નવી દિલ્હી, તા. 17 : ભારતીય ક્રિકેટ
કંટ્રોલ બોર્ડની સિનિયર પુરુષ પસંદગી સમિતિમાં ખાલી પડેલી જગ્યા માટેની પ્રક્રિયા હવે
રોમાંચક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ભારતના ભૂતપૂર્વ ઓપનર અને ઘરેલુ ક્રિકેટના દિગ્ગજ
બેટ્સમેન વસીમ જાફરે પણ આ પદ માટે પોતાની દાવેદારી નોંધાવતાં સમીકરણો બદલાઈ ગયાં છે.
બીસીસીઆઇની ક્રિકેટ એડવાઇઝરી કમિટી દ્વારા જે ઉમેદવારોના વર્ચ્યુઅલ ઇન્ટરવ્યૂ લેવામાં
આવ્યા છે, તેમાં જાફરનો પણ સમાવેશ થાય છે. આ કમિટીમાં
ભારતના પૂર્વ ખેલાડીઓ અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપે સામેલ છે. અજીત અગરકરે મુખ્ય
પસંદગીકારનું પદ છોડયા બાદ આ જગ્યા ખાલી પડી હતી, જેનાં પગલે
બોર્ડે અરજીઓ મંગાવી હતી. હાલમાં ભારતના ભૂતપૂર્વ ડાબોડી સ્પિનર પ્રજ્ઞાન ઓઝા પસંદગી
સમિતિના વચગાળાના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. સીએસી દ્વારા પૂર્વ ઓફ સ્પિનર
રમેશ પોવાર, પૂર્વ ઝડપી બોલર સલિલ અંકોલા ઉપરાંત વડોદરાના જેકબ
માર્ટિન (ભારત માટે 10 વન-ડે રમનાર)
અને કોનર વિલિયમ્સના પણ ઇન્ટરવ્યૂ લેવાયાં છે. બીજી તરફ, આ પદ માટે જેમનાં નામની ભારે અટકળો ચાલી રહી
હતી તેવા ગુજરાતના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન પાર્થિવ પટેલે અરજી કરી નથી, જેથી તેઓ આ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. વસીમ જાફરની દાવેદારી આ પસંદગી પ્રક્રિયામાં
નિર્ણાયક સાબિત થઈ શકે છે. બીસીસીઆઇનાં બંધારણ મુજબ, સિનિયર પસંદગી
સમિતિના પાંચ સભ્ય પૈકી જે ખેલાડી પાસે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમવાનો અનુભવ
હોય, તેને સમિતિના ચેરમેન બનાવવામાં આવે છે. જાફરે ભારત તરફથી
31 ટેસ્ટ અને 2 વન-ડે મેચ રમી છે. જો સીએસી તેમના નામની
પસંદગી માટે ભલામણ કરે છે, તો તેઓ ટેસ્ટ
અનુભવના મામલે પ્રજ્ઞાન ઓઝા (24 ટેસ્ટ) કરતાં આગળ નીકળી જશે અને સીધા જ રાષ્ટ્રીય પસંદગી સમિતિના
નવા અધ્યક્ષ (ચીફ સિલેક્ટર) બનવા માટે પ્રબળ દાવેદાર બની રહેશે.