ્તી વધી છે. ગાંધીધામની જેમ
હવે મુંદરા શહેરમાં પચરંગી પ્રજા છે અને તેમની પરંપરા અનુસાર તહેવારો દૂધમાં સાકર ભળી
જાય એમ ઉજવણીઓ કરે છે. આ કડીમાં મુંદરાના `અમાર કજોન સોશિયલ' ટ્રસ્ટના ઉપક્રમે સતત 16મા વર્ષે `સર્બોજાનિક (સાર્વજનિક) દુર્ગોત્સવ'ની ઉજવણી
શરૂ થઈ છે. લગભગ 3000થી વધુ પશ્ચિમ
બંગાળનાં વતનીઓ વસ્યા છે એવા મુંદરા શહેરમાં 2004થી બંગાળમાં થાય છે એ જ વિધિવિધાન મુજબ દુર્ગાપૂજાનો આરંભ થયો
હતો. આ પાંચ દિવસની દુર્ગા ઉત્સવની કડીમાં શુક્રવારે સ્થાપના વિધિ અને દર્શનથી શરૂઆત
થઈ હતી, જેમાં માત્ર બંગાળના જ નહીં, તમામ સ્થાનિક ભાવિકો પણ પૂજા દર્શન, દાન ધર્મમાં જોડાય
છે. ટ્રસ્ટ દ્વારા બારોઈ રોડ, સાંઈબાબા મંદિર નજીક ઊજવાતા અનોખા
ઉત્સવ માટેની માતાજીની મૂર્તિ પણ બંગાળના કારીગરો દ્વારા ઘડાતી હોય છે અને પૂજાવિધિ
પણ કોલકાતાથી અહીં આવેલા મહારાજ દ્વારા પરંપરાગત રીતે સંપન્ન થાય છે, પણ સમગ્ર ઉત્સવ માત્ર બંગાળીઓનો નહીં,
પણ ભાષાના અને પ્રદેશનાં બંધનો તોડીને આ વિસ્તારના તમામ લોકોનો બની રહ્યો
છે. બોધન, પુષ્પાંજલિ, સાંસ્કૃતિક કાર્યક્રમો
સાથે રવિવારે અષ્ટમીના સંધિપૂજા, મંગળવારે નવમીના હવન,
પૂજા અને મહાપ્રસાદ અને બુધવારે વિસર્જન શોભાયાત્રા યોજાશે. આ કાર્યક્રમમાં
માતાજીને 108 કમળ અર્પણ
અને દીવા પ્રજ્વલન ભક્તો માટે આકર્ષણ ઊભું કરે છે. માતાજી સ્થાપના દર્શનના આરંભે અતિથિપદે
ભોગીલાલભાઈ ચાવડા, કિશોરભાઈ પિંગોલ,
ધર્મેન્દ્ર જેસર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન સૂરજિત
સાહા, ચંદન હઝરા, પરિતોષ નાંદી,
બિશ્વજિત પોરિયા, તમલ દાસ, પ્રનબ ગરાઈ વિ. સંભાળી રહ્યા છે.