ભુજ, તા. 16 : બંગાળી પરિવારો દ્વારા અહીં
દર વર્ષે દુર્ગાપૂજા મહોત્સવ ઊજવાય છે અને ભુજ બંગાલી એસોસિયેશન દ્વારા પાંચ દિવસીય
ધર્મોત્સવનો પ્રારંભ કરાયો છે. ભુજ શહેર અને તાલુકામાં 400 જેટલા બંગાળી પરિવારો રહે છે
અને મોટાભાગના લોકો સોનાં-ચાંદીની કારીગરી ક્ષેત્રે સંકળાયેલા છે. આ પરિવારોમાં દુર્ગાપૂજાનું
વિશેષ મહાત્મ્ય છે. છેલ્લાં 18 વર્ષથી પરંપરાગત
રીતે ઉજવણી કરવામાં આવે છે. આ વખતે ભુજના બસ સ્ટેશન નજીક ઓપન એર થિયેટર ખાતે પાંચ દિવસીય
મહોત્સવનો શનિવારથી પ્રારંભ કરાયો છે. મહોત્સવના પ્રથમ દિવસે સવારે માતાજીનું પૂજન, અર્ચન, રાત્રે આરતી બાદ
સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં બંગાળી
ભાઈ-બહેનો સહભાગી થયા હતા. મહોત્સવના બીજા દિવસે રવિવારે સવારે પૂજન, પુષ્પાંજલિ, બપોરે મહાપ્રસાદ, રાત્રે
આરતી બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ, તા. 19-10ના સવારે પૂજન-અર્ચન, ખાસ પૂજા, રાત્રે આરતી,
સાંસ્કૃતિ કાર્યક્રમ, તા. 20-10ના સવારે પૂજન, કુમારિકા પૂજા, હોમ,
રાત્રે આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ મહોત્સવના
અંતિમ દિવસે તા. 21-10ના સવારે
પૂજા, પત્રિકા વિસર્જન, સિંદૂર
ખેલા, મૂર્તિ વિસર્જન અને રાત્રે વિજયા સંમેલન યોજાશે. મહોત્સવ
દરમિયાન દરરોજ યોજાતા કાર્યક્રમોનો બંગાળી પરિવારના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં લાભ લઈ
રહ્યા છે. હેમલભાઈ સહિત ભુજ બંગાલી એસોસિયેશનના કાર્યકરો વગેરે મહોત્સવ દરમિયાન વ્યવસ્થા
સંભાળી રહ્યા છે.